News of Tuesday, 17th March 2026
પ્રચાર સંહિતા પણ અનિવાર્ય કરો
લોકશાહીનું પર્વ ચુંટણી લોકશાહીના કલંક જેવી બની ગઇઃ નેતાઓ-પક્ષો બેફામ બને તે અસહ્ય છેઃ પુરાવા વગરના આક્ષેપો, વિવાદો પર પૂર્ણ પ્રતિબંધ જરૂરી
રાજ્યસભાની ચૂંટણીમાં એન.ડી.એ. વધારે મજબૂત બનીને ઉભર્યું છે. કોંગ્રેસ ક્રોસ વોટિંગના કાઉકા નાખે છે, પણ પોતાના નેતાઓને કોંગ્રેસ સાચવી શકતી નથી એ હકીકત રાહુલની ટોળકી સ્વિકારતી નથી. હવે પાંચ રાજ્યોની ચૂંટણીનો ગરમાવો શરૂ થઈ ગયો છે. જો કે ચૂંટણી એટલે વાદ-વિવાદ-વિખવાદની છાપ અંકિત થઇ ગઈ છે તે દૂર થવી જોઈએ.
લોકશાહીમાં ચૂંટણી એ જનતાનો સૌથી મોટો ઉત્સવ છે. આ પર્વ દ્વારા નાગરિકો પોતાના પ્રતિનિધિ પસંદ કરે છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયા ગંભીર વળાંક પર છે. આજે ચૂંટણીઓ માત્ર વિકાસના મુદ્દાઓ પર નથી લડાતી. નેતાઓ અને રાજકીય પક્ષો પ્રચારમાં મર્યાદા ઓળંગી રહ્યા છે. આ પરિસ્થિતિ લોકશાહી માટે કલંક સમાન બની ગઈ છે.
આચાર સંહિતાની જેમ હવે ‘પ્રચાર સંહિતા' લાગુ કરવી અનિવાર્ય છે. હાલમાં આચાર સંહિતા માત્ર સરકારી સંસાધનો અને આર્થિક ગેરરીતિઓ પર નજર રાખે છે. પરંતુ પ્રચાર દરમિયાન જે વાણી વિલાસ થાય છે, તેના પર કોઈ મજબૂત લગામ નથી. નેતાઓ દ્વારા થતા વ્યક્તિગત આક્ષેપો અને વિવાદો લોકશાહીના સ્તરને નીચું લાવી રહ્યા છે. પ્રચારમાં ભાષાની શુદ્ધતા અને ગરિમા જળવાય તે સમયની માંગ છે.
ચૂંટણી એ વાદ-વિવાદ કે વિખવાદનો વિષય નથી. તે વૈચારિક આદાન-પ્રદાનનું માધ્યમ હોવું જોઈએ. કમનસીબે, આજે રેલીઓ અને ભાષણોમાં ઝેર ઓકવામાં આવે છે. પુરાવા વગરના આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આવા ખોટા આક્ષેપો અને વિવાદો પર પૂર્ણ પ્રતિબંધ મૂકવો જરૂરી છે. જો કોઈ નેતા પુરાવા વગર બોલે, તો તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ.
બેફામ બનતા નેતા અને નેતીઓ પર કાયદાકીય લગામ જરૂરી છે. રાજકીય પક્ષોએ પણ સમજવાની જરૂર છે કે સત્તા મેળવવા માટે ગમે તે સ્તરે જવું યોગ્ય નથી. સમાજમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહેવો જોઈએ. જ્યારે નેતાઓ બેફામ બને છે, ત્યારે તેની અસર સામાન્ય જનતા પર પડે છે. કાર્યકરો વચ્ચે ઘર્ષણ વધે છે અને સામાજિક માળખું જોખમાય છે.
જવાબદારી જનતાના શિરે પણ છે. લોકોએ રાજકીય બકવાસ અને ખોટા વિવાદોનો તીવ્ર વિરોધ કરવો જોઈએ. નાગરિકોએ નેતાઓને રિયલ મુદ્દાઓ પર ચર્ચા કરવા મજબૂર કરવા પડશે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા પ્રશ્નો પર રાજનીતિ થવી જોઈએ. જ્યારે જનતા જાગળત થશે, ત્યારે જ નેતાઓ મર્યાદામાં રહીને કામ કરશે. લોકશાહીને જીવંત રાખવા માટે સ્વસ્થ પ્રચાર પદ્ધતિ ખૂબ જ આવશ્યક છે. (૩.૨)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
