News of Monday, 20th October 2025
શબ્દમાં ઉર્જા ભળે તો શબ્દબ્રહ્મ
દિપાવલી-નવા વર્ષની કરોડો શુભેચ્છાઓની આપ-લે થશે, પણ ફળે છે કેટલી? : તાકાત વગરના શબ્દો ફાલતુ નેતા જેવા ગણાય...
‘‘ દિપાવલીની હાર્દિક શુભેચ્છા, લક્ષ્મીજીની ખૂબ કૃપા રહે... નૂતન વર્ષના અભિનંદન... ભરપુર સફળતા મળે...'' પાંચ-સાત દિવસ આવા કરોડો સંદેશાઓ વહેશે. સોશિયલ મીડિયામાં તો શુભેચ્છા સંદેશાના રીતસર ઘોડાપૂર ઘૂઘવશે. દિપાવલી સનાતનનું મહાપર્વ છે. લક્ષ્મીજીની પ્રસન્નતાનો દિન છે. નૂતન વર્ષનું પણ અપાર મહત્વ છે. આ દિને આશિર્વાદ- અભિનંદન -શુભકામના આપવા- લેવાની શ્રેષ્ઠતમ પરંપરા છે.
સવાલ એ છે કે, આપણે આપેલી કે લીધેલી શુભેચ્છાઓ ફળે છે કેટલી? આ પ્રશ્નનો જવાબ શોધવાની જરૂર નથી. સાચો જવાબ આપણને અનુભવરૂપે મળી જ ગયો છે.
સનાતન પરંપરામાં શબ્દને બ્રહ્મ-માનવામાં આવ્યો છે. શબ્દબ્રહ્મ હોય તો આપણે આપેલી કે લીધેલી શુભેચ્છાઓ ફળતી કેમ નથી ? આનો જવાબ છે શબ્દબ્રહ્મ છે તેમ શબ્દભ્રમ પણ છે. શબ્દો ઉર્જા વીહિન હોય તો શબ્દભ્રમ છે. ઉર્જાહીન શબ્દો ફાલતુ એટલે કે પાવર-ક્ષમતા વગરના નેતાઓ જેવા હોય છે. જે ગમે તેટલા ઊંચા પદ પર હોય, પણ ફળતા નથી. મોટાભાગે શુભેચ્છા સંદેશાઓમાં આવા શબ્દોના પ્રયોગ થાય છે. શબ્દોમાં ઉર્જા-પ્રાણ-તાકાતનું સ્થાપન થાય તો શબ્દબ્રહ્મ બની જાય અને આ શબ્દો જેના પર વહે તેનું કલ્યાણ થઇ જાય.
સાધુ-મહાત્માઓ સતત આશીર્વાદ વહાવતા રહે છે. પણ મોટાભાગે શબ્દભ્રમ વહેતા હોય છે. અમુક દિવ્યાત્માઓ આવા હોય છે કે, જેના શબ્દથી જીવનમાં સકારાત્મક પરિવર્તન શકય બને છે. જે ઊર્જાની તાકાત છે. ઊર્જાકાર્ય કરે છે.
શુભેચ્છા સંદેશાઓની આપ-લેમાં મોટાભાગે ઓૈપચારિકતા અને સંબંધો જાળવવાનો દૃષ્ટિકોણ હોય છે. ઘણાં વેવલા તો એવા હોય છે કે, દિપાવલી શુભેચ્છા આપવાની ભૂલાઇ જાય તો રીસાઇ જાય છે અને આખું વર્ષ થોબડું ચઢાવેલું રાખે છે. ઓૈપચારિકતાનો ઢઢ્ઢો પણ ઓછો નથી હોતો. વાસ્તવમાં ઓૈપચારિકતાની કોઇ વિશેષ વેલ્યુ હોતી નથી.
માત્ર દિવ્યાત્મા જ શબ્દબ્રહ્મની તાકાત નથી ધરાવતા. સામાન્ય માણસ પણ દિવ્યતાથી ભરપૂર- શકિતશાળી ઉર્જારૂપ શબ્દોથી શુભેચ્છા આપી શકે છે. આ માટે ઓૈપચારિકતા, સ્વાર્થીપણુ તથા નાનપનો કાટ લાગ્યા છે તે દુર કરવો પડે આ કાટ દુર થાય તો કોઇપણ વ્યકિતની અસામાન્યતા પ્રગટ થતી હોય છે. આ સ્થિતિમાંથી વહેલા શબ્દો ઊર્જાવાન બની જાય છે. સમજદારીનું સ્તર ખીલતું જાય તેમ ઉર્જાપ્રવાહ તેજ બનતો જાય છે.
દિપાવલી-નૂતન વર્ષ પ્રસંગે આપણને બધાને શબ્દબ્રહ્મ યુકત શુભેચ્છા પ્રાપ્ત થાય અને આવી તાકાતવર શુભેચ્છા આપવા આપણે શક્ષમ બનીએ તેવી પરમશકિતને પ્રાર્થના છે. (૩.૨)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
