૧૪૦: ભુતકાળ ભવ્ય, વર્તમાન અસહ્ય
કોંગ્રેસનો સ્થાપના દિનઃ નેહરુથી રાહુલ... ઐતિહાસિક સિધ્ધિથી ઐતિહાસિક પતનઃ નેહરુ, ગાંધી બાદ વાઢરા ખાનદાન હાવી?
૧૪૦ વર્ષ...ગૌરવવંતી ક્ષણ ગણાય, પણ કોંગ્રેસ માટે આ ગૌરવ માત્ર ઔપચારિક જ હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેના અસ્તિત્વના સૌથી કપરા પ્રતિક્ષાકાળમાંથી પસાર થઈ રહી છે. ૧૮૮૫માં સ્થપાયેલી આ સંસ્થાનો ઇતિહાસ ગૌરવશાળી રહ્યો છે. આઝાદીની લડતથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી કોંગ્રેસનો ફાળો અવિસ્મરણીય છે. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. ‘‘ભૂતકાળ ભવ્ય'' હતો, પણ ‘‘વર્તમાન અસહ્ય'' બની રહ્યો હોય તેમ જણાય છે.
જવાહરલાલ નેહરુના સમયમાં કોંગ્રેસ એક વિચારધારા હતી. તે સમયે પક્ષ પાસે મજબૂત સંગઠન અને સ્પષ્ટ વિઝન હતું. લાલબહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના સમય સુધી કોંગ્રેસની પકડ મજબૂત રહી. જોકે, કટોકટી બાદ પક્ષમાં વ્યક્તિપૂજા અને વંશવાદના બીજ રોપાયા. રાજીવ ગાંધી બાદ સોનિયા ગાંધીએ પક્ષને સંભાળ્યો, પણ સંગઠન ધીમે ધીમે નબળું પડતું ગયું. રાહુલ ગાંધીના આગમન સાથે અપેક્ષાઓ ઘણી હતી. પરંતુ સતત બે લોકસભા ચૂંટણીમાં કારમી હાર અને રાજકીય સાતત્યના અભાવે કાર્યકરોમાં નિરાશા જન્માવી છે. ઐતિહાસિક સિદ્ધિઓ મેળવનાર પક્ષ આજે ઐતિહાસિક પતનના આરે ઉભો છે.
કોંગ્રેસની સૌથી મોટી મર્યાદા ‘ગાંધી પરિવાર' પરની અતિશય નિર્ભરતા રહી છે. પક્ષમાં આંતરિક લોકશાહીનો અભાવ દેખાઈ રહ્યો છે. નેહરુ પછી ઇન્દિરા ગાંધીએ નેતળત્વ આપીને પક્ષને ગાંધી પરિવારના હવાલે કર્યો.બાદમાં રાજીવ અને સોનિયાએ સુકાન સંભાળ્યું. હવે રાહુલ ગાંધી નિષ્ફળ જતા પ્રિયંકા ગાંધી - વાઢરા પક્ષનો ચહેરો છે.પક્ષનું નેતળત્વ વાઢરા ખાનદાન તરફ ઢળી રહ્યું છે.
ટીકાકારો માને છે કે પક્ષ હવે માત્ર એક ખાનદાનની આસપાસ સીમિત બની ગયો છે. પ્રાદેશિક નેતાઓ સાઈડલાઈન થઈ રહ્યા છે. પ્રતિભાશાળી યુવા નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. જો પક્ષમાં ‘વાઢરા ખાનદાન' જ સર્વોપરી રહેશે, તો શું સામાન્ય કાર્યકર કયારેય ટોચ પર પહોંચી શકશે? આ પ્રશ્ન પક્ષને અંદરથી કોરી ખાઈ રહ્યો છે.
કોંગ્રેસ માટે આત્મમંથનનો સમય છે. માત્ર ભૂતકાળના ભાણાં પીરસવાથી ભવિષ્ય ઉજ્જવળ નહીં બને. જો પક્ષે ફરી બેઠા થવું હોય, તો વંશવાદના વાડામાંથી બહાર આવવું પડશે. જમીની સ્તરના કાર્યકરોને સન્માન આપવું પડશે. લોકશાહીમાં મજબૂત વિપક્ષ અનિવાર્ય છે. ભારતની આ સૌથી જૂની પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે કે ઇતિહાસનું પાનું બની રહેશે, તેનો આધાર આગામી નેતળત્વ પર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
