<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

મતના મેદાનમાં બજેટબોમ્‍બ

મતનો પ્રભાવઃક્રાંતિનો અભાવઃ રાજકીય લાભનો સ્‍વભાવઃ આર્થિક સમસ્‍યાઓ પ્રત્‍યે દુર્ભાવઃ યોજનાઓમાં ભેદભાવ

ગુજરાત સરકારનું તાજેતરનું બજેટ વિકાસ અને રાજનીતિના અનોખા સંગમ સમાન છે. આ બજેટમાં જનતા સમક્ષ આશા અને આશંકા બંને પીરસવામાં આવી છે. આગામી ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને રજૂ કરાયેલું આ આયોજન મતના મેદાનમાં મોટો ‘બજેટબોમ્‍બ'સાબિત થઈ શકે છે. બજેટના પચાસ ટકા પાસા પ્રશંસનીય છે, જ્‍યારે બાકીના પચાસ ટકા ગંભીર સવાલો ઊભા કરે છે. સરકારનો આર્થિક અભિગમ લોકશાહીમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

બજેટમાં શિક્ષણ, આરોગ્‍ય અને માળખાગત સુવિધાઓ માટે કરવામાં આવેલી માતબર ફાળવણી ખરેખર આવકારદાયક છે. ખેડૂતો અને મહિલાઓ માટે નવી સહાય યોજનાઓની જાહેરાત કરીને સરકારે સંવેદનશીલતા દર્શાવી છે. રાજ્‍યના અર્થતંત્રને વેગ આપવા માટે ટેકનોલોજી અને ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવાના પગલાં ભવિષ્‍ય માટે પ્રશંસનીય છે. છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર આ બજેટમાં સ્‍પષ્ટપણે વર્તાય છે. નવી શાળાઓ અને અત્‍યાધુનિક હોસ્‍પિટલોના નિર્માણ માટેનું બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે એક આશાસ્‍પદ ચિત્ર રજૂ કરે છે. ડિજિટલ ગુજરાત તરફના કદમ પણ પ્રશંસાને પાત્ર છે.

આ બજેટમાં ‘ક્રાંતિ' કરતા મતનો ‘ભાવ' વધુ જોવા મળે છે. ચૂંટણીઓ નજીક હોવાથી લોકપ્રિય જાહેરાતોનો મારો ચલાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ થયો છે. જે મૂળભૂત આર્થિક સમસ્‍યાઓ છે, તેના પ્રત્‍યે જાણે દુર્ભાવ રાખવામાં આવ્‍યો હોય તેવું લાગે છે. મોંઘવારી અને બેરોજગારી જેવા સળગતા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે કોઈ મજબૂત રોડમેપ  દેખાતો નથી.

આર્થિક નીતિઓમાં જે મૌલિક અને ક્રાંતિકારી પરિવર્તનની જરૂર હતી, તેનો અહીં સ્‍પષ્ટ અભાવ વર્તાય છે. માત્ર ટૂંકા ગાળાના લાભો આપીને લાંબા ગાળાની સમસ્‍યાઓને નજરઅંદાજ કરવામાં આવી છે.

બજેટના ઊંડા વિશ્‍લેષણથી જણાય છે કે કેટલીક યોજનાઓમાં ભૌગોલિક કે સામાજિક રીતે ભેદભાવની ગંધ આવે છે. રાજકીય લાભ મેળવવાના સ્‍વભાવને કારણે અમુક ચોક્કસ વિસ્‍તારો કે વર્ગોને વધ ુ પ્રાધાન્‍ય આપીને અન્‍યને અન્‍યાય કરવામાં આવ્‍યો હોવાનું ઉડીને આંખે વળગે છે. આર્થિક રીતે પછાત વર્ગોની સ્‍થિતિ સુધારવા માટે લાંબા ગાળાના આયોજનને બદલે માત્ર ચૂંટણીલક્ષી રાહતો પર જ ભાર મુકાયો છે. આ બજેટમાં સમાન વિકાસની વિભાવના કયાંક ખોવાઈ ગઈ હોય તેવું પ્રતીત થાય છે.

આ બજેટ વિકાસની વાતો અને ચૂંટણીલક્ષી ગણતરીઓનું મિશ્રણ છે. જો સરકાર આર્થિક સમસ્‍યાઓ પ્રત્‍યે વધુ ગંભીર બનીને ભેદભાવ રહિત અમલીકરણ કરશે, તો જ સાચા અર્થમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે. હાલ તો આ આયોજન માત્ર રાજકીય લાભ ખાટવા માટે ફેંકાયેલા બજેટબોમ્‍બ જેવું જ જણાય છે. જેમાં જનતાના સાચા પ્રશ્નો ગૌણ બની ગયા છે.

 

(12:06 PM IST)