News of Monday, 23rd March 2026
નગારે ઘા, પણ નગારૃ તોડી ન નાખતા!
ગુજરાતમાં રાહુલ ગાંધીનો નગારે ઘાઃ યુધ્ધનો માહોલ, ગુન્હોખોરી, લોકોની નારાજગી વિપક્ષ માટે અનુકુળ માહોલઃ રાહુલ ભાંગરા વાટશે તો પક્ષનું નગારૃ તૂટી જશેઃ તક મોટી છે, પણ
ગુજરાતમાં દાયકાઓ બાદ કોંગ્રેસ થોડી સ્ફૂર્તિમાં દેખાઇ રહી છે. સ્થાનિક ચૂંટણીઓ વખતે આ લક્ષણ પક્ષ માટે આશાસ્પદ ગણાય. આ સમયે આજે રાહુલ ગાંધીએ ગુજરાતમાં નગારે ઘા કરી દીધો છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ માટે અત્યારે જબ્બર મોકો છે, કારણ કે રાજ્યમાં શાસક ભાજપ સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આક્રમક બનીને ત્રાટકવાની આ સુવર્ણ તક છે, પરંતુ રાહુલ ગાંધીની જૂની આદતો અને ભાંગરા વાટવાની પરંપરા પક્ષને નડે છે. નગારે ઘા તો પડ્યો છે, પણ રાહુલ પોતાના પક્ષનું જ નગારું તોડે નહિ તેનો ખ્યાલ રાખવો પડશે.
ગુજરાતમાં અત્યારે સૌથી મોટો અને ભયાનક મુદ્દો વધી રહેલી ગુનાખોરી અને નશાનું તાંડવ છે. શાંત ગણાતા રાજ્યમાં દારૃ અને ડ્રગ્સનું નેટવર્ક જે રીતે ફેલાયું છે, તે જનતા માટે ચિંતાનો વિષય છે. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પણ જડબા ફાડીને અટ્ટહાસ્ય કરે છે. આ ઉપરાંત, વૈશ્વિક યુદ્ધોની અસરને કારણે અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. શાસક પક્ષ માટે આ મુદ્દાઓ અત્યંત ઘાતક સાબિત થઈ શકે તેમ છે, કારણ કે પ્રજામાં અજંપો અને આક્રોશ સ્પષ્ટ દેખાય છે.
ભાજપની ભરપૂર ખામીઓ હોવા છતાં, રાહુલ ગાંધી પોતાની રણનીતિમાં વારંવાર થાપ ખાઈ જાય છે. દરેક ચૂંટણી સમયે તેઓ કોઈને કોઈ એવું નિવેદન આપીને ભાંગરા વાટે છે કે જે પક્ષને હાસ્યાસ્પદ બનાવી દે છે.જ્ઞાતિના ગતકડાં લડાવવામાં કે વિચારધારાની લડાઈમાં તેઓ ઘણીવાર મગજ તડકે મૂકીને મોદીનો વિરોધ કરવા લાગે છે. આ પ્રકારનો અતાર્કિક વિરોધ જનતામાં નકારાત્મક છાપ ઊભી કરે છે. આક્રમકતા હોવી જોઈએ, પણ તે સમજદારી વગરની હોય તો પક્ષને ફાયદાને બદલે મોટું નુકસાન પહોંચાડે છે.
રાજ્યમાં અત્યારે નબળી સ્થાનિક નેતાગીરીને કારણે પ્રજાના પ્રશ્નોને યોગ્ય વાચા મળતી નથી. માવઠા જેવી કુદરતી આફતોમાં ખેડૂતો પરેશાન છે, છતાં વિપક્ષી આક્રમકતા ક્યાંક ખૂટે છે. જો રાહુલ ગાંધી પોતાની જૂની ભૂલોનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખશે, તો ભાજપની ખામીઓ છતાં કોંગ્રેસ તેને મતમાં ફેરવી શકશે નહીં. નગારે ઘા તો થયો છે, પણ જો નિશાન સચોટ નહીં હોય તો આ તક પણ એળે જશે.
ગુજરાતનું રાજકીય મેદાન પરિવર્તન માટે અનુકુળ છે. વધતી ગુનાખોરી અને આર્થિક પાયમાલી એ ભાજપની નબળી કડી છે. જો રાહુલે કરેલો નગારે ઘા ખરેખર પ્રભાવી બનાવવો હોય, તો તેમણે ભાંગરા વાટવાનું બંધ કરી જનતાના હૃદયમાં રહેલા આક્રોશને ગંભીરતાથી વાચા આપવી પડશે. માત્ર પ્રવાસ કરવાથી નહીં, પણ સચોટ અને ગંભીર રણનીતિથી જ મેદાન મારી શકાશે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
