News of Friday, 8th August 2025
ટેરિફમાં મસાલેદાર દેશી રાજનીતિ
ટ્રમ્પના જોકરવેળાથી ભારતની રાજનીતિના ખેલઃ વિપક્ષ સરકારને ઝાટકે છે, મોદીજીએ ખેડૂતોને સાધવા પ્રયાસ કર્યોઃ કંપનીઓ નફા-નુકશાનના હીસાબમાં લાગીઃ દેશ માટે કોણે વિચાર્યું ?
અમેરિકી સરકસના શકિતશાળી જોકર ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા ગાંડી કરી છે. સામાન્ય જોકર ગામને ગાંડુ કરે, અમેરિકી જોકરે દુનિયાને નચવી છે. ભારત સામે ટેરિફ બમણો એટલે કે પ૦ ટકા કરી દીધો. આ પગલું દેશ માટે આર્થિક સંકટનો જ ગણાય, પણ મહાકાય દેશમાં નાના-મોટા સંકટો ચાલતા રહે. આ રાષ્ટ્રીય જીવનનો જ એક ભાગ છે. સંકટ આવે ત્યારે સંકટ સંબંધિત ક્ષેત્રોએ સક્રિયતા વધારવાની હોય છે. ભારત વિશિષ્ટ દેશ છે. સંકટ કોઇપણ ક્ષેત્રનું હોય, આખો દેશ ધંધે લાગી જાય છે. ટેરિફ બાબતે કંઇ ટપ્પા પડતા ન હોવા છતાં આખો દેશ અભિપ્રાયો આપવા મંડી પડયો છે.
રાજકારણીઓને તો મુદ્્ો જ જોઇતો હોય છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો મોદી સરકારને ઝાટકી રહ્યા છે. અખિલેશે તો નિવેદનમાં કહી દીધું કે, મોદીજીએ ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા જોઇએ. નાના-મોટા-લાંબા-ટૂંકા દરેક સાઇઝના રાજકારણીઓ ટેરિફ અંગે ખુદને કે પોતાના પક્ષને અનુકુળ નિવેદનો આપી રહ્યા છે.
ટેરિફ વિવાદ સર્જાયો એ સમગ્ર જવાબદારી મોદી સરકારની ગણાય. સરકારના જવાબદાર પ્રધાનો-અધિકારીઓ ગંભીરતાથી કામે લાગેલી જ છે, પણ ભાજપના પ્રવકતાઓથી માંડીને કાર્યકરો ટેરિફ અંગે સરકાર તરફી ધૂન આદરીને બેઠા છે. દમ વગરના તર્કથી સરકારની તરફેણ કરે છે.
તોતીંગ ટેરિફ આર્થિક સંકટ સર્જનારૂ ગણાય. મોદીજીએ પણ આ મામલે નિવેદન કરીને ભારતના વિરાટ ખેડૂત સમાજને સાધવા પ્રયાસ કર્યો છે. તેઓએ કહયું કે, મોટી કિંમત ચુકવીશ, પણ ખેડૂતોના હિત સાથે બાંધછોડ નહિ કરૂ.
રાજકારણીઓ પોતાનું સ્ટેન્ડ લઇ રહયા છે. અમેરિકાના તોતીંગ ટેરિફથી અમેરિકા નિકાસ સાથે સંકળાયેલા ઉદ્યોગો તથા વ્યવસાયીઓને સોૈથી મોટી અસર થવાની છે. આવી કંપનીઓ નફા-નુકસાનના હીસાબમાં પડી ગઇ છે. ટેરિફ અંગે મીડિયા ટીઆરપી ખેચવામાં વ્યસ્ત છે.
દરેક પોતાના ફાયદા સંકટમાં પણ શોધે છે. દેશ ધંધે લાગી ગયો છે. ટેરિફ અંગે દેશ માટે કોઇએ વિચાર્યુ ? બીજી ટર્મમાં ટ્રમ્પનું ભેજુ ચસ્કી ગયું છે. તેઓ સમગ્ર દુનિયાના જનરલ મેનેજર હોય તેમ વર્તન કરે છે. ભારતે કોની સાથે કેમ વ્યવસાય કરવો એ પણ ટ્રમ્પને નક્કી કરવું છે. ભારત માટે સ્વમાનનો સવાલ છે. આ સ્થિતિમાં ટ્રમ્પને હા-જી-હા ન કરાય. બીજી બાજુ ટ્રમ્પને અમેરિકાની ડેરી પ્રોડકટ્સ ધરાર ભારતમાં ઘુસાડવી છે. અમેરિકાએ દુધાળા પશુઓને માસાહારી બનાવી દીધા છે. ભારત કૃષિપ્રધાન દેશ છે. અહીં ડેરી ઉદ્યોગ પણ ફૂલ્યો-ફાલ્યો છે. આપણે અમેરિકી ડેરી પ્રોડકટ્સની જરૂર છે ? ના મોદીજીએ બેધડક ના પાડી તેથી ટ્રમ્પની ડગળી ચસ્કી ગઇ છે. સરકાર કામ કરે છે. દરેક ટેરિફ મુદ્ાને બદલે પોતાનું કામ કરવાનું છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
