<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

પ્રચંડ વિજયઃ વર્લ્‍ડ ચેમ્‍પીયન...

ક્રિકેટરોએ સપાટો બોલાવી દીધોઃ ઉત્‍સવી માહોલ સર્જાયોઃ પાકિસ્‍તાન કો મિરચી લગી તો મે કયા કરૂ...

  ટી-૨૦ વર્લ્‍ડ કપના ફાઈનલમાં  ભારતનો વિજય એ કોઈ સંઘર્ષની ગાથા નથી, પણ  સંપૂર્ણ પ્રભુત્‍વનું પ્રદર્શન હતું. મેચના પ્રથમ બોલથી જ ભારતીય ટીમે જે આક્રમક રણનીતિ અપનાવી, તેનાથી વિરોધી ટીમ મેદાન પર માત્ર હાજરી પૂરાવતી હોય તેમ લાગતું  હતું. મેચ  કયારેય ભારતની પકડમાંથી સરકી નથી કે કોઈ કટોકટી સર્જાઈ નથી. ભારતીય ખેલાડીઓએ મેદાનના દરેક ખૂણે  પોતાની ક્ષમતા એવી રીતે પ્રદર્શિત કરી કે સામે પક્ષે રમત જીતવાની કોઈ તક જ બચી નહોતી.

આ પ્રચંડ વિજયમાં ભારતીય ખેલાડીઓએ મેદાન ગજવી મૂકયું હતું. જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગે વિરોધી બેટ્‍સમેનોના મનોબળ તોડી નાખ્‍યા હતા.

તેની યોર્કર સામે કોઈ પાસે જવાબ નહોતો. બીજી તરફ હાર્દિક પંડ્‍યાની કાબર ચિતરી બોડી લેંગ્‍વેજ મનોરંજક હતી.ભારતીય બેટ્‍સમેનના સપાટાએ વિરોધીઓના મગજ ચકરાવે ચઢાવ્‍યા હતા. ખેલાડીઓએ સાબિત કર્યું કે વિશ્વ કક્ષાના દબાણ વચ્‍ચે કેવી રીતે સપાટો બોલાવી શકાય છે.

ભારતની આ ભવ્‍ય સફળતા બાદ દેશભરમાં જાણે ફરી એકવાર દિપાવલીનો પર્વ શરૂ થયો હોય તેવા દ્રશ્‍યો સર્જાયા હતા. કરોડો  ભારતીયોના હૈયામાં વિજયનો જે ઉમંગ હતો તે અકલ્‍પનીય  હતો. લોકોએ રસ્‍તા પર ઉતરીને ફટાકડા ફોડ્‍યા અને વિજય ઉત્‍સવ મનાવ્‍યો. આ જીત માત્ર એક  ટ્રોફી નથી, પણ ભારતનું વિશ્વ ક્રિકેટમાં વધતું કદ દર્શાવે છે. જ્‍યારે તમારી ટીમ આટલી મજબૂત હોય, ત્‍યારે જીતનો આનંદ પણ બમણો થઈ જાય છે.

જોકે, ભારતનો આ એકતરફી વિજય પાકિસ્‍તાન માટે પચાવવો અશકય હતો. જ્‍યારે ભારતીય ખેલાડીઓ મેદાન પર પરાક્રમ બતાવતા હતા, ત્‍યારે પાકિસ્‍તાની વિશ્‍લેષકોના સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સ  પર બળતરા સ્‍પષ્ટ દેખાતી હતી. ભારતની આવી શાનદાર જીત  જોઈને તેમના પેટમાં તેલ રેડાયું હોય તે  સ્‍વાભાવિક છે. એટલે જ આજે દરેક ભારતીય ગર્વથી કહી રહ્યો છે કે, ‘‘પાકિસ્‍તાન કો મિરચી લગી તો મેં કયા કરું!''જે ટીમ શ્રેષ્ઠ છે તે જ ચેમ્‍પીયન છે, બાકી તો માત્ર વાતો જ રહી જાય છે.

યાદ એ રાખવાનું છે કે ક્રિકેટ વિજય એ સંપૂર્ણ નથી. માત્ર કલાકોનો રોમાંચ છે. દરેક વ્‍યકિત પોતાના ક્ષેત્રમાં સંજુ કે બુમરાહ બની શકે છે. તેજસ્‍વિતા માત્ર ક્રિકેટમાં જ જરૂરી નથી, દરેક સ્‍તરે વિજયોત્‍સવ મનાવવાનો છે. દરેકે પોતાના ક્ષેત્રમાં મેન ઓફ ધ મેચ બનવા ઝઝૂમવું જોઈએ.

(10:47 AM IST)