ક્રિકેટના મુજરાબાજો સામે બાઉન્સર
ભારતીય ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રહિત તડકે મૂકીને પાકિસ્તાન સાથે રમે છે, જયારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ ને પાટું મારીને દેશના દ્રષ્ટિકોણને મહત્વ આપ્યું
દેશની અસ્મિતા અને રાષ્ટ્રીય સુરક્ષા જ્યારે દાવ પર હોય ત્યારે રમતગમતનો મોહ જતો કરવો એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે. તાજેતરમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટી-૨૦ વર્લ્ડકપમાં રમવાનો ઇન્કાર કરીને સમગ્ર વિશ્વના ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. બાંગ્લાદેશે રમત કરતા દેશના દ્રષ્ટિકોણને વધુ મહત્વ આપીને સાબિત કર્યું છે કે રાષ્ટ્રીય ગૌરવ સામે કોઈ પણ ટૂર્નામેન્ટ કે મેડલની કોઈ વિસાત નથી. બાંગ્લાદેશનો આ નિર્ણય એ ભારતના ક્રિકેટના મુજરાબાજો સામે એક સચોટ બાઉન્સર સમાન છે.
દુર્ભાગ્યે, ભારતીય ક્રિકેટ બોર્ડના વલણમાં આવી મક્કમતાનો અભાવ જોવા મળે છે. પાકિસ્તાન વર્ષોથી ભારત વિરુદ્ધ નાલાયકી કરતું આવ્યું છે. સરહદ પર આતંકવાદ ફેલાવવો, આપણા નિર્દોષ નાગરિકો અને બહાદુર જવાનોનું લોહી વહાવવું એ પાકિસ્તાનની કાયમી નીતિ રહી છે. આટલી હદ સુધીની નાલાયકી છતાં, ભારતીય ક્રિકેટ બોર્ડ દેશહિતને તડકે મૂકીને પાકિસ્તાન સાથે રમવા તૈયાર થઈ જાય છે. ભારત માટે ક્રિકેટ હવે રમત નહીં, પણ એક રાષ્ટ્રીય લાચારી બની ગયું હોય તેમ લાગે છે. આઈસીસીના નિયમો કે આર્થિક નુકસાનના બહાના હેઠળ આપણે શહીદોના બલિદાનને ભૂલી રહ્યા છીએ.
બાંગ્લાદેશ જેવા દેશે જે હિંમત બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમણે બતાવ્યું કે જ્યારે દેશની નીતિની વાત આવે, ત્યારે ક્રિકેટને પાટું મારતા અચકાવું જોઈએ નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ પાસેથી ગંભીર પ્રેરણા લેવાની જરૂર છે. વિશ્વનું સૌથી ધનિક અને શક્તિશાળી બોર્ડ હોવા છતાં, જો ભારત પાકિસ્તાન જેવી નબળી અને આતંકી માનસિકતા ધરાવતી સત્તા સામે નમી જાય, તો એ આપણી નબળાઈ ગણાશે.
સ્પષ્ટ વાત છે કે, દેશહિતથી ઉપર કયારેય ક્રિકેટ હોઈ શકે જ નહીં. જે દેશ આપણા અસ્તિત્વને મિટાવવા માંગતો હોય, તેની સાથે મેદાનમાં રમીને આપણે તેમને આંતરરાષ્ટ્રીય મંચ પર કાયદેસરતા આપીએ છીએ. જનતાની લાગણી અને શહીદોના સન્માન સાથે ખીલવાડ કરનારા તત્વોએ સમજવું પડશે કે રમત એ માત્ર મનોરંજન છે, રાષ્ટ્રવાદ નહીં.
હવે સમય પાકિસ્તાન સામેના મેદાનમાં બેટ પકડવાનો નહીં, પણ તેમને વૈશ્વિક સ્તરે અલગ-થલગ કરવાનો છે. જો બાંગ્લાદેશ રાષ્ટ્રીય ગૌરવ માટે વર્લ્ડકપ ઠુકરાવી શકતું હોય, તો ભારતે પણ હવે રાષ્ટ્રપ્રથમની નીતિ અપનાવીને પાકિસ્તાન સાથેના તમામ ક્રિકેટ સંબંધો પર કાયમી પૂર્ણવિરામ મૂકવું જોઈએ.ભારત વટથી કહી શકે કે ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન રમશે તો ભારતીય ટીમ નહિ રમે..મુજરાબાજો પાસે આવા વલણની અપેક્ષા પણ રાખી શકાય તેમ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
