<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ભૂલ ગયા સબ કૂછ...

ભૂલી જવાનું લક્ષણ ભારતીયો માટે સોૈથી વધારે ઘાતક : ગુજરાતીઓ પણ ભૂલી જઇને ઘાત ને આમંત્રણ આપે છે

 ‘‘ ભૂલ ગયા સબ કુછ, યાદ નહિ અબ કૂછ...'' જુલી ફિલ્‍મનું આ ગીત ભારતીયોના સામુહિક લક્ષણને ઉજાગર કરે છે. ભારતના લોકો ભૂલી જાય છે તેથી કમોતે મરે છે. ભારતમાં ગુજરાતીઓ સમૃધ્‍ધ, જાગૃત અને આગળ પડતા ગણાય છે. પણ ભૂલી જવામાં સરેરાશ ભારતીયો કરતા પણ આગળ લાગે છે. માનવ સર્જિત ભયાવહ, ઐતિહાસિક મોતના તાંડવો ને પણ ગુજરાતીઓ ભૂલી  જાય છે. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાને ગઇ કાલે ત્રણ વર્ષ પૂરા થયા.

માનવીય બેદરકારીના કારણે ૧૩૫ જેટલા લોકો ડૂબી મર્યા હતા. આ સમયે દેશભરમાં હાહાકાર મચ્‍યો હતો. ગુજરાત સ્‍તબ્‍ધ બન્‍યું હતુંઉ મૃતકોના સ્‍વજનોના રૂદનથી ગુજરાત કરુણ બની ગયું હતું. નિર્દોષોના મોત બાદ પ્રચંડ લોકઆક્રોશ ફાટી નીકળ્‍યો હતો. આ સમયે સરકારમાં ગોઠવાઇ ગયેલા એ મોટી-મોટી ઘોષણા કરી હતી. આ સમયે લાગતું હતું કે, પડદાની આગળ, પાછળ રહેલા મોટા માથા નંદવાઇ જશે.

ત્રણ વર્ષ બાદ શું થયું? લોકો ભૂલી ગયા. કેસમાંથી મોટા માથા હળવે- હળવે છટકવા લાગ્‍યા. મૃતકો સ્‍વજનો રીબાઇ રહયા છે. પરંતુ તેમની સાથે ગુજરાતના લોકો નથી, લોકો ભૂલી ગયા એટલે રાજકારણીઓને મોજ થઇ ગઇ. ફિંડલું વળવા તરફ પ્રયાણ થવા લાગ્‍યું...

માત્ર આ કેસમાં જ નહિ, રાજકોટના અગ્નિકાંડ ને બે વર્ષ થયા આ કાંડ યાદ કરો. સેટિંગબાજ અધિકારીઓ- નેતા ઓના કારણે ગેરકાયદે ગેમઝોન બિન્‍દાસ ચાલતું હતું. અગ્નિકાંડમાં નિર્દોષ બાળકો-વડીલો સ્‍વાહા થઇ ગયા હતા. આ ઘટનાથી પ્રચંડ આક્રોશ ફાટ્‍યો હતો. વડાપ્રધાન સુધીના નેતોઓએ કાંડની જાહેરમાં નોંધ લેવી પડી હતી. આ સમયે પણ લાગતું હતું કે, સેટિંગબાજ મોટા માથા નંદવાઇ જશે. મોટામાથા ઝડપાયા જ નહિ , નાના-નાના છીંડે ચઢ્‍યા એ પણ છટકવા લાગ્‍યા છે.

સવાલ એ થાય છે કે, આક્રોશ કયાં અલોપ થઇ ગયો?  લોકો ભૂલી ગયા. જેના સ્‍વજનો સ્‍વાહા થયા છે, તેની ઊંઘ હરામ છે. જવાબદાર નેતા-નેતી-અધિકારીઓ બિન્‍દાસ બનીને મોજ કરી રહયા છે. ભૂલી જવાની આપણી વૃતિ આપણને જ ભારે પડી રહી છે. માનવ સર્જિતકાંડમાં લોકો મરે છે. પણ તેને પૂરતો ન્‍યાય મળતો નથી.

આ પ્રકારની ઘટનાઓ બેજવાબદાર નેતાઓને ઉથલાવી નાખવા  સક્ષમ છે. પણ લોકોની જાગૃતિના અભાવે નેતાઓ લોકોને ઉથલાવી નાખે છે. ગુજરાતીઓ કમોતે મરવાના શોખીન બની ગયાનું તારણ પણ નીકળી શકે છે. બેભાનીમાંથી  બહાર આવીને શાસકોને જવાબદારીનું ભાન કરાવો. (૩.૨) 

 

(11:38 AM IST)