News of Saturday, 31st January 2026
નીચેથી ઉપર સુધી ખખડાવોત્સવ!
મુખ્યમંત્રીએ મહાપાલિકા કમિશનરોને ખખડાવ્યા, કમિશનરોએ અધિકારીઓને ખખડાવ્યાઃ ગુજરાતમાં મસ્ત નઝારો...
સમાચાર આવ્યા કે મુખ્યમંત્રીએ મહાપાલિકા કમિશનરોને ગાંધીનગર બોલાવીને ખખડાવ્યા. બીજા દિવસે રાજકોટના મીડિયામાં સમાચાર આવ્યા કે મહાપાલિકા કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા..ગુજરાતની વર્તમાન વહીવટી સ્થિતિ એક અજીબ સરકસ જેવી બની ગઈ છે. શાસન અને પ્રશાસન વચ્ચેના તાલમેલના અભાવે આજે ‘ખખડાવોત્સવ'ની સંસ્કળતિ જન્મી છે.
મુખ્યમંત્રી જ્યારે મહાપાલિકા કમિશનરોને ખખડાવે છે, ત્યારે કમિશનરો પોતાની ચામડી બચાવવા નીચેના અધિકારીઓને ખખડાવવાનું શરૂ કરે છે. ખાસ કરીને રાજકોટના કમિશનરે અધિકારીઓને દોડતા તો કર્યા છે, પણ આ દોડધામ માત્ર દેખાડો છે કે ખરેખરૂ કામ, એ મોટો સવાલ છે. અધિકારીઓ દોડતા રહેશે, પણ કામ પૂરૂ થવાની કોઈ ગેરન્ટી નથી. વર્ષોથી જનતા પાયાની સુવિધાઓ માટે ટળવળી રહી હતી, તંત્ર ઘોર નિદ્રામાં હતું. હવે જ્યારે રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે, ત્યારે અચાનક સરકારની ઉંઘ ઉડી છે. આ જાગળતિ જનસેવા માટે નહીં, પણ માત્ર સત્તા ટકાવી રાખવા માટેનો એક રાજકીય પેંતરો હોય તેવું સ્પષ્ટ જણાય છે.
રાજ્યમાં સામાન્ય નાગરિકની પ્રાથમિક સુવિધાઓથી લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત દયનીય છે. રસ્તાઓ પર ખાડા અને ગંદકી તો ઠીક, પણ હવે સલામતી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે નશાનો કારોબાર અને ડ્રગ્સનું દૂષણ ફૂલ્યું-ફાલ્યુ છે. ગુનેગારો બેખૌફ બન્યા છે. કોઈ પણ સમસ્યા માટે સત્તાધીશો એકબીજા પર દોષારોપણ કરવામાં અને જવાબદારી પાસ કરવામાં વ્યસ્ત છે. આયોજનના કોઈ ઠેકાણા નથી અને નીતિ-નિયમો માત્ર કાગળ પર જ શોભે છે. જ્યારે નેતાગીરીમાં ત્રેવડ અને મક્કમતાનો અભાવ હોય, ત્યારે વહીવટી તંત્ર પણ લાપરવા અને ભ્રષ્ટ બની જાય છે.
ગુજરાત ત્રેવડ વગરની નેતાગીરીના ચકરડામાં એવું ફસાઈ ગયું છે, વિકાસના મોટા હોબાળા વચ્ચે સામાન્ય માણસ કચડાઈ રહ્યો છે. ઉપરથી આવતો ઠપકો નીચે સુધી પહોંચતા પહોંચતા માત્ર એક ઔપચારિક નાટક બની જાય છે. વાસ્તવિક કામગીરી જમીન પર શૂન્ય છે અને ફાઈલો જવાબદારીમાંથી છટકવા માટે એક ટેબલથી બીજા ટેબલ પર ફર્યા કરે છે. લોકશાહીમાં જ્યારે જનતાના પાયાના પ્રશ્નો ગૌણ બની જાય અને માત્ર ચૂંટણીલક્ષી ગતકડાં મુખ્ય બને, ત્યારે સમજવું કે આખું માળખું સડવા લાગ્યું છે. આ ‘ખખડાવોત્સવ' એ વાતની જીવતી સાબિતી છે કે ગુજરાતમાં શાસન વ્યવસ્થા લથડી પડી છે અને જનતા હવે આ આખો તમાશો લાચારીથી જોઈ રહી છે.
લોકોએ લાચાર બનવાની જરૂર નથી. ચૂંટણી આવે છે. દમ વગરની નેતાગીરીને મતરૂપી તમાચો ઝીંકવાની તક છે. નાત-જાત-ધર્મ કે પક્ષ જોઈને મત ન આપતા. નેતાના કામ,ત્રેવડ,વળત્તિ જોઈને મત આપો તો ગુજરાતમાંથી રાજકીય કચરો સાફ થાય.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
