<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

તાકાત પ્રદર્શનઃ જન ગણ મન..

વિશ્વ તો ભારતથી દંગ છે જ, પણ દેશમાં રહેલી નકારાત્‍મક તાકાતોનો રાજકીય લાભ- હાનીના વિચાર કર્યા વગર સફાયો જરૂરી

ભારતના ગણતંત્ર પર્વની ઉજવણી  સંપન્ન થઈ. કર્તવ્‍ય પથ પર દેખાયેલી ભારતની સૈન્‍ય શક્‍તિ અને સાંસ્‍કળતિક વિરાસત જોઈને  આખી દુનિયા ભારતથી અંજાઈ ગઈ છે. અમેરિકાના ડોનાલ્‍ડ ટ્રમ્‍પથી માંડીને પાકિસ્‍તાનના શરીફ સુધી, દરેક દેશ ભારતની આ મહાસત્તા તરફની આગેકૂચને ગંભીરતાથી નોંધવા મજબૂર બન્‍યા છે. ભારતનું આ આત્‍મવિશ્વાસભર્યું પ્રદર્શન વિશ્વના નકશા પર આપણું કદ અનેકગણું વધારી ચૂકયું છે. વિશ્વ સ્‍તરે ભારતની ધાક જામી છે તે નિર્વિવાદ સત્‍ય છે.

બાહ્ય જગત જ્‍યારે ભારતની વાહ-વાહી કરી રહ્યું છે, ત્‍યારે આપણે આત્‍મમંથન કરવાની જરૂર છે. રાષ્‍ટ્રની અખંડિતતા સામે જે પડકારો છે તે માત્ર સરહદ પારથી જ નથી, દેશની અંદર પણ છે. ભારતની શાંતિ અને પ્રગતિને રોકવા મથતી આંતરિક શંકાસ્‍પદ તાકાતો સામે હવે ‘નિર્ણાયક'કામ કરવું પડે તેમ છે. બાહ્ય દુશ્‍મનો દેખાય છે, પણ આંતરિક શત્રુઓ અદ્રશ્‍ય રહીને રાષ્‍ટ્રના પાયાને નબળા પાડે છે. આ માટે હવે મોટા આંતરિક ઓપરેશન્‍સ હાથ ધરવા અનિવાર્ય બન્‍યા છે.

આ લડાઈમાં સૌથી મોટો અવરોધ રાજકીય ગણિતનો આવે છે. રાષ્‍ટ્રીય સુરક્ષાના મામલે ઘણીવાર રાજકીય લાભ કે નુકસાનના વિચાર કરવામાં આવે છે.  રાજકીય જોખમ ઉઠાવીને પણ દેશમાં છુપાયેલા દેશવિરોધી તત્‍વોનો સફાયો કરવો જ પડશે. વોટબેંકની ચિંતા કર્યા વગર જ્‍યારે કડક પગલાં લેવાશે, ત્‍યારે જ ભારત સાચા અર્થમાં સાર્વભૌમ બનશે.

શંકાસ્‍પદ તાકાતો સામેની આ કાર્યવાહી કોઈ વિલંબ વગર થવી જોઈએ. જે રીતે ભારતે આંતરરાષ્‍ટ્રીય મંચ પર પોતાની તાકાત બતાવી છે, તેવી જ મજબૂતી આંતરિક સફાઈમાં પણ દેખાવી જોઈએ. અરાજકતા ફેલાવનારા જૂથો અને વિદેશી તાકાતોના ઈશારે નાચતા ‘સ્‍લીપર સેલ્‍સ' પર કડક પ્રહાર કરવો એ આજના સમયની સૌથી મોટી માંગ છે. જો આપણે અંદરથી શુદ્ધ અને મજબૂત થઈશું, તો જ બાહ્ય પ્રદર્શનની ચમક કાયમ રહેશે.

આજનું ભારત બદલાયેલું ભારત છે. વિશ્વ જ્‍યારે આપણો પ્રભાવ ઝીલી રહ્યું છે, ત્‍યારે આપણે આપણા ઘરને સુરક્ષિત રાખવું પડશે. આંતરિક ઓપરેશન્‍સ નિર્ણાયક કરીને ગંદકી સાફ કરવાનો આ યોગ્‍ય સમય છે. રાષ્‍ટ્રહિત માટે લેવાયેલા કઠોર નિર્ણયો જ આવતીકાલના ભારતને વિશ્વગુરૂ બનાવશે. 

(11:58 AM IST)