<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

કયા ગુંડાની દાદાગીરી ફાવશે?

બિહારની ચૂંટણીમાં ઉમેદવારોમાં ગુંડા પરિવારોની બોલબાલાઃ ચૂંટણી પ્રક્રિયા શુધ્‍ધિકરણ જરૂરી

ગુજરાતમાં વિચિત્ર સ્‍થિતિ સામે આવી છે. ગૃહપ્રધાન કહે છે કે, આખીરાત્રી વ્‍યવસાય કરો, ગુજરાતમાં કંઇ વાંધો નથી. બીજીબાજુ રાજકોટ પોલીસ રાત્રે ૧૧ વાગ્‍યે નીકળી પડે છે અને દુકાનો બંધ કરાવે છે... વિચિત્રતા એ છે કે, રાત્રે ચા પીવા એકઠા થતા સામાન્‍ય લોકોને પોલીસ ભગાડી દે છે. લુખ્‍ખાઓની લુખ્‍ખાગીરી ઓછી થઇ નથી. જયાં બહાદુરી દેખાડવાની છે ત્‍યાં રાજકોટની પોલીસ જતી નથી અને સામાન્‍ય લોકો પર રોફ જમાવે છે. ગુજરાતના ગૃહ પ્રધાનને કોક યાદ કરાવો કે રાજકોટ- સોૈરાષ્‍ટ્રનો પણ સમાવેશ ગુજરાતમાં થાય છે પણ ધ્‍યાન આપો.

ગુંડાઓ માટે અનુકુળ માહોલ બનતો જાય છે. એક સમયે ગુંડા અને નેતા વચ્‍ચે પડદા પાછળ ઇલુ-ઇલુ હતું. હવે તો ગુંડાઓ જ નેતા બનવા લાગ્‍યા છે. ચૂંટણી પંચની અસીમ કૃપાથી ગંભીર ગુન્‍હાખોરીનો ઇતિહાસ ધરાવતા ખુંખાર તત્‍વો જ ચૂંટણીમાં ઉમેદવાર બની જાય છે. રાજકીય પક્ષો એક-બીજા પર ગુંડાગીરીને પ્રોત્‍સાહન આપવાના આક્ષેપો કરે છે. પણ સાચી વાત  એ છે કે, દરેક પક્ષો ગુંડાઓને મનમૂકીને ટિકિટ આપે છે. પોતે સંસ્‍કારી હોવાના ઢોલકા વગાડનાર કેજરીવાલનો પક્ષ પણ બાદ નથી.

બિહારમાં ચૂંટણી ચાલી રહી છે. તેના ઉમેદવારોના લીસ્‍ટમાં ગુંડાઓ અને તેના સગા-સંબંધીઓનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષો લોકોને વિકલ્‍પ આપે છે કે, તમને કયા ગુંડાની દાદાગીરી ફાવશે?

હાલ દેશમાં મતદારયાદીના શુધ્‍ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે ઉમેદવારોના શુધ્‍ધિકરણની પ્રક્રિયા પણ થવી જોઇએ. ચૂંટણીમાં ઘાલમેલ, કાવાદાવા, બોગસ મતદાન, ધાક-ધમકી અને મતની ખરીદી આ બધી સમસ્‍યાઓ ગુંડાઓની કૃપાથી ધમધમે છે.

ᅠહવે તો એટલી હદે સમસ્‍યા વકરી ગઇ છે કે, ગુંડાતત્‍વોને ટિકિટ આપવામાં પણ રાજકીય પક્ષોને શરમ આવતી નથી. ગુજરાત જેવા રાજયોમાં ભાજપ અતિ મજબૂત છે. પરંતુ તે પણ ગુંડાઓના શરણથી મુકત નથી.

અપરાધીઓને ચૂંટણીથી દુર રાખવાના કાયદા બન્‍યા છે. પણ કાયદો અસરકારક દેખાતો નથી. લોક જાગૃતિના અભાવે અસામજિકો- ગુંડાઓના તાંડવ રાજનીતિથી માંડીને દરેક ક્ષેત્રે ચાલી રહયા છે. લોકો રાજકીય પક્ષોના સમર્થક કે વિરોધી બની જવાને બદલે પ્રતિકૂળ સ્‍થિતિના વિરોધી બને તો જ રાજકીય પક્ષોને પાણી આવે. લોકોએ નેતા કે પક્ષના હિતમાં નહિ, પોતાના હિતમાં મતદાન કરવાની જરૂર છે. નહિ તો ગુંડાઓનો જ વિકલ્‍પ મળશે.

(11:02 AM IST)