<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

યુધ્ધઃ અર્થતંત્ર સામે પડકાર

ઉર્જાની કટોકટી, રોજગારી ઘટી, મોંઘવારી વધીઃ અનિશ્ચિત માહોલ, મોદી સરકારની કસોટી

 વર્તમાન વૈશ્વિક સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. અન્ય દેશો વચ્ચે ખેલાતું યુદ્ધ હવે માત્ર સરહદો પૂરતું મર્યાદિત રહ્યું નથી. તેની તીવ્ર આડઅસરો ભારત સહિત વિવિધ દેશોના અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ યુદ્ધે  અર્થતંત્ર સામે અનેક મોટા પડકારો ઊભા કર્યા છે. ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે મોટી કટોકટી સર્જાઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા  પ્રિમિયમ  પેટ્રોલના ભાવમાં મોટો વધારો થયો છે. ઈંધણ મોંઘું થતા પરિવહન ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. ગેસની અછતને કારણે અનેક નાના-મોટા ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે. ઈંધણ અને કાચા માલના અભાવે ઘણી ફેકટરીઓમાં  રજા જાહેર કરવી પડી છે. ઉત્પાદન ઠપ્પ થવાને કારણે કામદારોની આવક બંધ થઈ ગઈ છે.

રોજગારી ઘટવાથી મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. એક તરફ આવક ઘટી રહી છે, તો બીજી તરફ મોંઘવારીએ મોં ફાડ્યું  છે. ખાદ્ય ચીજોથી માંડીને પાયાની જરૃરિયાતોના ભાવ આસમાને  પહોંચ્યા છે.  આ  અનિશ્ચિત   માહોલ  મોદી સરકાર માટે કસોટી સમાન છે.

 મોદી સરકાર ઉકેલ શોધવામાં અગ્રેસર છે.   વૈશ્વિક દબાણો વચ્ચે પણ ભારત પોતાનો પક્ષ મજબૂતીથી રાખી રહ્યું છે. જોકે, જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો દેશ માટે સ્થિતિ વધુ કપરી બની શકે છે. આર્થિક મોરચે લડવું એ સરકાર માટે સૌથી મોટો પડકાર છે. આ સંજોગોમાં પાંચ રાજ્યોની ચૂંટણી પણ શાસક પક્ષ માટે કઠીન સાબિત થઈ શકે છે. મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં પણ આગામી સમયમાં મહાપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જનતાની વધતી મુશ્કેલી  શાસકો માટે જોખમી બની શકે છે. રાજકીય દ્રષ્ટિએ વિપક્ષ માટે આ શ્રેષ્ઠ સમય ગણાય. જોકે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ તકનો કેટલો લાભ લઈ શકશે તે અંગે હજુ આશંકા છે. વિપક્ષની નબળી રણનીતિ શાસક પક્ષને રાહત આપી શકે છે. પરંતુ અંતે તો સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ જ આવનારી ચૂંટણીના પરિણામો નક્કી કરશે. દેશ અત્યારે આર્થિક અને રાજકીય એમ બંને મોરચે મંથન કરી રહ્યો છે. ભાજપ ચૂંટણીમાં ક્યા મુદ્દા લઇને ઉતરે છે, તે મહત્વનું બનશે. 

 

(10:25 AM IST)