<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

વિકલ્‍પ જરૂરી જ નહિં,અનિવાર્ય

સોૈરાષ્‍ટ્ર- ગુજરાતના વિરાટ-વિશેષ ગણાતા ઓૈદ્યોગિક ક્ષેત્રો ગેસ અછત જેવા કારણોસર બંધ રાખવા પડે તે તકલાદીપણુ ગણાય, ઉર્જાસોર્સમાં આત્‍મનિર્ભર બનવું પડશે

ગુજરાતનું ઉદ્યોગ જગત આજે વિશ્વના નકશા પર પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. મોરબીનું સિરામિક  હોય, રાજકોટનું એન્‍જિનિયરિંગ હોય કે જામનગરનું બ્રાસ અને રિફાઈનરી ક્ષેત્ર હોય, આ કેન્‍દ્રોએ ગુજરાતની અર્થવ્‍યવસ્‍થાને પ્રચંડ વેગ આપ્‍યો છે. પરંતુ, વર્તમાન સમયમાં આ મજબૂત ગણાતા ઉદ્યોગો એક ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને કુદરતી ગેસ અને ઊર્જાનાસ્ત્રોતો પરની નિર્ભરતાને કારણે અનેક એકમો ઠપ્‍પ થઈ ગયા છે. આ પરિસ્‍થિતિ એક કડવું સત્‍ય ઉજાગર કરે છે કે આપણો ઔદ્યોગિક બેઈઝ જેટલો મજબૂત  દેખાય છે, તેટલો જ અંદરથી તકલાદી સાબિત થઈ રહ્યો છે.

કોઈ પણ ઉદ્યોગનું અસ્‍તિત્‍વ અને વિકાસ અન્‍ય પરિબળો અથવા વિદેશીસ્ત્રોતોના હાથમાં હોય, ત્‍યારે તેને સાચી મજબૂતી ન કહી શકાય. ઇંધણના ભાવમાં વધારો કે પુરવઠામાં  વિક્ષેપ  પડતા જ જ્‍યારે ઉત્‍પાદન અટકી જાય,  તે આપણી લાચારી દર્શાવે છે. મોરબી અને રાજકોટ જેવા ઔદ્યોગિક હબમાં ગેસની અછતના કારણે હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ આવ્‍યું છે.  આ ઘટનાક્રમ  સાબિત કરે છે કે માત્ર ઉત્‍પાદન ક્ષમતા વધારવી પૂરતી નથી,  પરંતુ ઊર્જાનાસ્ત્રોતો બાબતે પણ સજ્જ થવું એટલું જ જરૂરી છે.

આ સંકટના સમયને આપણે એક મોટા અવસર તરીકે  જોવો  જોઈએ. અત્‍યાર સુધી આપણે પરંપરાગત ઊર્જાસ્ત્રોતો પર નિર્ભર રહ્યા  છીએ, પરંતુ હવે સમય આવી ગયો છે ક ે ઉદ્યોગપતિઓ અને સરકાર સાથે મળીને મજબૂત વિકલ્‍પો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે. સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઈડ્રોજન  જેવા વિકલ્‍પો આ દિશામાં ગેમ ચેન્‍જર સાબિત  થઈ શક ે છે. જો આપણે ઊર્જાની બાબતમાં સ્‍વનિર્ભર નહીં બનીએ, તો વૈશ્વિક સ્‍પર્ધામાં ટકી રહેવું મુશ્‍કેલ બનશે.

આત્‍મનિર્ભરતા હવે માત્ર સ્‍લોગન નથી, પણ ઉદ્યોગોના અસ્‍તિત્‍વ માટેની અનિવાર્યતા છે. ગુજરાતના સાહસિકોએ પોતાની કાર્યશૈલીમાં બદલાવ  લાવીને એવા મોડેલ વિકસાવવા પડશે જ્‍યાં બાહ્ય પરિબળોની અસર ન્‍યૂનતમ હોય.  ઉદ્યોગ જગતની સાચી મજબૂતી ત્‍યારે જ ગણાશે  જ્‍યારે તેની લગામ આપણા પોતાના હાથમાં હોય. આ સંકટમાંથી બોધપાઠ લઈને જો આપણે નવા વિકલ્‍પો અને ટેકનોલોજી તરફ વળીશું, તો જ ગુજરાતના ઉદ્યોગો વૈશ્વિક સ્‍તરે અજેય બની રહેશે. આ બદલાવ હવે જરૂરી નથી, પણ અનિવાર્ય છે.

આપણા વિશિષ્ટ ઔદ્યોગિક ક્ષેત્રોનું અસ્‍તિત્‍વ વિદેશી ઉર્જા સોર્સને આધારિત હોય એ આપણી લાચારી ગણાય. આ બાબતે ગંભીર અને નિર્ણાયક વિચાર કરવો જ પડે. ટેકનોલોજીનો યુગ છે, પરંપરાથી હટકે કંઇક વિશિષ્ટ કરવું શકય  છે. અન્‍ય બે દેશો વચ્‍ચે તનાવ સર્જાય અને આપણે ઉદ્યોગો બંધ રાખવા પડે એ તકલાદીપણુ આપણે દૂર કરવું જ પડશે. આ દિશામાં સકારાત્‍મક વિચારણા જરૂરી છે.

(11:20 AM IST)