News of Friday, 17th October 2025
સરકાર સાથે સ્થિતિ બદલવી જરૂરી
સરકાર- સંગઠનમાં ભાજપ પોતાને અનુકુળ પરિવર્તન કરે છે : ગુજરાતની સ્થિતિ બદલવી અનિવાર્ય
ગુજરાત આજે દેશભરમાં મીડિયામાં છવાયેલું રહેશે. રાજયમાં દશેક વર્ષથી સાવ લોલમલોલ જેવો માહોલ હતો. રાજકીય દૃષ્ટિએ વીપરીત સ્થિતિ બનતા મોદીજી-શાહ ગુજરાતની ગાડીમાં ગેર બદલી રહયા છે. આજે ગુજરાત સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ થઇ ગયું છે. સરકારમાં બદલાવ બાદ સંગઠનમાં પણ મોટી ઉથલ-પાથલ થવાની તૈયારી ચાલી રહી છે.
સરકાર- સંગઠનમાં બદલાવ દરેક પક્ષો કરતા જ હોય છે. ગુજરાતમાં શાસક પક્ષમાં અને સરકારમાં થતા પરિવર્તન મોટાભાગે જ્ઞાતિના સમીકરણોનું નવેસરથી સેટિંગ હોવાનું સમીક્ષકો માને છે. આ ઉપરાંત તમામ પરિવર્તનો ભાજપ પોતાને અનુકુળ કરી રહયો છે. મોટાભાગના પક્ષો આ દૃષ્ટિકોણથી જ ફેરફારો કરતા હોય છે.
ગુજરાતમાં સ્થિતિ થોડી અલગ છે. દશેક વર્ષના લોલમલોલ શાસનના કારણે સ્થિતિ ખાડે ગઇ છે. કાયદો-વ્યવસ્થાનો માહોલ તો અતિ ચિંતાજનક બન્યો છે. આ કારણે શાસન પ્રત્યે નરાજગી વ્યાપક બની છે. ભાજપે પ્રદેશની તમામ તાકાત લગાવી દીધી હતી છતાં વિસાવદરમાં મોટો પરાજય એ નારાજગીની તીવ્રતાની સાબિતી છે.
સરકાર- સંગઠનમાં અનુકુળ બદલાવ કરી રહેલા ભાજપ મોવડી સામે મોટો પડકાર ગુજરાતમાં નારાજગી દુર કરવાનો છે. આ કાર્ય માત્ર જ્ઞાતિવાદી સમીકરણના સેટિંગથી પૂર્ણ થાય તેમ નથી. લોકોને ઝડપી અને નક્કર કાર્ય કરી દેખાડીને ફરીથી વિશ્વાસ સ્થાપિત કરી શકાય. આ મુખ્ય ટ્રેક અને ધ્યેય મોવડીનો હોવો જોઇએ.
હા- જી- હા કરતા નેતાઓ, રાજાશાહી ભોગવતા અધિકારીઓ ગુજરાતમાં સ્થિતિ બદલાવી ન શકે. સરકાર કે સંગઠનના મોટાભાગના ચાવીરૂપ પદો પર રબ્બર સ્ટેમ્પ જેવી ગોઠવણ દસ-બાર વર્ષથી ચાલી રહી છે. અધિકારીઓ પણ લોકોને બદલે પોતાને અનુકુળ હોય તેમ ગોઠવાઇ રહયા છે. સરકાર- સંગઠનમાં બદલાવ સાથે આવી સમસ્ત સિસ્ટમ્સમાં નિર્ણાયક પરિવર્તન જરૂરી છે.
આ પરિવર્તનનો લોકહિત અને ગુજરાતહિતના દૃષ્ટિકોણથી થવા જોઇએ. લોકોએ ભાજપને મજબૂતી આપી છે. તેનું ઋણ ચુકવવા ગુજરાતને યુપી જેવી તેજોતર્રાર સરકાર અને સિસ્ટમ્સ મળવી જોઇએ.
આજે ગુજરાત સરકારમાં પ્રધાન તરીકે શપથ લેનારા નેતાઓને એડવાન્સમાં અભિનંદન. ‘‘ઉપરવાળા'' કામ કરવાનો પાવર આપે તેવી અને કામ કરી દેખાડો તેવી શુભેચ્છા ! શોભાના ગાંઠિયા ખાઇને ગુજરાત કંટાળી ગયું છે. (૩.૨)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
