<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

રાક્ષસી અટ્ટહાસ્‍યઃ જંગલી ટોળાશાહી

બાંગ્‍લાદેશમાં જેન-ઝી ક્રાંતિના નામે જંગાલીયતનું પ્રદર્શનઃ ભારતે નિર્ણાયક સક્રિયતા દાખવવી પડશે

બાંગ્‍લાદેશની ધરતી આજે લોહીથી ખરડાઈ છે અને લોકશાહીના નામે ત્‍યાં ‘રાક્ષસી અટ્ટહાસ્‍ય' સંભળાઈ રહ્યું છે. જેન-ઝી ક્રાંતિનો આધુનિક મહોરો પહેરીને નીકળેલા ટોળાઓએ વાસ્‍તવમાં જંગલી ટોળાશાહીનું વરવું પ્રદર્શન કર્યું છે. ક્રાંતિના નામે નૈતિકતાના ધજાગરા ઉડી રહ્યા છે અને અરાજકતાએ સમગ્ર દેશને  બાનમાં લીધો છે. જે વિદ્યાર્થી આંદોલન સુધારા માટે હતું, તે હવે કટ્ટરપંથી તત્‍વોના હાથમાં જઈને માનવતાના નરસંહારમાં ફેરવાઈ ગયું છે. શેરીઓમાં ન્‍યાયના નામે થતી હિંસા એ વાતની સાક્ષી પૂરે છે કે બાંગ્‍લાદેશમાં કાયદાનું શાસન નહીં, પણ ટોળાનો ઉન્‍માદ શાસન કરી રહ્યો છે.

આ જંગાલીયતનો સૌથી કરુણ ભોગ લઘુમતી હિન્‍દુ સમાજ બની રહ્યો છે. હિન્‍દુઓની નિર્મમ અને ક્રૂર હત્‍યાઓના સમાચાર આત્‍માને ઝબઝબાવી દે તેવા છે. તેમના ઘરોને રાખ કરી દેવામાં આવ્‍યા છે, વેપાર-ધંધા લૂંટી લેવાયા છે અને મંદિરોને અપવિત્ર કરવામાં આવ્‍યા છે. આ કોઈ આકસ્‍મિક હિંસા નથી, પણ એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવતું વ્‍યવસ્‍થિત આક્રમણ છે. નિર્દોષ લોકોનો લોહી વહેવડાવીને કઈ ક્રાંતિ લાવવા માંગે છે આ ટોળાઓ? ક્રાંતિના નામે આચરવામાં આવતી આવી ક્રૂરતા એ સભ્‍ય સમાજ પર કલંક છે.

ભારત અને બાંગ્‍લાદેશમાં લઘુમતીઓની સ્‍થિતિની તુલના કરીએ તો લોકશાહીના બે વિરોધાભાસી છેડા દેખાય છે. ભારતમાં લઘુમતીઓને બંધારણીય કવચ પ્રાપ્‍ત  છે.  તેઓ દેશના સર્વોચ્‍ચ હોદ્દાઓ શોભાવે છે અને રાજ્‍ય તેમની સુરક્ષાની ગેરંટી આપે છે. ભારતની સહિષ્‍ણુતા તેની શક્‍તિ છે. તેની સામે  બાંગ્‍લાદેશમાં લઘુમતી હોવું એ ગુનો બની ગયો હોય તેમ લાગે છે. ત્‍યાં બહુમતીવાદના જોરે લઘુમતીઓના અસ્‍તિત્‍વને જ ભૂંસી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારતમાં લઘુમતીઓ ‘સલામત' છે. જ્‍યારે બાંગ્‍લાદેશમાં તેઓ માત્ર ‘શિકાર' બનીને રહી ગયા છે.નીતિશ કુમારે બુરખો થોડો હટાવ્‍યો તો પણ દેશભરમાં દેકારો કરી મૂકાયો  છે. બાંગ્‍લાદેશમાં લઘુમતીને જાહેરમાં સળગાવાઈ રહ્યા છે.

આ ગંભીર પરિસ્‍થિતિમાં ભારત મૌન રહી શકે નહીં.  પાડોશી દેશમાં સળગતી આ આગની ઝાળ ભારત સુધી પહોંચતા વાર નહીં લાગે. અસ્‍થિર બાંગ્‍લાદેશ ભારતની રાષ્‍ટ્રીય સુરક્ષા અને સરહદી અખંડિતતા માટે મોટો ખતરો  છે. ભારતે  હવે મુત્‍સદ્દીગીરીના પરંપરાગત માર્ગો છોડીને નિર્ણાયક સક્રિયતા દાખવવી જ પડશે. આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે દબાણ લાવીને હિન્‍દુઓના રક્ષણ માટે કડક પગલાં લેવાવા જોઈએ. જો ભારત આજે અવાજ નહીં ઉઠાવે, આ જંગલી ટોળાશાહી વધારે કળર બનીને ભારત માટે પણ ખતરો બનશે. ભારતની સક્રિયતા જ આ રાક્ષસી ઉન્‍માદને રોકી શકશે.

યાદ કરો. બાંગ્‍લાદેશ સહિતના દેશોમાં જેન-ઝીના નામે પ્રદર્શનો શરૂ  થયા ત્‍યારે રાહુલ ગાંધી જેવા નેતાઓએ ભારતમાં પણ જેન-ઝીને ઉશ્‍કેરવા પ્રયાસ કર્યો હતો. પોતે રાજનીતિમાં કંઇ ઉકાળી શકનારા અનેક રાહુલો ભારતમાં જંગલી ટોળા સર્જવા સતત ખેલ નાખે છે. આ સમય ભારતે સાવધાન રહીને સક્રિય ભૂમિકા ભજવીને લાંબાગાળાની શાંતિ સ્‍થાપવી જરૂરી  છે.

(10:47 AM IST)