<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

મેસીઃ રત્‍ન કાચથી અંજાયું

મેસીને ભારે પડે તેવી તાકાત ભારતમાં ધબકે છે, પણ તક કે કદર નથીઃ મેસી પાછળ દેશ પાગલઃ નેતાઓ પણ મુજરા કરવા લાગ્‍યાઃ માનસિક ગુલામીની પરાકાષ્‍ઠા

લિયોનેલ મેસી નિઃશંકપણે ફૂટબોલની દુનિયાનો જાદુગર છે. તેની રમત અદભૂત છે, પણ ભારતમાં તેની પાછળ જે પ્રકારનું ઘેલું લાગ્‍યું છે તે જોતા લાગે છે કે આપણો દેશ ‘કાચથી અંજાયો' છે. આપણે બીજાની સફળતાની ચમક જોઈને અંજાઈ જઈએ છીએ, પણ આપણા પોતાના આંગણે પડેલા રત્‍નોને ઓળખવાની તસ્‍દી લેતા નથી. ભારત આજે મેસી પાછળ પાગલ છે, પણ આ પાગલપન આપણી પોતાની ક્ષમતા સામે જોખમ ઊભું કરી રહ્યું છે.

મેસીને ભારે પડે તેવી તાકાત ભારત પાસે ભરપૂર છે. સત્‍ય એ છે કે મેસી જેવી કે તેનાથી પણ ચડિયાતી તાકાત ભારતના યુવાનોમાં ભરપૂર છે. ગલીએ ગલીએ પ્રતિભાઓ છુપાયેલી છે. પરંતુ કમનસીબ એ  છ ે કે અહીં તક અને કદર બંનેનો અભાવ છે. રમતગમતથી માંડીને કલાબાજી સુધીના દરેક  ક્ષેત્રમાં રાજનીતિ  ઘર કરી ગઈ છે. કાં તો તમારી પાસે મોટી ઓળખાણ હોવી જોઈએ અથવા ખિસ્‍સામાં રૂપિયા, તો જ તમે આગળ વધી શકો  છો. જેની પાસે ટેલેન્‍ટ છે પણ ટેકો નથી, તે મેદાન સુધી પહોંચતા પહેલા જ દબાઈ જાય છે.

ભારતીયોએ પ્રેરણા લેવી જોઇએ,પણ અંધભક્‍ત બનવાની જરૂર નથી. મેસી મહાન ખેલાડી છે, તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.  તેની મહેનત અને સંઘર્ષ  શીખવા જેવો છે. પણ તેના ફેન બનીને તેની પાછળ અંધાધૂંધ પડવું એ ‘બબૂચક' હોવાનું લક્ષણ છે.  હદ તો ત્‍યારે થાય છે જ્‍યારે આપણા દેશના મોટા ગજાના નેતાઓ પણ મેસી સામે મુજરા કરતા હોય તેમ વર્તે છે. વિદેશી ખેલાડીનું સન્‍માન ચોક્કસ કરો, પણ પોતાના દેશની પ્રતિભાના ભોગે નહીં. મેસીના ભારત આગમનથી ફાયદો એ થયો છે કે ભારતમાં હીરા બનીને ફરતા સચીનો-કોહલી-શાહરૂખો-સલમાનોની અસલી વેલ્‍યું ખ્‍યાલ આવી. મેસી સામે આ બધાં ડાગલાં જેવા લાગતા હતા.

ભારતીયોએ ખુદની તાકાત ઓળખવી જરૂરી છે, ભારત મેસી પાછળ પાગલ છે, પણ કયારેય વિચાર્યું છે કે આપણી પોતાની તાકાત શું છે? આપણે બીજાના ઉત્‍સવો ઉજવવામાં એટલા વ્‍યસ્‍ત છીએ કે આપણા પોતાના મેદાન ઉજ્જડ પડયા છે. જ્‍યાં સુધી સિસ્‍ટમ્‍સમાંથી ભ્રષ્ટાચાર અને ભલામણ પ્રથા દૂર નહીં થાય, ત્‍યાં સુધી ભારતીય પ્રતિભાઓ ગૂંગળાતી રહેશે. આપણે મેસીના ફેન બનવાને બદલે એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે કે દુનિયા ભારતીય ખેલાડીઓની ફેન બને.

મેસી સફળ છે, પણ એ સફળતાની ચમકમાં આપણે આપણી અસલી તાકાતને ભૂલી જવી ન જોઈએ. અંધભક્‍તિ છોડો અને વાસ્‍તવિકતા સ્‍વીકારો.

(11:04 AM IST)