<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

૨૦૨૬: સનાતનીઓ શું કરશે?

દિપાવલીએ પર્યાવરણનું જ્ઞાન પીરસનારા ગાયબઃ મંદિરોમાં પણ ખ્રિસ્તી નવા વર્ષના આયોજનો!

 

 

૨૦૨૫ની વિદાયની ઘડીએ નજીક આવી ગઇ છે. આવતીકાલે ઊંઘ ઉડશે ત્યારે ૨૦૨૬નું આગમન થઇ ગયું હશે. નવા વર્ષના આગમનની સમગ્ર ભારતમાં ધામધુમથી ઉજવણી થઇ રહી છે.

સનાતન સંપ્રદાય સમગ્ર બ્રહ્માંડને પોતાનો પરિવાર ગણે છે. બદલાઇ રહેલું નવું વર્ષ ખ્રિસ્તી સમુદાયનું છે. ભારત સવા અબજની વસ્તી ધરાવે છે. જેમાં ૧૦૦ કરોડથી વધારે હિન્દુઓ છે. આ દેશમાં ખ્રિસ્તીઓનું નવું વર્ષ ધામધુમથી ઉજવાઇ રહ્યું છે.

સનાતનની ફલેકસીબિલિટી તેની આગવી વિશેષતા છે. આ ગુણના કારણે સનાતન અજરાઅમર છે. સર્વનો સ્વીકાર અને સમય મુજબ બદલાવ આ ગુણ સનાતનના વૈવિધ્યને વધારે નીખારે છે.

સનાતનીઓ પૃથ્વીના ગોળા પરની સોૈથી શ્રેષ્ઠ બિનસાંપ્રદાયિક પ્રજાતિ છે. આ કારણે ૮૦ ટકા વસ્તી છતા ભારતમાં વિવિધ ધર્મો બેરોકટોક ધમધમે છે. ખ્રિસ્તીઓનું નવું વર્ષ સનાતનીઓ ઉજવે એ સમસ્યા નથી, પણ સનાતનની આગવી પરંપરા ને  અતિ ખરાબ ગણાવીને વિદેશના આંધળા અનુકરણ કરી ને ઉછળકુદ કરવી એ વાંધાજનક અવશ્ય ગણી શકાય.

ખ્રિસ્તીઓના નવા વર્ષે ધમધોકાર મોજ કરવી અને દિપાવલીની ઉજવણીમાં વાંધા કાઢવા એ વિચિત્રતા ભારતમાં સ્થાપિત થઇ ગઇ છે. દિવાળીએ ફટાકડાનું પ્રદૂષણ યાદ આવે છે. આજે રાત્રે ફૂટનારા ફટાકડા ઓકિસજન રીલીઝ કરશે? સનાતનમાં અમુક તત્વોને સનાતની પર્વો પ્રસંગે જ સમાજ સુધારણા અભિયાન યાદ આવે છે.

ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવનારા ગોકીરા કરશે. આખું વર્ષ ખુલ્લેઆમ મરઘા ખવાઇ રહ્યા છે, તેની સામે પક્ષી પ્રેમીઓને કંઇ વાંધો નથી. ત્રેવડ હોય તો નોનવેજ સામે મોરચો માંડો. દરેક તહેવારોમાં સમાજ સુધારકો મેદાનમાં આવે છે. ખ્રિસ્તીઓના નવા વર્ષમાં ગુજરાતમાં ઉજવણીના નામે ગેરકાયદે દારૃની રેલમછેલ થશે. ઘોંઘાટથી  ધ્વની પ્રદૂષણ થશે. આ સામે કોઇને કંઇ વાંધો નથી ! આવી પરંપરા બની ગઇ છે. સમાજ સુધારકો સનાતન વિરોધી જેવા બની ગયા છે.

આ બાબત ષડયંત્ર પણ હોઇ શકે છે. સંસ્કૃતિના નામે મત લઇને સત્તા ઉપર ચઢી બેસેલા પણ ખ્રિસ્તી નવા વર્ષે ઉછળવા લાગ્યા છે. સનાતનને સમર્પિત થયેલા કહેવાતા સાધુ-સંતો-સ્વામીઓ મંદિરોમાં  ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણી કરવા લાગ્યા છે. આવા દંભી ટોળા દિવાળીએ ધોકાની મગજમારી કરતા હોય છે.

૨૦૨૬માં સનાતનીઓને સમજદારીની ગિફટ મળે તેવી પ્રાર્થના!

(12:13 PM IST)