<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

મોદીજી, ભાજપને બાટલા ચઢાવો!

નેતાગીરીના લક્ષણો ગુમઃ વિચારધારા ગુમઃ પક્ષનું કોંગ્રેસીકરણઃ ગુજરાત બરબાદી તરફ

 કોઇપણ સરકાર પાંચ વર્ષ પૂરા કરવામાં હોય ત્‍યાં તેની સામે લોકઆક્રોશ જાગી ગયો હોય છે. મોદીજી અલગ પ્રકારના નેતા છે. ગુજરાતમાં લાંબાગાળાના અણનમ શાસન બાદ કેન્‍દ્રમાં પણ ત્રીજી ટર્મ ચાલી રહી છે. પણ વર્ષોના શાસન બાદ પણ મોદીજીના નામે ભાજપને મતો મળે છે. વડાપ્રધાન મોદીજી ગઇકાલે વતન ગુજરાતમાં આવ્‍યા તો સમગ્ર અમદાવાદ તેના સ્‍વાગત માટે રોડ પર આવી ગયું હતું. નેતાગીરી મામલે મોદીજીએ અલગ માપદંડો સ્‍થાપિત કરી દીધા છે. દેશ-વિદેશમાં વ્‍યકિતગત પ્રભાવ સ્‍થાપિત કરી દીધો છે.

આ નેતામાંથી અનેક વિરોધી તથા વિદેશી નેતાઓ પ્રેરણા લઇ રહયા છે. જો કે ભાજપના જ નેતાઓ મોદીજી માંથી કંઇ શીખતા નથી. ભાજપીઓ તો મોદીજીએ સ્‍થાપિત કરેલો માહોલ પણ જાળવી શકતા નથી. ગુજરાતમાં રમખાણ સંસ્‍કૃતિ બની ગઇ હતી. મોદીજી એ કડકાઇ દાખવીને ગુજરાતમાં શાંતિ સ્‍થાપિત કરી દેખાડી હતી.

ગુજરાતમાં મોદીજીના નામે અમથા મતો નથી મળતા, તેમણે ક્રાંતિ કરી દેખાડીને લોકોના દિલ જીત્‍યા હતા. મોદીજી કેન્‍દ્રમાં ગયા બાદ ગુજરાતના ભાજપીઓ મોદીજી અને હિન્‍દુત્‍વના નામે ચૂંટાઇ રહયા છે. પોતાની તાકાત પર જીતે તેવા માત્ર બે-ત્રણ નેતાઓ જ માંડ હશે. મોદીજી ના નામે હાલ ભાજપી નેતાઓ તરી રહયા છે. પોતાની શેરીમાં પણ કોઇ ભાવ ન પૂછે તેવા નેતાઓ મુખ્‍યમંત્રીથી માંડીને નિર્ણાયક મહત્‍વના પદો પર ગોઠવાઇ ગયા છે.

આ નેતાઓને સંઘર્ષ કર્યા વગર સત્તા મળી છે. લાયકાત વગર પદ મળી ગયા છે. આ કારણે જવાબદારીનું ભાન નથી. પડકારો સામે લડવાની ઇચ્‍છા શકિત કે ત્રેવડ પણ દેખાતી નથી. ઉપરથી સૂચના મળે એટલે તરત જ ગાદી છોડીને ઘરભેગા થઇ જાય. ત્‍યાગની મોટી-મોટી વાતો કરે, પણ કૃપાથી સત્તા મળી હોય તે ગુસ્‍સો આવે ત્‍યારે છોડવી જ પડે, સત્તા છોડવાની ના પાડીને પાર્ટી સામે બળવો કરે તો એ નેતા સાથે સમર્થનમાં કાળું કૂતરું પણ ન આવે આવા લોકપ્રિય નેતાઓ ગુજરાત પર ઠોકી બેસાડયા છે.

મોદીજી બાદ ગુજરાતમાં ત્રણ સરકારો આવી ગઇ.  હવે ફરીથી નેતાગીરી બદલવાની વાત ચાલે છે. નેતાઓ બદલ્‍યે રાખવાથી કંઇ વળવાનું નથી. ગુજરાતને સમર્થ યોગીજી જેવી નેતાગીરીની જરૂર છે.

ભાજપને પણ ભગવો ચઢાવવાની જરૂર છે પાકિસ્‍તાનને પાડી દેવાની વાતો કરનારા ગુજરાતના ભાજપીઓ સ્‍થાનિક ગુંડાતત્‍વો સામે મુજરા કરવા  લાગતા હોવાનું પ્રજા અનુભવી રહી  છે. આ કારણે ગુજરાતમાં ગુંડાતત્‍વોનું સામ્રાજય છવાઇ ગયું છે. ભાજપનો પરંપરાગત મતદાર વર્ગ ફફડી રહયો  હોય તેવું નથી લાગતું?

મોદીજીના નામે ગુજરાત મત આપે છે.  ત્‍યારે નેતાઓની પણ નૈતિક જવાબદારી બને છે કે ભાજપીઓને અને ગુજરાત સરકારને જવાબદારી- સમજદારીના બાટલા ચઢાવે. (૩.૨)

(11:33 AM IST)