<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ચૂંટણીમાં હિન્‍દુત્‍વ, બાદમાં બંધુત્‍વ!

ભાગવતજીએ ગુજરાતના ભાજપી નેતાઓને નવેસરથી હિન્‍દુત્‍વના પાઠ ભણાવવા પડે તેવી સ્‍થિતિઃ ૩૦ વર્ષની સત્તા છતાં હિન્‍દુઓમાં ફફડાટ

રાજકોટમાં અશાંતધારાની મુદત લંબાવાઇ તેનું ગૌરવ નેતાગીરી લઇ રહી છે, પણ આ ધારો લાગુ કરવો પડે એ સ્‍થિતિ બન્‍યાના કારણોમાં જાવ તો સાચો ખ્‍યાલ આવે. રાજકોટની ધરતી પર રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજીનું આગમન હંમેશા નવી વૈચારિક દિશા પ્રદાન કરનારૂ હોય છે. રાજકોટની મુલાકાત વખતે  તેઓ  અનેક વિશેષ લોકોને મળી રહયા છે. એક સળગતો પ્રશ્‍ન સૌના મનમાં છે, શું સત્તાના ત્રીસ વર્ષ પછી હિન્‍દુત્‍વ માત્ર ચૂંટણી જીતવાનું સાધન બનીને રહી ગયું છે?

ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપની સરકાર છે. વિકાસના દાવાઓ વચ્‍ચે એક કડવું સત્‍ય એ છે કે આજે પણ અનેક હિન્‍દુ પરિવારોમાં આંતરિક રીતે ‘ફફડાટ' જોવા મળે છે. જે હિન્‍દુત્‍વના જોરે ભાજપ સત્તાના શિખરે પહોંચ્‍યું, તે જ વિચારધારાના રક્ષણ બાબતે હવે નેતાઓ ઉદાસીન દેખાઈ રહ્યા છે. ચૂંટણી સમયે હિન્‍દુત્‍વના નારા ગુંજે છે, પરંતુ સત્તા મળ્‍યા પછી ‘બંધુત્‍વ'ના ઓઠા હેઠળ તુષ્ટિકરણની નવી નીતિઓ આકાર લેતી જણાય છે.

સૌથી ગંભીર ચિંતાનો વિષય એ છે કે જે લઘુમતી શંકાસ્‍પદ તત્‍વો સામે સામાન્‍ય હિન્‍દુ સંઘર્ષ કરી રહ્યો છે, તે જ તત્‍વો સાથે પડદા પાછળ ભાજપી નેતાઓનું ‘ઇલુ-ઇલ'  ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. વોટબેંકના રાજકારણમાં કે અંગત આર્થિક હિતો ખાતર જ્‍યારે સત્તાધારી પક્ષના નેતાઓ વિરોધી વિચારધારા ધરાવતા શંકાસ્‍પદો સાથે હાથ મિલાવે છે, ત્‍યારે પાયાનો કાર્યકર અને હિન્‍દુ પરિવાર છેતરાયાની લાગણી અનુભવે છે.

લવ જેહાદ જેવી ગંભીર સમસ્‍યાઓથી માંડીને જમીન પચાવી પાડવાના ખેલ આજે પણ ધમધોકાર ચાલી રહ્યા છે. કાયદાઓ હોવા છતાં તેનું પાલન કરાવવામાં આવતી ઢીલાશ પાછળ કયાંક ને કયાંક રાજકીય ઈચ્‍છાશક્‍તિનો અભાવ દેખાય છે. ભાગવતજીએ ગુજરાતના ભાજપીઓને ‘હિન્‍દુત્‍વના નવેસરથી પાઠ' ભણાવવા અત્‍યંત અનિવાર્ય છે. સત્તાનો મોહ જ્‍યારે સિદ્ધાંતો પર હાવી થઈ જાય, ત્‍યારે સંઘ પ્રમુખે હસ્‍તક્ષેપ કરીને માર્ગદર્શન આપવું જ રહ્યું.

ભાગવતજી આ મુલાકાત દરમિયાન નેતાઓને સ્‍પષ્ટ આદેશ આપે કે ‘હિન્‍દુત્‍વ' એ માત્ર ચૂંટણીલક્ષી એજન્‍ડા નથી, પણ એક સાંસ્‍કળતિક જવાબદારી છે. જો સત્તામાં હોવા છતાં હિન્‍દુ સમાજ અસુરક્ષિત અનુભવતો હોય, તો એ આત્‍મમંથનનો વિષય છે. 

(11:43 AM IST)