<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

રાવણનું અટ્ટહાસ્‍યઃ લદાખ તણખો

Gen-Z ના નામે અરાજકતાનો પ્રયાસઃ ચેતજો.. તણખાને ભડકો બનતા વાર નહિ લાગે

                || ૐ દેવી સ્‍કંદમાતાયૈ નમઃ ||

આજે  નવરાત્રીનું પાંચમું નોરતું છે. નવદુર્ગાનું પાંચમું સ્‍વરૂપ સ્‍કંદમાતાનું છે. સ્‍કંદમાતા બાળકોના પાલન-પોષણ અને સુખાકારીની દેવી ગણાય છે. અધ્‍યાત્‍મમાં બાળકોની વ્‍યાખ્‍યામાં ઉંમર મહત્‍વની નથી. આ ક્ષેત્રમાં મહાશકિતના બાળકો એટલે આપણે બધાં.. ભારત દેશની કલ્‍પના માતા સ્‍વરૂપે છે. આપણે બધા ભારતમાતાના બાળકો છીએ. આ કલ્‍પના સ્‍કંદમાતા સ્‍વરૂપની સમકક્ષ છે. મહાશકિતની દયા-લાગણીનો દરિયો છે. પરંતુ તેની લાક્ષણિકતા એ છે કે, લાગણીવેળાથી દુર છે. બાળકો આડા પાટે ચાલે તો તેનો વધ કરતા પણ મહાશકિત અચકાતી નથી.

ભારત મહાશકિતની ભૂમિ છે. પણ આ ભૂમિ લાગણીવેળા અને ભયની લાગણીથી પીડિત છે. અનેક ઢગા જેવા બાળકો દેશઅહિતની પ્રવૃતિ ખુલ્લેઆમ કરે છે. છતા તેના વિચાર-વૃત્તિનો વધ કરાતો નથી.

તાજેતરમાં એશિયાના ઘણા દેશોમાં લોકો માર્ગો પર આવી ગયા અને પોતાના દેશોની સરકારો ઉથલાવવા પ્રયાસો કર્યા. આ પ્રવાહ નેપાળથી શરૂ થયો હતો. Gen-Z ક્રાંતિના નામે સરકાર ઉથલાવીને દેશભરમાં વિકૃતિનું તાંડવ કર્યું હતું. આ પ્રવાહ અન્‍ય દેશોમાં પણ ફેલાયેલો છે. ભારતમાં આ મુદે શાંતિ હતી. રાજનીતીમાં દોઢ દાયકાથી કંઇ ઉકાળી ન શકનાર રાહુલ ગાંધીએ ભારતના Gen-Z જૂથ ને સરકાર સામે ઉશ્‍કેરવા પ્રયાસ કર્યો હતો. દેશમાં અરાજકતા ફેલાવી દેવાનો જ ઉદેશ હોય છે.

બે દિવસથી જમ્‍મુ-કાશ્‍મીર પાસે લદાખમાં જોખમી હલચલ જોવા મળે છે.Gen-Z ના   નામે સરકાર વિરોધી બવંડર સર્જવા આ પ્રયાસ છે. દશેરા પૂર્વે જ રાવણવૃતિનું આ અટ્ટહાસ્‍ય ગણાય. સમગ્ર વિશ્વમાં Gen-Zનો સોૈથી મોટો સમુદાય  ભારતમાં છે. લદાખમાં થયેલા તણખાને અતિ ગંભીરતાથી લેવાની જરૂર છે. તણખાનો ભડકો થતા વાર લાગે તેમ નથી. ટોળા પાસે બુધ્‍ધિ હોતી નથી. અને ટોળાશાહી ચેપી રોગ છે. દેશ સામે બળજબરી કરનારાની માગણી સાચી હોય તો પણ તેને દાબી દેવી પડે. ભારતમાં રાજકીય નુકસાનની બીક સોૈથી મોટી છે. ગુજરાતમાં હાર્દિકના ૫૦૦ લોકોના ટોળાએ અરાજકતા સર્જી હતી. વિશ્વનો સોૈથી મોટો પક્ષ હોવાનો દાવો કરનાર ભાજપ જ્ઞાતિવાદથી ડરી ગયો અને હાર્દિક સાથે સેટિંગ કરી લીધુ! આ સેટિંગના માઠાફળ ગુજરાત હજુ ભોગવે છે.

જમ્‍મુ- કાશ્‍મીરમાં આતંકીઓના હદય પરિવર્તનના પ્રયાસો ૭૦ વર્ષ ચાલ્‍યા વોટબેંકનો જ ડર હતો. ભારતમાતા પણ મહાશકિતનું જ સ્‍વરૂપ છે. દરેકનું પાલન પોષણ કરે જ છે. પણ એ નિર્ભય તથા લાગણીવેળાથી દુર હોવાનું સાબિત કરવું પડશે. મોદી સરકાર આ માટે સક્ષમ લાગે છે. પ્રાંત-ધર્મ કોૈમના નામે હાલી નીકળેલા ટોળાને નિર્ભય બનીને તાકાતનો પરચો દેખાડવો પડશે. આ કાર્ય સમયસર કરવામાં નહિ આવે તો દેશ ભયાવહ અરાજકતાના ભરડામાં આવી જશે. મહાશકિત તો જ સાબિત થાય, જો પરચો દેખાડે...

(4:20 PM IST)