રમૂજી, હાસ્યાસ્પદ જંગલેશ્વરકાંડ
દીવાલોને શહીદ કરી, ગુન્હાખોરી માત્ર સ્થળાંતર થઇઃ ગુન્હાખોરોને ઝડપવામાં કોની શરમ નડે છે?: મીડિયા પણ...
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્રએ ૧૫૦૦ જેટલાં બાંધકામો પર બુલડોઝર ફેરવીને જે ‘ઐતિહાસિક' ગૌરવ લીધું છે, તે વાસ્તવમાં તંત્રની વર્ષો જૂની નિષ્ફળતાનું વરવું પ્રદર્શન છે. આટલા વર્ષ તાંડવ ચાલતું હતું તે ગૌરવ ગણાય? જાહેર થયેલા આંકડા મુજબ ૯૭ ઓરડીઓ તો રીઢા હિસ્ટ્રીશીટરોએ ચણી હતી. પ્રશ્ન એ થાય છે કે, જ્યારે આ ગુનેગારો તંત્રના નાક નીચે ઈંટ પર ઈંટ મૂકીને પોતાનું સામ્રાજ્ય ખડકતા હતા, ત્યારે જવાબદાર અધિકારીઓ નિદ્રામાં હતા? આટલા વર્ષો સુધી આટલું મોટું દબાણ ફૂલ્યું-ફાલ્યું, તે શરમની બાબત છે કે ગૌરવની?
તંત્ર આજે મોટી-મોટી વાતો કરે છે કે ગુનેગારોની મિલકતો સાફ કરી નાખી, પણ શું માત્ર સિમેન્ટ-કોંક્રીટના બાંધકામ તોડવાથી ગુનાખોરી અટકી જશે? ગુનાખોરી પથ્થરોમાં નહીં, પણ ગુનેગારોના મનમાં વસે છે. તંત્ર પોતે સ્વીકારે છે કે આ હિસ્ટ્રીશીટરોનું વર્ચસ્વ હતું, તો પછી આટલા સમય સુધી આ તત્વોને પકડવામાં કેમ ન આવ્યા? હજુ પણ શા માટે પકડતા નથી? પોલીસ તંત્ર માત્ર નિર્જીવ દીવાલો સામે બહાદુરી બતાવે છે. પણ જીવતા-જાગતા ગુનેગારોને પકડવામાં નબળું પડે છે.
સમાચારો મુજબ જંગલેશ્વરમાં દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જો ખરેખર નક્કર કામગીરી કરવી હોય, તો આ અસામાજિક તત્વો અને તેમની પાસેથી ‘હપ્તા' ખાનારા મળતિયાઓને જેલમાં ધકેલવા જોઈએ. માત્ર ઓરડીઓ તોડીને સંતોષ માનવો એ અધૂરી અને હાસ્યાસ્પદ કાર્યવાહી છે. જંગલેશ્વર તો સાફ થયું, પણ આ ગુનેગારો હવે શહેરના અન્ય વિસ્તારોમાં જઈને ‘નવું જંગલેશ્વર' સર્જશે તેની પૂરેપૂરી ભીતિ છે. ગુનાખોરીનો સફાયો કરવાને બદલે તંત્રએ માત્ર તેનું સ્થળાંતર કર્યું હોય તેવું દેખાય છે.
દુર્ભાગ્ય તો એ વાતનું છે કે, આ આખી ઘટનામાં મીડિયા પણ માત્ર પ્રસિદ્ધિનો હિસ્સો બનીને રહી ગયું છે. તંત્રના મુજરા કરવામાં વ્યસ્ત મીડિયા શા માટે એવા આકરા સવાલો નથી ઉઠાવતું? પાપને આટલા વર્ષો સુધી પોષનારા અધિકારીઓ કોણ હતા? જો હપ્તાખોરો અને અસલી સૂત્રધારોને પકડીને જેલમાં નહીં નાખવામાં આવે, તો આ આખી કાર્યવાહી માત્ર એક ‘ફોટો-ઈવેન્ટ' બનીને રહી જશે. નક્કર તપાસ અને ધરપકડ વિનાની આ કામગીરી સદંતર રમૂજી, હાસ્યાસ્પદ અને તર્કવિહીન છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
