News of Monday, 23rd February 2026
જમીન માફિયાનો પણ કડુસલો કરો
જંગલેશ્વરના મૂળ વિલનો અંગે તપાસ કરીને તેની સામે કાર્યવાહી કરોઃ જમીન પર ગેરકાયદે બાંધકામો કરીને ખેલ નાખ્યા હતા?: આવા તત્વો ઉઘાડા પડવા જરૂરી
રાજકોટના જંગલેશ્વરમાં બુલડોઝરની ગર્જનાએ વર્ષો જૂના ગેરકાયદે સામ્રાજ્યને હચમચાવી દીધું છે. તંત્રએ ૧૪૯૨ જેટલા દબાણો તોડી પાડવાની હિંમત બતાવી તે આવકાર્ય છે. માત્ર ગરીબોના આશિયાના તોડવાથી ન્યાય પૂરો થતો નથી. આ પાપના પાયા નાખનારા અસલી જમીન માફિયાઓ સામે કયારે ‘તાંડવ'થશે? આ ઐતિહાસિક ડિમોલિશન બાદ હવે સમય આવી ગયો છે કે આ ખેલ પાછળના માસ્ટરમાઈન્ડનો કડુસલો કરવામાં આવે.
જંગલેશ્વરની સરકારી જમીનો પર કબજો કરીને કોણે પ્લોટિંગ કર્યા? ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લલચાવીને સરકારી જમીન વેચી મારનાર કે ભાડે આપનાર મૂળ વિલનો કોણ છે? આ પ્રશ્નોના જવાબ શોધવા અનિવાર્ય છે. જે માફિયાઓએ સરકારી મિલકતને પોતાની જાગીર સમજીને કરોડોના ખેલ નાખ્યા, તે હજુ પણ પડદા પાછળ સુરક્ષિત હશે. આવા તત્વો વિવાદનું અસલી મૂળ છે. જેસીબી માત્ર દિવાલો પર જ નહીં, પણ આવા માફિયાઓના આર્થિક સામ્રાજ્ય પર પણ ચાલવું જોઈએ.
સવાલ એ છે કે તંત્ર માત્ર બાંધકામ તોડીને સંતોષ કેમ માની લે છે? મૂળ માફિયા સુધી પહોંચવામાં તંત્રને કઈ નડતર છે? આક્રમકતા માત્ર મકાનો તોડવામાં જ નહીં, પણ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં પણ દેખાવી જોઈએ. લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ આ વિલનોની તપાસ કરીને તેમની મિલકતો જપ્ત થવી જોઈએ. જો આ મૂળિયાં નહીં ઉખેડાય, તો આ જ માફિયાઓ કાલે શહેરના બીજા કોઈ વિસ્તારમાં નવું દબાણ ઊભું કરશે.
તપાસના આદેશો અને આકરી કાર્યવાહી જરૂરી છે. રાજકોટના અન્ય વિસ્તારોમાં પણ આવા જમીન માફિયાઓ સક્રિય છે. તંત્રએ માત્ર જંગલેશ્વર પૂરતું મર્યાદિત ન રહીને આખા શહેરમાં ફેલાયેલા આ નેટવર્કની તપાસ કરવી જોઈએ. ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપીને આવા તત્વોને જાહેર જનતા વચ્ચે ઉઘાડા પાડવા જરૂરી છે. તંત્રની કસોટી હવે એ છે કે તેઓ માત્ર સપાટી પરની સફાઈ કરે છે કે અંદર રહેલા કેન્સર સમાન માફિયાઓને નાબૂદ કરે છે.જો મૂળ વિલનો સામે કાર્યવાહી નહીં થાય, તો આ અભિયાન અધૂરૂ ગણાશે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
