News of Monday, 15th September 2025
રાષ્ટ્રવાદઃ મહત્વનો મુદ્્ો વિપક્ષના હાથમાં
ભારત-પાક. ક્રિકેટ મેચમાં ભાજપની વૃત્તિ સામે સવાલઃ વિપક્ષ જોરમાં
હિન્દુવાદ અને રાષ્ટ્રવાદ આ બે મુદ્્ા એવા ભાજપ પાસે છે, જેની સામે ભલભલા વિરોધીઓની બોલતી બંધ થઇ જાય છે. જો કે સત્તાધીશ ભાજપની અમુક નીતિ ભાજપના સમર્થકો માટે અપચો કરનારી છે. ગઇકાલે ભારતભરમાં ભાજપના રાષ્ટ્રવાદના ધજાગરા ઉડી ગયા હતાં.
દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. આ મેચમાં હાર કે જીતનું મહત્વ નથી, પણ પાકિસ્તાન સાથે મેચ ભારત રમે તે ઘટનાને જ ભારતનો પરાજય માનનારો વર્ગ મોટો છે.
મેચ પૂર્વે ગઇકાલે સોશિયલ મીડિયા અને મીડિયામાં મેચના બહિષ્કારનો ટ્રેન્ડ ચાલ્યો હતો. વિપક્ષને પણ તક મળી ગઇ. આતંકવાદી દેશ પાકિસ્તાન સાથે મેચ યોજવા બદલ ભાજપના રાષ્ટ્રવાદ સામે ગંભીર સવાલો સર્જી દીધા હતાં.
કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના ઉધ્ધવ ઠાકરે ગ્રુપથી માંડીને ઓવૈસી સુધીનાઓએ ક્રિકેટ મેચનો વિરોધ કરીને ભાજપી રાષ્ટ્રવાદના ધજાગરા ઉડાવ્યા હતાં.
રાજનીતિને દૂર રાખો તો પણ વર્તમાન સમયમાં ભારત - પાકિસ્તાન સામે ક્રિકેટ ખેલે એ યોગ્ય નથી લાગતું રાક્ષસીવૃત્તિ ધરાવતા પાકિસ્તાન સાથે ભારતના તમામ સંબંધો સ્થગતિ છે. ઓપરેશન સિંદુર બાદ પણ ભારતમાં આંતકી પ્રવૃતિ ચાલું જ છે. નાલાયક પાકિસ્તાન ટ્રમ્પ સામે મુજરા કરીને ભારતને અણુ હુમલાની ધમકીઓ આપતું રહે છે. ભારત દ્વારા પાકિસ્તાનને અછૂત જાહેર કરવા વિશ્વભરમાં અભિયાન ચલાવે છે.
આ સમયે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો ઢઢ્ઢો વધારે પડતો ન ગણાય? પાકિસ્તાન સાથે તમામ રાજદ્વારી સંબંધો સ્થગિત છે. વ્યવસાયી-સાંસ્કૃતિક-સામાજિક સંબંધો પણ સ્થગિત છે. જો કે ક્રિકેટનો મુદ્ો આવે ત્યારે ભાજપ-લાચાર બની જાય છે. જુજ લોકોના સ્વાર્થ માટે દેશનું સ્વાભિમાન તડકે મુકીને પાકિસ્તાન સાથે મેદાનમાં મુજરા કરવા લાગે છે. આ કારણે વિશ્વમાં આપણે હાસ્યાસ્પદ બની જાય છે. આ દર્શાવે છે કે, ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ કન્ટ્રોલમાં નથી. દેશહિતને તડકે મૂકીને બોર્ડ ધંધાને મહત્વ આપે છે.
પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચથી ભારતની અને ભાજપની આભા બગડી છે. ભારતના વિપક્ષમાં પૂરતો દમ નથી, નહિ તો ભાજપના રાષ્ટ્રવાદના સ્ટ્રોંગ હથિયારથી ભાજપને જ ઘાયલ કરી શકાયો હોત. ભારતના અસંખ્ય લોકોની લાગણી ક્રિકેટ મેચના વિરોધમાં હતી, પણ વિપક્ષને તેનો લાભ લેતા ન આવડયું. માત્ર નિવેદનો કરીને વિરોધ કરતા રહ્યા, પણ ટોળું સર્જવા સમર્થ ન હતો.
મોદી સરકારે બગડતી આભા અંગે ગંભીર ચિંતન કરવું જરૂરી છે. રાષ્ટ્રવાદ નક્કર હોવો જરૂરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
