News of Tuesday, 30th December 2025
સોના- ચાંદીઃ જોખમી ખેલ
માંગ-પુરવઠા સદ્વાંતના ધજાગરાઃ વૈશ્વિક ખેલાડીઓના ખેલમાં નાના માછલા નંદવાઇ રહ્યા છેઃ ભારતે નિર્ણાયક ભૂમિકા ભજવીને ખેલ ઉઘાડા પાડવા જરૂરી
સોના અને ચાંદીના બજારમાં હાલ જે પ્રકારે વંટોળ આવ્યો છે, તેણે રોકાણકારોની ઊંઘ હરામ કરી દીધી છે. કિંમતી ધાતુઓના ભાવમાં આવતી અસાધારણ અને અતાર્કિક વધઘટ સ્પષ્ટ કરે છે કે બજાર હવે માંગ- પુરવઠાના મૂળભૂત સિદ્ધાંતો પર નહીં, પરંતુ સટ્ટાખોરીના જોરે ચાલી રહ્યું છે. જ્યારે આર્થિક ગણિત કરતા અન્ય ખેલ વધી જાય, ત્યારે સમજવું કે આ એક ‘જોખમી ખેલ' બની ગયો છે.
વૈશ્વિક ખેલાડીઓ અને બજારની અસ્થિરતા આંતરરાષ્ટ્રીય સ્તરે બેઠેલા મોટા માથાઓ અને હેજ ફંડ્સ દ્વારા બજારને પોતાના ઈશારે નચાવવામાં આવી રહ્યું છે. ચાંદીના ભાવ જે રીતે અચાનક અઢી લાખની સપાટીથી પટકાયા, તેણે બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા છે. સોનામાં પણ તીવ્ર વધઘટ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં માંગ-પુરવઠાના સિદ્ધાંતના ધજાગરા ઉડી રહ્યા છે. આ મોટા ખેલમાં હંમેશા ‘નાના માછલા' એટલે કે સામાન્ય રોકાણકારો જ નંદવાય છે. ઉપરના સ્તરે રોકાણ કરનારા મધ્યમ વર્ગના લોકો અત્યારે લાચાર બનીને મૂડી ધોવાતી જોઈ રહ્યા છે.
કોઈપણ બજાર માટે ‘વિશ્વાસ' એ સૌથી મોટી મૂડી હોય છે. પરંતુ હાલની અસ્થિરતાને કારણે માર્કેટે પોતાની સ્થિરતા અને વિશ્વાસ બંને ગુમાવ્યા છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. આવી સ્થિતિમાં, ભારત સરકારે હવે પ્રેક્ષક બનીને રહેવાને બદલે વૈશ્વિક સ્તરે નિર્ણાયક ભૂમિકા ભજવવી જોઈએ. આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર થતા શંકાસ્પદ સોદાઓ અને કિંમતોના કળત્રિમ ઉછાળા સામે અવાજ ઉઠાવવો અનિવાર્ય બન્યો છે. વૈશ્વિક ખેલાડીઓ બેનકાબ થાય તે જરૂરી છે જેથી બજારમાં પારદર્શિતા પાછી આવે.
વર્તમાન સંજોગો જોતા, સામાન્ય જનતા અને નાના રોકાણકારોએ અત્યારે આ બંને ધાતુઓથી દૂર રહેવું જ હિતાવહ છે. બજાર અત્યંત અચોક્કસ છે અને ગમે ત્યારે મોટું ગાબડું પડી શકે છે. જ્યારે બજાર સટ્ટાખોરોની પકડમાં હોય, ત્યારે ભાવ કયા તળિયે જશે તે કહેવું મુશ્કેલ છે. આ ‘જોખમી ખેલ'માં જોડાવા કરતા અત્યારે શાંતિથી રાહ જોવી અને બજાર સ્થિર થાય તેની પ્રતીક્ષા કરવી એ જ શ્રેષ્ઠ વ્યવસાયી નીતિ ગણાય.
સોના-ચાંદીમાં અસામાન્ય વધઘટના ખેલથી ઘણાં લોકલ વ્યવસાયીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. અમુકના ઉઠમણાં પણ થયા છે. સટ્ટો ભલે કાયદેસર હોય,પણ જુગારથી વિશેષ કંઇ નથી. આ જુગારમાં અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે. આવા ખેલથી વર્તમાન સમયે દૂર રહેવું સમજદારી ગણાય. ભારતે વૈશ્વિક સ્તરે ચાલતા ખેલનો પર્દાફાસ કરીને સોના-ચાંદી અંગે ભારતીયો માટે ગાઇડ લાઇન જાહેર કરવી જોઈએ.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
