ગંધ કે સુગંધ ? હાઇડ્રોજન ધડાકો
ચૂંટણી પંચે સ્પષ્ટ બનવું જરૂરીઃ આ માત્ર આક્ષેપ જ નથી, પંચની આબરુ દાવ પર
એક વખત રાહુલ ગાંધીએ કહયું હતું કે ‘‘ મેં બોલુંગા તો ભૂચાલ આ જાએગા..'' એ બોલ્યા ત્યારે પાંદડું પણ હલ્યું ન હતું. છેલ્લા ઘણાં સમયથી હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટની ધમકી આપતા હતા. કાલે બોમ્બ ફોડયો. તેની અસર પર નજર રાખીએ.
ચૂંટણી પંચ સામે આક્ષેપો કરવામાં હાઇડ્રોજન બોમ્બ સાથે શું સંબંધ એ તો રાહુલ જાણે, પરંતુ વિનાશ પર નજર નાખીએ તો હાઇડ્રોજન નામના વાયુને કોઇ રંગ-ગંધ-સ્વાદ હોતો નથી તે અત્યંત જવલનશીલ વાયુ છે. હાઇડ્રોજન બોમ્બ સોૈથી શકિતશાળી અને વિનાશક હથિયાર છે.
રાહુલના આક્ષેપો શકિતશાળી લાગે છે. પરંતુ વિનાશક છે કે નહિતે ભવિષ્યમાં ખ્યાલ આવશે. હાલ તો હાઇડ્રોજનની ગંધ-સુગંધ મીડિયામાં છવાઇ ગઇ છે. ચૂંટણી પંચે તત્કાલ રદિયો આપી દીધો છે. જો કે પંચ માત્ર રદિયો આપી દે તે નહિ ચાલે આ આક્ષેપો પંચની આબરુ પર સવાલો સર્જે છે.
ચુંટણી પ્રક્રિયા લોકશાહીનો આધાર છે. આ પ્રક્રિયા જ શંકાના ઘેરામાં આવી જાય તે ખૂબ ઘાતક સ્થિતિ ગણાય. ચૂંટણી પંચ સંતોષકારક પગલાં ભરે ભૂલ હોય તો સ્વીકાર કરે અને આક્ષેપો ખોટા હોય તો રાહુલ સામે અતિ કડક પગલા ભરે.
લોકશાહી શંકાના ઘેરામાં રહે તો વિશ્વાસ તૂટશે. આજે રાહુલ સોૈરાષ્ટ્ર-જૂનાગઢ આવવાના છે. ગુજરાતમાં પણ વોટચોરીનો મુદ્ો તીવ્રતાથી ગાજે તેવી સંભાવના છે. ગુજરાતમાં ભાજપની સતત જીત બાબતે ઘણાને પડદા પાછળનો ખેલ લાગે છે.
જો કે ગુજરાતમાં કોંગ્રેસે જીતવા માટે હાઇડ્રોજન બોમ્બના ગતકડાંની જરૂર નથી. લોકો જ શાસકોથી ત્રાહીમામ બની ગયા છે. કોંગ્રેસે ગુજરાતમાં માત્ર લોક વિશ્વાસ જીતવાનું કામ કરે તો પણ મત મળે તેમ છે. લોકોનો વિશ્વાસ જીતવા માટે લોકપ્રશ્ને તાકાત દેખાડીને કોંગ્રેસે શાસકોને કામ કરવા મજબૂર કરવા પડે. કયારેય સત્તા ગિફટમાં મળવાની નથી. કોંગ્રેસે મરણિયા બનીને ગુજરાતમાં સંઘર્ષ કરતા શીખવું પડશે.
ગુજરાતમાં વિપક્ષ માટે હાલ શ્રેષ્ઠ માહોલ છે. નેતાગીરી ખૂબ નબળી છે. અધિકારીઓ મનમાની કરે છે. દિલ્હીમાં બેસેલા ઓવર કોન્ફીડન્સમાં લોકો ત્રાહીમામ બની ગયા છે. આ માહોલ વિપક્ષ માટે આશીર્વાદ રૂપ ગણાય.
ગુજરાતીઓ પાસે ભાજપનને મત ન આપવાના કારણો ઘણાં છે. પરંતુ કોંગ્રેસને મત આપવાના કારણો નથી મળતા. કોંગ્રેસને મત શા માટે આપવો ? આ કારણો ગુજરાત કોંગ્રેસે આપવા પડશે. પક્ષ ખુદનું મેનેજમેન્ટ કરવા સક્ષમ નથી. તે ગુજરાતને કેમ સંભાળી શકે?
ચોકીદાર ચોર હેૈ... થી માંડીને અનેકવિધ ગતકડાં રાહુલ કરી ચુકયા છે. હાલ વોટચોરીના નામે હાઇડ્રોજન બોમ્બનું વિચિત્ર ગતકડું ચાલે છે. આવા કોઇ જ ગતકડાં વગર કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકે છે. કોંગ્રેસે શુધ્ધવૃતિ અને ભરપૂર તાકાત સાથે કામ કરવુંપડશે. ગુજરાતમાં ગામે-ગામ દારુના અડ્ડા પર દરોડા પાડે તો પણ લોકવિશ્વાસ જીતી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
