<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

વિકાસ V/S સુખાકારી..

શહેરોના વિકાસ માટે રૃા. ૪૦૦૦ કરોડ ફળવાયા : ગુજરાતમાં જરૃરી છે. સુખાકારી

 પૈસાથી સુખના સાધનો મળે, સુખ નહિ. આ વાકયનો અનુભવ ગુજરાતીઓ કરી રહયા છે. ગુજરાતનો સમાવેશ સમૃધ્ધ રાજયમાં થાય છે. પરંતુ સમૃધ્ધિ ફફડાટ આપી રહી છે. ગુજરાતમાં ગુન્હાખોરી, ભ્રષ્ટાચારનો વ્યાપ અનહદ વધી રહયો છે. ગુજરાતમાં વિકાસકાર્યો ખુબ થયા, પણ શાંતિ અને સુખાકારી અલોપ થઇ ગયા છે.

રાજયમાં અતિ નબળી નેતાગીરીના કારણે દેશ-વિદેશના ગુન્હાખોરો હાવી થઇ રહયા છે. બાંગ્લાદેશી ઘુષણખોરો, પરપ્રાંતિય ગુન્હાખોરો અને રાજયભરમાં અચાનક ફેલાઇ ગયેલા શંકાસ્પદ વિધર્મીઓ ગુજરાત માટે અતિ જોખમી બની ગયા છે.

ભાજપને તેની સરકારને આ સ્થિતિ અંગે કોઇ ચિંતા હોય તેમ લાગતું નથી. રાજયના શહેરોની અવદશા થઇ છે. પણ કોઇ જ નક્કર રણનીતિ ગુજરાત સરકાર પાસે દેખાતી નથી.

અતિ ગંભીર સ્થિતિ છતાં કોઇ નિશ્ચિત આયોજનનો અભાવ છે. તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના ૧૯ શહેરો માટે વિકાસકાર્યોના નામે રૃા.૪ હજાર કરોડથી વધારે રકમ ફાળવવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રીએ ખૂબ પ્રસિધ્ધ મેળવી. મીડિયાએ પણ મનમૂકીને આ ન્યૂઝને ચગાવ્યા. વિકાસ થાય એ સારી બાબત જ છે. પરંતુ વિકાસકાર્યોની ગુણવતા ને ઠેકાણા નથી તેનું શું ? વિકાસકાર્યો જ શહેરની સમસ્યા બની જાય  છે. તેનું શું ? ટ્રાફિક સમસ્યા નીવારવા બ્રિજ બને છે. પરંતુ આ વિકાસકાર્ય બાદ  ટ્રાફિક સમસ્યા યથાવત રહે છે. અને બ્રિજ ટૂંકાગાળામાં જર્જરિત થઇ જાય છે. અતી નબળા રસ્તાઓ રોજીંદી ઘટના બની છે. નિવારણ કે નક્કર પગલાનો અભાવ જોવા મળે છે.

આ પ્રકારની સમસ્યા ગુજરાતભરના શહેરોમાં જોવા મળે છે. આડેધડ ચાલતા વિકાસકાર્યોને તત્કાળ બ્રેક લગાવેને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વ્યાપક ડિઝાઇન બનવી જોઇએ. આવું કંઇ કરવાને બદલે સરકાર લોલમલોલ ચલાવે છે અને વિકાસકાર્યો વિનાશક બનીને ફરી રહી છે. છતાં શાસકોને તો ઠીક, વિપક્ષને પણ કંઇ પડી નથી. ગુજરાતમાં વિકાસ થયો હશે. પણ લોકોની સુખાકારીનો ગ્રાફ ધડાધડ નીચે જઇ રહયો છે.

સુખના સાધન સાથે સુખાકારીમાં વધારો થાય તે શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગણાય.  ગુજરાતમાં નબળા નેતાઓના કારણ વિકાસ જ સમસ્યા બનીને ઉભર્યો છે. ગુજરાતીઓ નેતાઓ અને અધિકારીઓને સહન કરતા રહે છે તેથી સ્થિતિ બદલાતી નથી.

રાજયમાં આમુલ પરિવર્તનની જરૃર છે. માત્ર સમૃધ્ધિની નહી, સુખાકારીની પણ ગેરન્ટી આપી શકે તેવી નેતાગીરીની જરૃર છે. ગુજરાતના નેતાઓ દિલ્હીમાં મુજરા કરી લે છે. અધિકારીઓ સામે કથ્થક કરી લે છે. આ કારણે ગુન્હાખોર તત્વો તાંડવ કરતા રહે છે.  તેવું લોકમુખે ચર્ચાતું જોવા મળે છે.

(10:29 AM IST)