<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

વિકાસની કવોન્‍ટીટી નહીં, કવોલિટી જરૂરી

ગુજરાત બજેટઃ વિકાસ બન્‍યો સમસ્‍યારૂપઃ નિર્માણો સાથે સુખાકારી વધવી જોઇએઃ સમૃધ્‍ધિ સાથે ગુજરાતમાં હાડમારીનો વિકાસઃ કયાક કંઇક ચુકાઇ રહ્યું છે

 

  ગુજરાત સરકાર બજેટ રજૂ કરી રહી છે. બજેટના પૂર્ણ અભ્‍યાસ વગર પ્રતિક્રિયા આપવી યોગ્‍ય ન ગણાય. જો કે બજેટના તટસ્‍થ અભ્‍યાસુઓ ગાયબ થઇ ગયા છે. ગમે તેવું બજેટ હોય, વિપક્ષને બકવાસ જ લાગે. સરકારના સમર્થકોને સો ટચના સોના જેવું જ બજેટ દેખાય. મીડિયા અને સમીક્ષકો પણ અભ્‍યાસુ અને તટસ્‍થ રહ્યા નથી.

 ગુજરાત સરકાર દર વર્ષે ભવ્‍ય અને વિકાસલક્ષી બજેટ રજૂ કરે છે. કાગળ પર યોજનાઓ આકર્ષક લાગે છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે. રાજ્‍યમાં છેલ્લા કેટલાક દાયકાઓથી માત્ર ‘વિકાસ' ના આંકડાઓની માયાજાળ ગૂંથવામાં આવી રહી છે. આજે પ્રશ્‍ન એ નથી કે વિકાસ થયો છે કે નહીં, પ્રશ્‍ન એ છે કે આ વિકાસ કોના ભોગે અને કેવી ગુણવત્તાનો થયો છે?  હવે સમય પાકી ગયો છે કે આપણે વિકાસની માત્રા નહીં, પણ તેની ગુણવત્તા પર ભાર મૂકીએ.

બજેટમાં હજારો કરોડની ફાળવણી કરવામાં આવે છે, નવી યોજનાઓ જાહેર થાય છે, પણ અમલીકરણની ‘વળત્તિ'માં મોટી ખામી છે. સરકારી તંત્ર માત્ર ટાર્ગેટ પૂરા કરવામાં અને નિર્માણકાર્યોના મોટા બોર્ડ મારવામાં વ્‍યસ્‍ત છે. પરિણામે, જે પ્રોજેક્‍ટ લોકોની સુવિધા માટે બનવા જોઈએ, તે જ આજે લોકો માટે માથાનો દુખાવો બની ગયા છે. આયોજન વગરના ખોદકામ, નબળી ગુણવત્તાના રસ્‍તા અને ભ્રષ્ટાચારની ગંધ મારતા ફ્‌લાયઓવર એ સાબિત કરે છે કે દિશા યોગ્‍ય નથી.

એક તરફ ગુજરાતને સમળદ્ધ અને વિકસિત રાજ્‍ય ગણાવવામાં આવે છે, તો બીજી તરફ સામાન્‍ય નાગરિક પાયાની જરૂરિયાતો માટે ત્રાહીમામ પોકારી રહ્યો છે. મોંઘું શિક્ષણ, કથળતી આરોગ્‍ય સેવાઓ અને પ્રદૂષિત પર્યાવરણ વચ્‍ચે જીવતો માનવી કઈ રીતે સમળધ્‍ધ ગણાય? જો વિકાસના નામે લોકોની હાડમારી વધતી હોય, તો તે વિકાસને ‘વિનાશ' તરફની ગતિ કહેવી અતિશયોક્‍તિ નથી. લોકોની સુખાકારીને ગૌણ ગણીને માત્ર પથ્‍થરો અને સિમેન્‍ટમાં રોકાણ કરવું એ લાંબે ગાળે ઘાતક સાબિત થશે.

વિકાસલક્ષી બજેટ ત્‍યારે જ સાર્થક કહેવાય જ્‍યારે તે નાગરિકના ચહેરા પર સ્‍મિત લાવી શકે. સરકારની દોડ અત્‍યારે માત્ર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ છે, પણ લોકોની માનસિક અને શારીરિક સુખાકારી  કયાંય દેખાતી નથી. થોડો વિકાસ ઓછો થશે તો ચાલશે, પણ જે કંઈ પણ થાય તેમાં ગુણવત્તા અને લોકોની સુવિધાની ગેરન્‍ટી હોવી જોઈએ.

ગુજરાતને અત્‍યારે માત્ર ‘મોટા' પ્રોજેક્‍ટ્‍સની નહીં, પણ ‘સારા' આયોજનની જરૂર છે. જો શાસકો પોતાની વળત્તિમાં સુધારો કરીને લોકોની સુખાકારીને કેન્‍દ્રમાં રાખશે, તો જ આ બજેટ સાચા અર્થમાં સાર્થક ગણાશે. દોડવાની ગતિ ગમે તેટલી તેજ હોય, પણ જો દિશા ખોટી હશે તો આપણે કયારેય લક્ષ્ય સુધી પહોંચી શકીશું નહીં.

(11:40 AM IST)