<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

એક માત્ર ઇલાજ મહાઓપરેશન

કાશ્‍મીરમાં આતંકી ખાત્‍મા માટે નિર્ણાયક કાર્યવાહીઃ નેટવર્ક અન્‍યત્ર પ્રસરવા લાગ્‍યું તેનું શું ?

   ભારતના મિસાઇલ મારામાં આતંકી અડ્ડાના ખાત્‍મા થયા બાદ પણ પાકિસ્‍તાન સુધર્યું નથી. આતંકી રાક્ષસો મહિલાઓના બ્રેઇનવોશ કરીને આતંકી રાક્ષસી બનાવી રહયાના સમાચાર છે. જમ્‍મુ- કાશ્‍મીરમાં પણ આતંકી હલચલ જોવા મળતા કેન્‍દ્ર સરકાર ચોંકી ગઇ અને નેટવર્કના સંપૂર્ણ ખાત્‍મા  માટે મહા ઓપરેશન આદરીને ૧૦૦ શંકાસ્‍પદોને ઝડપી લીધા છે. જમ્‍મુ - કાશ્‍મીરમાં સરકારની નીતિ નિર્ણાયક રહી છે. આતંકી હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

જો કે ત્રાસવાદ કેન્‍સર કરતા પણ ઝેરીલી સમસ્‍યા છે. તેના સંપૂર્ણ ખાત્‍મા માટે એકાદ પ્રાંતમાં કાર્યવાહીથી કામ બને તેમ નથી. કોઇની શેહ- શરમ વગર અને તમામ સેટિંગ તોડી- ફોડીને સમગ્ર દેશમાં પૂરી તાકાતથી નિર્ણાયક ઓપરેશન જરૂરી છે.

જમ્‍મુ - કાશ્‍મીર ઉતરપ્રદેશ વગેરે જેવા રાજયોમાં આક્રમક નીતિના કારણે આતંકી રાક્ષસો અન્‍ય નબળા પ્રાંતમાં સક્રિય થઇ ગયા છે. કાશ્‍મીર-  યુપી શાંત થઇ જાય, પણ અન્‍ય રાજયો અશાંત બની જશે. આતંકીઓ ખાસ કરીને પાકિસ્‍તાની સમર્થકો મોદી - યોગી શાસન સામે આક્રમક છે. જો કે આ બંને નેતાઓ આતંકના માથા ફોડે તેવા છે.

મોદીજીને બતાવી દેવા આતંકી રાક્ષસો ગુજરાત જેવા રાજયને પણ ફોકસ કરી શકે છે. ગુજરાતમાં છેલ્લા સવા દાયકાથી અતિ નબળા શાસકો છે. રાજયમાં ખૂણે-ખૂણે શંકાસ્‍પદ હલચલો જોવા મળે છે. તપાસ અને ઊંડાણથી સંશોધન થાય તો તારણ નીકળી શકે કે, છેલ્લા દાયકામાં ગુજરાતમાં પરપ્રાંતીઓ અને વિધર્મી અસામાજિકોના ગુન્‍હામાં પ્રચંડ ઉછાળો આવ્‍યો છે.

જો કે આ અંગે ગુજરાત જરાપણ એલર્ટ- સજાગ બન્‍યું હોય તેમ લાગતું નથી. તાજેતરમાં ગુજરાતમાંથી ભયાવહ ઇરાદા ધરાવતા આતંકવાદીઓ પણ ઝડપાયા છે. રાજય માટે આ સારા સંકેત નથી. તપાસમાં આંતકીઓની સનસનીખેજ વિગતો જાહેર થઇ રહી છે. આતંકીઓ પકડાયા બાદ પણ ગુજરાત એલર્ટ બન્‍યું હોય તેમ લાગતું નથી.

આતંક જેવા મામલે નાની-મોટી તપાસ એ ઇલાજ યોગ્‍ય નથી. આ માટે જમ્‍મુ- કાશ્‍મીરની જેમ ખૂણે-ખૂણે મહાઓપરેશન જ અનિવાર્ય છે. માત્ર આતંકવાદ જ નહિ, સામાન્‍યથી માંડીને કૃર પ્રકારના ગુન્‍હાઓ સામે પણ નિર્ણાયક આક્રમકતા જરૂરી છે. આ માટે શાસક પાસે મનોબળ, ત્રેવડ અને ક્ષમતા જરૂરી હોય છે. સ્‍થાનિકથી માંડીને રાજયસ્‍તરના સેટિંગ તોડીફોડી નાખવાની તૈયારી જોઇએ.

મોદીજી - યોગીજીમાંથી ગુજરાત કંઇ શીખશે નહિ તો સરળતાથી ફૂંકાઇ જશે.

(11:32 AM IST)