<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

મેઘ પણ ઉત્‍સવપ્રિય!

નોરતા, દિવાળી બાદ ઇસુના નવા વર્ષે પણ મેઘરાજ મહાલ્‍યાઃ હવામાનના બદલાતા પ્રવાહો અંગે સંશોધન જરૂરી

 

 

કુદરતનો મિજાજ ઓળખવો મુશ્‍કેલ  બન્‍યો છે. પરંપરાગત ઋતુચક્ર જાણે વિખરાઈ ગયું હોય તેમ મેઘરાજા હવે ગમે ત્‍યારે ‘મહાલી' રહ્યા છે. જે વરસાદ અષાઢ અને શ્રાવણમાં મન મૂકીને વરસીને વિદાય લેતો હતો, તે હવે વિલક્ષણ રીતે ઉત્‍સવપ્રિય બન્‍યો છે. નવરાત્રીમાં ખેલૈયાઓના ઉત્‍સાહ પર પાણી ફેરવ્‍યા બાદ, દિવાળીના દીવડાઓ વચ્‍ચે પણ વરસાદી ઝાપટાં જોવા મળ્‍યા હતા.  હવે  તો  હદ થઈ ગઈ છે. ઈસુના નવા વર્ષની શરૂઆતમાં પણ મેઘરાજાની એન્‍ટ્રીથી જનજીવન પ્રભાવિત થયું છે. આ અણધાર્યા બદલાવ પાછળ ગ્‍લોબલ વોર્મિંગ અને અરબી સમુદ્રમાં સર્જાતા લો-પ્રેશર જવાબદાર હોવાનું મનાય છે, પરંતુ આ માત્ર સામાન્‍ય ઘટના નથી.  હવામાનના આ બદલાતા પ્રવાહો પર ઊંડું સંશોધન કરવું હવે અનિવાર્ય બની ગયું છે.

આ કમોસમી વરસાદનો સૌથી વધુ કહેર કળષિક્ષેત્ર પર જોવા મળી રહ્યા ે છે. ખેડૂત જ્‍યારે પાક લણવાની તૈયારીમાં હોય છે ત્‍યારે જ આકાશી આફત ત્રાટકે છે. કપાસ, મગફળી અને જીરૂ જેવા રોકડિયા પાકો પલળી જવાથી ગુણવત્તા બગડે છે અને બજારમાં તેના યોગ્‍ય ભાવ મળતા નથી. ખેતીના ખર્ચ સામે વળતર ન મળતા ખેડૂત દેવાના વિષચક્રમાં ફસાય  છે. આ  સ્‍થિતિ માત્ર ગ્રામીણ અર્થતંત્રને જ નહીં, પણ સમગ્ર દેશના અર્થતંત્રને તીવ્ર આડઅસર કરે છે. બજારમાં શાકભાજી અને અનાજના ભાવ આસમાને  પહોંચે  છે, જેનાથી સામાન્‍ય માણસનું બજેટ ખોરવાય છે. મોંઘવારીનો આ સીધો સંબંધ કુદરતી અસંતુલન સાથે જોડાયેલો છે.

આરોગ્‍યની દૃષ્ટિએ પણ આ બદલાતી ઋતુ જોખમી સાબિત થઈ રહી છે. અચાનક આવતા વરસાદને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધે છે, જે બેક્‍ટેરિયા અને વાયરસના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ પૂરૂં પાડે છે. પરિણામે, ડબલ સીઝનને કારણે વાયરલ તાવ, શરદી-ઉધરસ અને પાણીજન્‍ય રોગોનો વ્‍યાપ વધે છે. હોસ્‍પિટલો દર્દીઓથી ઉભરાય છે અને માનવ સંસાધનની કાર્યક્ષમતા ઘટે છે.

સમય આવી ગયો છે કે આપણે પ્રકળતિના આ સંકેતોને ગંભીરતાથી લઈએ. હવામાન વિભાગે માત્ર આગાહીઓ પૂરતું મર્યાદિત ન રહેતા, બદલાતા દરિયાઈ પ્રવાહો અને વાતાવરણના સ્‍તરો  પર નૂતન ટેકનોલોજી દ્વારા સંશોધન કરવું પડશે. જો આપણે સમયસર આયોજન અને તકેદારી નહીં રાખીએ, તો મેઘરાજાનું આ ‘બિનજરૂરી' આગમન વિકાસના પૈડાને થંભાવી દેશે.

ગુજરાતમાં હવામાન નિષ્‍ણાતના નામે  ખૂણે-ખૂણે આગાહીકારો નીકળી પડ્‍યા છે. આ ટોળા નેટના આધારે નિષ્‍ણાત  બની ગયા છે.વાસ્‍તવમાં હવામાનમાં અતિ કપરા પરિવર્તનો આવી રહ્યા છે, જે અંગે ગંભીરતા-સજાગતા-સંશોધન જરૂરી છે. આ કાર્ય સરકારી હવામાન ખાતું પણ નથી કરતું. ત્‍યાં ગોઠવાઇ ગયેલાં પરપ્રાંતીય નિષ્‍ણાતો સામાન્‍ય સ્‍તરના કાર્ય કરીને પ્રસિદ્ધિ વરસાવતા રહે છે.

(11:55 AM IST)