<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

લાલુ બ્રાન્‍ડ સરકસ!

રાજકીય મંચ પર રોમાંચ-મનોરંજનથી ભરપૂર સરકસના વિપક્ષી ખેલઃ કહતા હૈ જોકર સારા જમાના.. પૂરેપૂરી હકીકત!

દેશના રાજકારણ પર નજર નાખો તો ઘણીવાર એવું લાગે છે કે આપણે કોઈ ગંભીર લોકશાહીના નહીં, પણ એક ભવ્‍ય અને સતત ચાલતા લાલુ બ્રાન્‍ડ સરકસના દર્શકો છીએ. આ સરકસમાં દાવપેચ અને મનોરંજન એટલું ભરપૂર હોય છે કે સાચા મુદ્દાઓ પડદા પાછળ ધકેલાઈ જાય છે. જોકર બનેલો રાજનેતા માઈક પર આવીને બૂમ પાડે છે. ‘‘કહતા હૈ જોકર... સારા જમાના...'' અને જનતા તાળીઓ પાડીને હસે છે. પણ આ હાસ્‍યની પાછળ આપણી લોકશાહીની ગંભીરતાનો અભાવ  છુપાયેલો છે.

રાજકીય જવાબદારી અને ગંભીરતાનો તો જાણે આ સરકસમાં પ્રવેશ નિષેધ હોય! નેતાઓ સત્તામાં હોય કે વિપક્ષમાં, તેમનું પ્રાથમિક લક્ષ્ય જનસેવાને બદલે ચર્ચામાં રહેવાનું અને વિવાદો ઊભા કરવાનું હોય છે. જાણે આ દેશને સમસ્‍યાઓનો ઉકેલ નથી જોઈતો, બસ દરરોજ એક નવું ‘મનોરંજન' જોઈએ છે. ભ્રષ્ટાચારના આક્ષેપો હોય કે જનતાના પૈસાનો દુરૂપયોગ, બધું જ એક ‘ખેલ' તરીકે રજૂ થાય છે. નેતાઓ શરમ છોડીને એવા નિવેદનો કરે છે જે કોઈ સ્‍ટેન્‍ડ-અપ કોમેડિયન પણ ન કરે, અને તેમ છતાં, એમની ગાદી સલામત રહે છે.

આ સરકસનો બીજો મહત્ત્વનો ભાગ છે ‘વિપક્ષ' નામનો ખેલ. વિપક્ષની ભૂમિકા સરકારને જવાબદાર ઠેરવવાની, પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની અને વૈકલ્‍પિક દૃષ્ટિકોણ રજૂ કરવાની હોય છે. પરંતુ અહીં તો, વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવાને બદલે, આખો દિવસ તેમની આંતરિક બઘડાટી અને જૂથબંધીના સમાચાર જ હેડલાઈન્‍સમાં હોય છે. લોકોને લાગે છે કે તેઓ બહારની લડાઈ શું લડશે, જે ઘરમાં જ શાંતિથી બેસી શકતા નથી.

અહીં એક ખાસ કલાકાર છે, જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે - રાહુલ ગાંધી. તેમના સાથીદારો પણ ઘણીવાર એવા વર્તન કરે છે કે જાણે તેઓ પોતે જ રાહુલ ગાંધીનું કાર્બન કોપી હોય! એટલે કે, જનતાના ગંભીર પ્રશ્નો પર બેજવાબદાર ટીપ્‍પણીઓ, સમયની ખરાબ પસંદગી અને રાજકીય સમજણનો અભાવ. જ્‍યારે જનતાને એક મજબૂત અને બુદ્ધિશાળી વિપક્ષની જરૂર છે, ત્‍યારે નેતાઓ જાણે કે ‘પોતાના જ પગ પર કુહાડી મારવાની' સ્‍પર્ધામાં હોય એવું લાગે છે. આખરે, જોકરની વાત સાચી છે - આ જમાનો જ એવો છે જ્‍યાં ગંભીરતાને કોઈ સ્‍થાન નથી. અને આ ‘લાલુ બ્રાન્‍ડ સરકસ'ના ખેલાડીઓ જ્‍યાં સુધી તેમની જવાબદારી નહીં સમજે,  ત્‍યાં સુધી જનતાએ આ ‘દાવપેચ-મનોરંજનથી ભરપૂર ખેલ' જોતા રહેવું પડશે.

મોટાભાગના રાજકીય વંશવાદી પરિવારોમાં બઘડાટી જોવા મળે છે.જો કે ખેલ જાહેર મનોરંજન સુધી પહોચતા નથી, પણ લાલુ-મુલાયમ પરિવારના સરકસ જાહેરમાં જ ચાલતા રહે છે. પરાજયના કારણોમાં આવા કારણો પણ મહત્‍વના હોય છે, પણ પરાજય માટે ચૂંટણી પંચ પર ઠીકરૂ ફોડીને લાલુ પરિવારો એક-બીજાના માથાં ફોડવામાં વ્‍યસ્‍ત બની જાય છે. લોકો તેને પરાજિત કરીને બરાબરનો સબક શીખવે છે. 

(11:35 AM IST)