<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

કિસાન-ડેઃ વાવે ખેડૂત લણે વચેટિયા!

ખેડૂતોએ રાજકીય ચુંગાલમાંથી બહાર નીકળવું જરૂરીઃ સરકારને કહો, રોકડ સહાય નહી શુધ્‍ધ સિસ્‍ટમ્‍સ આપોઃ લાલચુ કયારેય સુખ લણી ન શકે

ખેડૂતોને અન્નદાતા તરીકે ઓળખવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડની બહાર જુઓ તો  દાતાઓ કળષિ ઉત્‍પાદન વેચવા આખી રાત લાઇનમાં ઉભો હોય છે. વારો આવે ત્‍યારે દલાલો ઉપકાર કરતા હોય તેમ માલ ખરીદ કરે છે. મોટાભાગે શોષણના દ્રશ્‍યો જોવા મળે છે. દાતાની હાલત આવી હોય?

ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં આજે ખેડૂતની સ્‍થિતિ દયનીય છે. ખેતરમાં કાળી મજૂરી ખેડૂત કરે છે, પણ તેનો અસલી નફો વચેટિયાઓ અને દલાલો લણી જાય છે. આ કડવી વાસ્‍તવિકતા દર વર્ષે કિસાન દિવસે આપણી સામે પ્રશ્નાર્થ ચિન્‍હ બનીને ઊભી રહે છે. ખેડૂતોએ હવે સમજવાની જરૂર છે કે માત્ર ખેતરમાં હળ ચલાવવાથી સુખ નહીં આવે, હવે વ્‍યાપારી બુદ્ધિ વાપરવાનો સમય પાકી ગયો છે.

ખેડૂતોએ  સૌપ્રથમ રાજકીય પક્ષોની ચુંગાલમાંથી બહાર નીકળવું પડશે. રાજકીય પક્ષો માટે ખેડૂત માત્ર એક ‘વોટબેંક' બનીને રહી ગયો છે. ચૂંટણી આવે ત્‍યારે લોભામણી જાહેરાતો થાય છે અને પછી પાંચ વર્ષ ખેડૂત વિસરાઈ જાય છે. સરકાર પાસે જઈને કટકે-કટકે અપાતી રોકડ સહાય ન માંગો. સરકારને સ્‍પષ્ટ કહો કે, ‘‘અમને ભીખ નહીં, પણ એક શુદ્ધ અને પારદર્શક સિસ્‍ટમ્‍સ આપો.'' જે વ્‍યવસ્‍થામાં ખેડૂતને લૂંટવામાં ન આવે અને તેને તેના પરસેવાનું પુરૂ વળતર મળે. યાદ રાખો, લાલચુ માનસ કયારેય સાચું સુખ લણી શકતું નથી.

લોભામણી જાહેરાતો પાછળ દોડવાનું બંધ કરી હક માટે મજબૂત નીતિઓ માંગવી પડશે. કળષિ ઉત્‍પાદનોની પૂરતી કિંમત ખેડૂતોને કયારેય મળતી નથી. ખેતરથી બજાર સુધી પહોંચતા પાકના ભાવ આસમાને પહોંચે છે, પણ ખેડૂતના ખિસ્‍સા ખાલી રહે છે. આ વચેટિયાઓ મહેનત વગર માલામાલ થઈ રહ્યા છે. આ ચક્ર તોડવા માટે ખેડૂતોએ પોતે જ પ્રોસેસિંગ શરૂ કરવું પડશે. કાચો માલ સસ્‍તામાં વેચી દેવાને બદલે તેનું મૂલ્‍યવર્ધન કરવું એ જ આજના સમયની માંગ છે. જો ખેડૂત પોતે જ માલ તૈયાર કરીને વેચતો થશે, તો બજાર તેની મુઠ્ઠીમાં હશે. પાક વીમો હોય કે સરકારી સહાય, આ બધું જ રાજનીતિના ખેલ છે. નેતાઓ ખેડૂતોના નામે પોતાના સ્‍વાર્થ સાધે છે. ખેડૂતોએ હવે ખેતીને માત્ર નિર્વાહનું સાધન નહીં, પણ એક ‘શુદ્ધ વ્‍યવસાય' તરીકે અપનાવવી પડશે. જાત મહેનત અને બુદ્ધિના સમન્‍વયથી જ ધરતી માતાની સાધના ફળશે. કોઈ પક્ષ કે નેતા તમારૂં ભાગ્‍ય નહીં બદલે, તમારે પોતે જ સંગઠિત થઈને તમારી શક્‍તિ બતાવવી પડશે. જ્‍યારે ખેડૂત રાજકીય એજન્‍ડા છોડીને પોતાની બુદ્ધિથી બજાર સર કરશે, ત્‍યારે જ તે  સાચા અર્થમાં સુખી અને સમળદ્ધ થશે. (૩.૨)

(11:38 AM IST)