<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ટ્રમ્‍પ : સરકારના વૈશ્વિક જોકર

અમેરિકાને પણ ભારે પડી શકે છે : ભારતને નુકશાન થાય તો પણ જમાદારો સામે ઝૂકાય નહિ

 

ટેરિફ નામનું ગતકડું

અમેરિકા એક સદીથી  પોતાને જગત જમાદાર માને છે. તેમનો પ્રભાવ હતો પણ ખરો. જો કે વિશ્વના દેશો મજબૂત બનવા લાગ્‍યા, પણ મજબૂતીમાં  અમેરિકાએ પ્રગતિ નથી કરી. આ સ્‍થિતિમાં અમેરિકાએ પોતાની ભુમિકા મર્યાદિત કરવી પડે. પણ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જમાદારને બદલે જગતના માલિક હોય તેવું વર્તન કરવા લાગ્‍યા છે.

ભારત રશિયા સાથે સંબંધ રાખે છે. તે મુદ્‌ે ભારત પર ૨૫ ટકા ટેરિફ અને દંડ લગાવવાની ઘોષણા કરી છે. વિશ્વ બાપુજીનો બગીચો હોય તેવું વર્તન ટ્રમ્‍પ કરી રહયા છે. ઓપરેશન સિંદુરમાં ટ્રમ્‍પે ધરાર શાંતિદૂત બનવા પ્રયાસ કર્યો. ભારતને દબાવવા ટ્રમ્‍પ સતત ધમકી ભરી ભાષા બોલી રહયા હતા.

ટ્રમ્‍પ ના એક પણ ગતકડાં સામે ભારત ઝૂકયું નહિ. ઓપરેશન સિંદુરની ચર્ચામાં સંસદમાં સત્તાવાર કહી દીધું કે, ઓપરેશન સિંદુર રોકવા વિશ્વના કોઇ નેતાની ભૂમિકા નથી. આ સ્‍પષ્‍ટ નિવેદનથી ટ્રમ્‍પની હવા નીકળી ગઇ અને  ટ્રમ્‍પે ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી દીધી છે. ગ્‍લોબલ વર્લ્‍ડ ના સમયમાં દરેક દેશને દરેક દેશની જરૂર છે. કોઇ દેશ આત્‍મનિર્ભર નથી.

આ સ્‍થિતિમાં દરેક દેશ એક-બીજાના સહયોગી છે. કોઇ દેશ-કોઇ દેશ પર ઉપકાર કે અપકાર નથી કરતો. આ માહોલમાં અમેરિકા એમ માને કે અમે વિશ્વ પર ઉપકાર કરીએ છીએ તો એ ભાન ભૂલે છે.

રશિયા પાસેથી આપણે ખરીદી કરીએ અને ટ્રમ્‍પને વાંધો પડે એ યોગ્‍ય છે? કયા દેશે કયા દેશ સાથે સંબંધો રાખવા એ અમેરિકાએ નક્કી કરવાનું છે ? ટ્રમ્‍પ અમેરિકાના રાષ્‍ટ્રપતિ છે. વિશ્વના મહારાજા નથી. આ ઓકાતનું તેમને ભાન થવું જ જોઇએ.

જો કે ભારતમાં રાહુલ ગાંધીઓ ટ્રમ્‍પને હીરો બનાવીને ભારતના વડાપ્રધાનને કમજોર કહે છે. વડાપ્રધાન કમજોર હોત તો ટ્રમ્‍પની હા-જી-હા કરી હોત. આજે ભારત અમેરિકા સામે વટ થી ઉભું છે.

અમેરિકા ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવે તે ભારત માટે નુકસાનકારક છે જ, પરંતુ દેશે મજબૂત બનવું હોય તો સ્‍વમાની બનવું જોઇએ. સ્‍વમાન માટે થોડી નુકસાની પણ ખમવી પડે છે. બીજી બાજુ અમેરિકા પણ આત્‍મનિર્ભર દેશ નથી. ટેરિફથી અમેરિકાના અર્થતંત્રની પણ પથારી ફરી શકે છે. ભારતે ઝૂકવાની જરૂર નથી. મોદી સરકારના વલણને સલામ છે.

અમેરિકી ટેરિફ એ રાજકીય નહિ રાષ્‍ટ્રીય મુદ્‌ો છે. આ મામલે કોંગ્રેસ રાજકીય લાભ લેવા માગે છે. ટ્રમ્‍પની કઠપૂતળીની જેમ નાચે છે.જગત જમાદાર અમેરિકા ટ્રમ્‍પ ના વિચિત્ર વલણથી ખુદ હાસ્‍યાસ્‍પદ બની રહયું છે. અમેરિકાના વૈશ્વિક સરકસમાં ટ્રમ્‍પની દશા મસ્‍ત જોકર જેવી બની ગઇ છે. ટ્રમ્‍પ યુક્રેનને પણ ઝૂકવી શકયા નથી. ભારત તો મહાશકિત બની ને ઉભરી રહયું છે. ટ્રમ્‍પ સામે ઝૂકવાનો સવાલ જ નથી. જોકર સમજદાર બને તેવી શુભેચ્‍છા.

(11:48 AM IST)