<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

શિવ નિલકંઠ, જીવ નિલ-હોજરી!

શિવજીએ ઝેર ગટગટાવ્‍યું, ભકતો શાસકના પાપે ઝેરીલી સામગ્રી ઝાપટે છે

              ાા ૐ નમઃ શિવાય ાા    

     મહાશિવરાત્રી નજીક છે . ‘હર હર મહાદેવ'ના નાદ સાથે શિવાલયોમાં દૂધની નદીઓ વહેશે. શિવજીએ તો બ્રહ્માંડના હિતમાં સમુદ્ર મંથનનું હળાહળ ઝેર પીધું અને ‘નીલકંઠ' કહેવાયા, પણ આજનો જીવ ‘નીલ-હોજરી' બની ગયો છે. શિવજીએ સ્‍વેચ્‍છાએ ઝેર પીધું હતું, જ્‍યારે આજનો ભક્‍ત શાસકોની રહેમનજર હેઠળ બજારમાં વેચાતી ભેળસેળયુક્‍ત ઝેરીલી ખાદ્ય સામગ્રી મજબૂરીમાં ઝાપટી રહ્યો છે. શિવ-જીવની આ વિચિત્રતા  છે.

આપણા સમાજમાં શિવજીના નામે સૌથી મોટું ધતિંગ ‘નશા'ને લઈને ચાલે છે. ગાંજો, ભાંગ કે ધતૂરો ચડાવવાના બહાને વ્‍યસનને ધર્મનું પ્રમાણપત્ર આપી દેવાય છે. શિવજી ભોળાનાથ છે, પણ મૂર્ખ નથી કે તે પોતાના ભક્‍તોને ફેફસાં કે લિવર સડાવવાની સલાહ આપે! ધર્મના નામે ચાલતા આ પાખંડે આધ્‍યાત્‍મિકતાને નશાના ઓઠા હેઠળ દબાવી દીધી છે. શિવજીએ ઝેરને કંઠમાં રોકયું હતું, તેને આચરણમાં ઉતારીને નશાખોર બનવાની વાત કયાંય નથી.

 બીજી બાજુ, શિવજીને જે દૂધ, મધ અને ઘી અત્‍યંત શ્રદ્ધાથી અર્પણ કરીએ છીએ, તેની શુદ્ધતાની ગેરન્‍ટી કોણ આપશે? દૂધમાં કેમિકલ, મધમાં ખાંડની ચાસણી અને મસાલામાં લાકડાનો વહેર - આ બધું શાસન વ્‍યવસ્‍થાની નિષ્‍ફળતાનું પરિણામ છે. ફૂડ ઇન્‍સ્‍પેક્‍ટરો અને તંત્રના અધિકારીઓ હપ્‍તાખોરીમાં મસ્‍ત છે, જ્‍યારે સામાન્‍ય ભક્‍ત શ્રદ્ધાના નામે ઝેર ખરીદી રહ્યો છે. આ અશુદ્ધિ માટે જવાબદાર એ નફાખોર વેપારીઓ છે જેમના માટે ધર્મ માત્ર ધંધો છે.

હવે સમય આવી ગયો છે કે ભક્‍તોએ માત્ર શિવજીની પૂજા કરીને સંતોષ ન માનવો જોઈએ. જે તત્‍વો શિવજીના પ્રસાદ અને પૂજા સામગ્રીમાં ઝેર ભેળવે છે, તેમની સામે ‘વૈચારિક તાંડવ' કરવું અનિવાર્ય છે. શાસકોના પાપે વહેતું આ ભેળસેળનું ઝેર અટકાવવા માટે જાગળત  થવું પડશે. શિવજીને જળાભિષેક કરવાની સાથે સમાજમાં વ્‍યાપેલી આ ઝેરીલી માનસિકતા અને ભ્રષ્ટ તંત્રને નાથવું એ જ સાચી શિવભક્‍તિ ગણાશે, અન્‍યથા આપણે માત્ર પથ્‍થર પર દૂધ રેડીને સંતોષ માનતા રહીશું અને આપણી પેઢીઓ આ ઝેરનો શિકાર બનતી રહેશે.

મહાશિવરાત્રી શિવ અને જીવના સંગમનો ઉત્‍સવ છે. આ પર્વને નશામાં કે ઘોંઘાટ,મનોરંજનમાં ખપાવીને તેની વેલ્‍યુ ઓછી ન કરો. નકરી ધાર્મિક્‍તાને બદલે મહાશિવરાત્રીએ આધ્‍યાત્‍મિક્‍તાનો ઉઘાડ થવો જોઇએ. મહાદેવની ભક્‍તિ અતિ સામાન્‍ય નહિ,અસામાન્‍ય છે.તેની ગહનતાને સમજવી પડશે.

(11:33 AM IST)