News of Saturday, 11th October 2025
આપણે દિવાળી, બાજુમાં તડાફડી
પડોશી મુદે સ્માર્ટવર્કઃ અફઘાન-પાક. સામસામે સાવધાની જરૂરી
સ્માર્ટવર્કની તાકાત એવી હોય છે. જેનાથી મોટી ઘાત ને આશીર્વાદમાં પલટાવી શકાય છે. ભારતમાં દિપાવલીની ઉજવણી તડામાર ચાલી રહી છે. પરંતુ તડાફડી પડોશી દેશોમાં થઇ રહી છે. આ બાબત સામાન્ય નથી.
થોડો ભુતકાળ જુઓ તાલીબાની આતંક ભારતમાં કાળોકેર મચાવતો હતો. લોહિયાળ આતંકી હુમલા થતા હતા. આ રાક્ષસોને પાકિસ્તાન હવા ભરતુ હતું અને બંનેએ સાથે મળીને ભારતમાં દાયકાઓ સુધી લોહિયાળ ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ સામે લડવા તત્કાલીન સરકારો ઢીલી પડતી હતી.
મોદી સરકાર બનતા પાકિસ્તાન સામે ભારતે આક્રમક રણનીતિ અપનાવી અને આતંકી હુમલાના જડબાતોડ જવાબ આપ્યા. કાયમી યુધ્ધ-તનાવનો માહોલ દેશ માટે નુકસાનકારક ગણાય.
સ્માર્ટ રણનીતિ અંતર્ગત અકલ્પનીય ઘટના બની. તાલીબાન એટલે કે અફઘાનિસ્તાન સાથે ભારતે સંબંધો સુધાર્યા. રાજકીય વ્યવસાયિક પ્રવૃતિ પણ શરૂ થઇ સંબંધો ગાઢ બન્યા. કાબૂલમાં ભારતનું દૂતાવાસ પણ ધમધમતુ થયું.
હાલ સ્થિતિ કેવી બની છે? અફઘાન-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઇ ગઇ છે. તાલીબાની આતંકવાદીઓ પાકિસ્તાનમાં ભયાવહ વિસ્ફોટો કરે છે. પાકિસ્તાની સૈન્ય અફઘાનમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવા પ્રયોગો કરે છે.
તારણ એ છે કે, ભારતમાં લોહીયાળ બોમ્બ ધડાકા કરનારા બંને સાથીઓ એક બીજાના લોહી વહાવે છે. દિવાળીની ઉજવણીની તૈયારી ભારતમાં ચાલે છે અને તડાફડી બાજુમાં થાય છે. આ કેવું સ્માર્ટવર્ક ગણાય.
ટ્રમ્પે ભારતને દબાવવા પાકિસ્તાનને ખોળે લીધુ ભારતે ટ્રમ્પ સામે આજીજી કરવાને બદલે અફઘાન રણનીતિ આદરી પાકિસ્તાનના અસ્તિત્વ સામે જ સવાલ ઉભો કરી દીધો.
અફઘાનિસ્તાનના પ્રધાન તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે પણ પાકિસ્તાનનો જીવ બળી ગયો હતો. ભારતે અફઘાન પ્રધાનને ખૂબ માન-પાન આપ્યા હતા. મહત્વની બાબત એ પણ છે કે, પાકિસ્તાનમાં ગૃહયુધ્ધની સ્થિતિ પણ બની છે.
બલુચીસ્તાન અલગ થવા જંગે ચઢ્યુ છે. બીજી બાજુ પીઓકેના લોકોને પણ પાકિસ્તાનથી અલગ પડવું છે. આ જંગ પણ નિર્ણાયક સ્થિતિએ પહોંચે તેવી સંભાવના છે. ભારતને ખતમ કરવા સાત દાયકાથી રાક્ષસી આતંકનો હાહાકાર મચાવનાર પાકિસ્તાન હવે ખુદ ખતમ થવાના આરે છે. આક્રમક અને સ્માર્ટ રણનીતિનું આ પરિણામ છે.
રાજકીય ગમા-અણગમા પડતા મૂકીને સરકારે કરેલા શ્રેષ્ઠ કાર્યોને સરાહવા જ જોઇએ. દિવાળીએ પડોશમાં હોળી સામાન્ય નથી. (૩.૨)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
