<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

મોદી-જિનપિંગઃ જીન બાટલીમાં ! ભારત-ચીન જીગરી

બની જાય તો માત્ર ટ્રમ્‍પ જ નહિ, દુનિયા આખી ધ્રુજી જાય... પણ કટોકટી વિશ્વાસની

  ઉફાણે આવેલા ડોનાલ્‍ડ ટ્રમ્‍પ માટે ગઇકાલના દૃશ્‍યો જીવ બળી જાય તેવા હતા. ચીનમાં સી. જિનપિંગે નરેન્‍દ્રભાઇ મોદીનું સ્‍વાગત કર્યું અને બંને નેતાઓએ પંચાવન મિનિટ મંત્રણા કરી.

મનમાની કરીને ભારત-ચીનને પાડી દેવા મથતા ટ્રમ્‍પ માટે આ મંત્રણા અઘરી બની શકે છે. ભારત-ચીન એક થઇ જાય તો અમેરિકા જ નહિ, દુનિયાભારમાં હલચલ મચી જાય. મોદી-જિનપિંગ મંત્રણાથી અમેરિકી નિષ્‍ણાતો જ ટ્રમ્‍પ પર માછલા ધોવા લાગ્‍યા છે.

મગજ વગરના ટ્રમ્‍પના કારણે વૈશ્વિક સમીકરણો બદલવા લાગ્‍યા છે. રશિયા-ચીન ભારતની નવી ધરી રચવા લાગી છે. પશ્વિમી રાષ્‍ટ્રો-અમેરિકાની નીતિ એશિયાના દેશો અંદરો-અંદર ઝઘડતા રહે તેવી રહી છે. આ નીતિમાં અમેરિકા સફળ પણ રહયું છે.

મુખ્‍ય રાષ્‍ટ્રો ભારત-ચીન વચ્‍ચે સતત તનાવ રહયો છે. બંને મહાસત્તા છે. બંને પાસે વિરાટ માર્કેટ છે. આ બંને દેશો વચ્‍ચે તનાવના કારણે અમેરિકા જેવા દેશોને મોજે દરિયા હતા. જો કે ભારત-ચીન વચ્‍ચે દોસ્‍તી થાય તેવી કલ્‍પના ન હતી. ટ્રમ્‍પનો દાવ ઊંધો પડી રહયાનો અભિપ્રાય અમેરિકી નિષ્‍ણાતો આપી રહયા છે.

ભારત-ચીનના સંબંધો નરમ થઇ રહયા છે. આની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. ભારત-ચીન સાથે આવે તો દુનિયા પર સામ્રાજય જમાવી શકે છે. જો કે મુખ્‍ય મુદ્‌ો વિશ્વાસનો છે. ચીન પર વિશ્વાસ કરવો કઠીન છે. એ વિસ્‍તારવાસી અને ખંધો દેશ છે. ભુતકાળમાં અનેક વખત ભારત સાથે વિશ્વાસઘાત કરી ચુકયો છે. ᅠપાકિસ્‍તાનની આતંકી દુકાન પણ ચીન જેવાના સહયોગથી ચાલે છે. આ કારણોથી ચીન પર ભરોસો કરવો સરળ નથી.

વર્તમાન સમયમાં તો અમેરિકાની દાદાગીરીના કારણે ભારત-ચીન સાથે આવ્‍યા છે. સંબંધ કેટલો ટકશે તો અંગે આગાહી શકય નથી. બંને દેશો સાથે બેસતા પાકિસ્‍તાન પરેશાન થઇ ગયું છે. મોદીજીએ જિનપિંગ સાથેની બેઠકમાં આતંકવાદનો મુદ્‌ો ઉઠાવીને પાકિસ્‍તાનને ભીડવી દીધું છે.

દુનિયામાં તો ઠીક, ચીન-ભારત સાથે આવતા ભારતમાં પણ હલચલ મચી છે. અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓ મોદી સરકારને ભીડવી દીધું છે. રાજકીય હિત અને રાષ્‍ટ્રીય હિત વચ્‍ચે ભારતના વિપક્ષને ફરક દેખાતો નથી.

મોદીજી સરકારની વિદેશનીતિ અને વેૈશ્વિક સમીકરણની નીતિ નક્કર રહી છે. અમેરિકા સામે ઝૂકયા વગર બાથ ભીડવી સરળ નથી. પરંતુ મોદીનીતિના કારણે મહાસત્તાઓ ઘાંધે થઇ ગઇ છે.

અમેરિકા-ચીન વચ્‍ચે વિશ્વાસ સ્‍થાપિત થાય તેવી અપેક્ષા રાખીએ, પરંતુ છાસ પણ ફૂંકીને પીવા જેવી છે.  

(12:18 PM IST)