<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ડરના જરૂરી હૈ,ભઇ..

પ્રધાનો, મુખ્‍યમંત્રી, વડાપ્રધાન જેલમાં જાય તો પદ પણ જાયઃ આ કાયદાનો વિરોધ શા માટે ?

  વિપક્ષનો વોટ ચોરીનો મુદ્‌ો ખૂબ ગાજયો. રાહુલને આ મુદ્‌ે અન્‍ય પક્ષોનો પણ ટેકો મળ્‍યો. રાહુલ ગાંધી એ એક સર્વે સંસ્‍થા સેન્‍ટર ફોર ધ સ્‍ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીએ રજૂ કરેલી આંકડાકીય માહિતીના જોરે મત ચોરી અભિયાન ચલાવ્‍યું છે. સર્વે સંસ્‍થાના સહ-નિર્દેશક સંજય કુમારે માફી માંગતા કહયું કે, મતદારોના ઘટાડા થયાના આંક અમે રજૂ કર્યા હતા. તેમાં ભૂલ હતી. આ આંક ખોટા છે.

સંજયના આધારે રાહુલ હતા, સંજયે હાથ ઊંચા કરી દેતા રાહુલનું અભિયાન હાસ્‍યાસ્‍પદ બની ગયું... વિપક્ષને અનુકુળ મુદાઓની અછત નથી. પણ વિપક્ષના નેતાઓમાં પાવરનો જ અભાવ છે. આ કારણે શાસકો ભાજપને મોજે દરિયા થઇ ગયા છે.

વિપક્ષ પાસે સ્‍પષ્‍ટ વિચાર કે રણનીતિ નથી. તાજેતરમાં કેન્‍દ્ર સરકાર એક ખરડો લાવી. કોઇ પદ પર નેતા હોય. આ નેતા જેલમાં જાય અને એક મહિનો જેલમાં રહે તો પદ પરથી રાજીનામુ આપવું પડે. આ કાયદાના દાયરા માં પ્રધાનો, મુખ્‍યમંત્રી, વડાપ્રધાન પણ આવી જાય છે. આ બિલનો વિપક્ષ તાકાતથી વિરોધ કરી રહયો છે.

કેજરીવાલ જેવા જેલમાં રહીને પણ સત્તા ચલાવવા તૈયાર હતા.નેતાઓ  માટે કડક કાયદા અને તેનો કડક અમલ હોવો જ જોઇએ. નેતાઓનો ડર દેશના કે રાજયના હિતમાં હોય છે. બેફામ બની જતી નેતાગીરીને અંકુશમાં રાખવી જરૂરી છે.

વિપક્ષ એવું માને છે કે, મોદી સરકાર આવા કાયદાનો ગેરઉપયોગ કરશે.  પ્રતિકુળ નેતાને યેનકેન પ્રકારે જેલમાં નાખીને તેની પાસેથી સત્તા લઇ લેશે. ભાજપ, દૂધે ધોયેલા પક્ષ નથી જ. તે કાયદાનો દુરૂપયોગ કે પોતાને અનુકુળ ઉપયોગ કરી શકે છે. વિપક્ષની આશંકા સાચી જ છે.

પણ મુખ્‍ય સવાલ એ છે કે, વિપક્ષે એવું માની લીધું કે હજુ લાંબો સમય ભાજપ કેન્‍દ્રમાં  સત્તામાં રહેશે ? આ કાયદો શાસકને બળવાન બનાવનારો છે. શાસક નબળો હોવો જ ન જોઇએ. કોંગ્રેસ કે અન્‍ય પક્ષો કેન્‍દ્રમાં પાવરમાં હોય તો તેને પણ આ પાવર પ્રાપ્‍ત થઇ જશે.

પાવરફૂલ શાસનનો વિરોધ કરતા વિપક્ષો ભલે દેકારા કરે, પણ મનથી પરાજિત હોય તેમ લાગે છે. શાસકને તાકાતવર બનાવતા કાયદા હોવા જ જોઇએ. નેતાઓને જેલમાં જતા ડર લાગવો જ જોઇએ. બેફામ બનેલાઓને અંકુશ જરૂરી જ છે. લોકોએ મત આપી દીધા બાદ પાંચ વર્ષ મનફાવે તેમ વર્તી જ ન શકાય. હજુ વધારે કડક કાયદા જરૂરી છે. નેતાઓ જે નિવેદનનો કરે છે. તેને તત્‍કાળ સાબિત  કરવાનો કાયદો પણ બનવો જોઇએ. આવું ન કરી શકનાર નેતા-નેતી જેલમાં જવા જોઇએ. રાજનીતિમાં આક્ષેપો અને નિરંતર બકવાસની પરંપરા બંધ થવી જરૂરી છે. (૩.૨)

(11:34 AM IST)