તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
રાહુલ ગાંધીને ગુજરાતથી દૂર રાખો
કોંગ્રેસની સોૈથી કમજોર કડી રાહુલઃ તેમને ભાજપ-ભારતના તફાવતનો ખ્યાલ નથીઃ ગુજરાતમાં રાહુલના કારણે ભાજપને અનુકુળ માહોલ બને છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ નજીક છે. ગુજરાત કોંગ્રેસ અત્યારે અસ્તિત્વ ટકાવવા મથી રહી છે.રાજકોટ કોંગ્રેસે ભાજપની ‘પાપની યાદી' જાહેર કરી છે. આ અત્યંત સચોટ અને પાવરફૂલ ટ્રેક છે. રાજકોટ સહિતના શહેરોમાં વહીવટી નિષ્ફળતાઓ પ્રજાની નજરમાં છે. ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાઓ ભાજપને ઘેરી શકે તેમ છે.
જો કે કોંગ્રેસ માટે સૌથી મોટું જોખમ રાહુલ ગાંધી છે. કોંગ્રેસે રાહુલને ગુજરાતના પ્રચારથી દૂર રાખવા જોઈએ. રાહુલ ગાંધી મોટાભાગે ભાજપના વિરોધમાં ભારતની ગરિમાને નુકસાન પહોંચાડે છે. તેમને ભાજપ અને ભારત વચ્ચેના તફાવતની પાયાની ગતાગમ નથી. જ્યારે પણ તેઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉઠાવે છે, ત્યારે ભાજપને ફાયદો થાય છે.
ઇરાન યુદ્ધ કે વિદેશ નીતિ જેવા ગંભીર વિષયો પર તેઓ મોદી સરકારનો વિરોધ કરે છે. આવા સંવેદનશીલ મુદ્દે તર્ક વગરના આક્ષેપો કરવાથી કોંગ્રેસ હાસ્યાસ્પદ ઠરે છે. તાજેતરના ગુજરાતના પ્રવાસમાં રાહુલે નિવેદન આપ્યું હતું કે, ‘મોદીજી ટ્રમ્પ કહે તેમ કરે છે...' આવા નિવેદનોથી ચૂંટણીના મુદ્દાનો ટ્રેક ભાજપ માટે અનુકુળ બની જાય છે. રાષ્ટ્રીય સુરક્ષા કે વિદેશ નીતિમાં અપરિપક્વતા દાખવીને તેઓ ભાજપને મોજ કરાવી આપે છે. જનતાની નજરમાં કોંગ્રેસ એક ‘વિલન' જેવી છબી ધારણ કરે છે. કોંગ્રેસે એક બાબત સ્વીકારવી જ પડે કે મોદિત્વ ગુજરાતમાં લોકપ્રિય છે અને દેશને શ્રેષ્ઠ નેતળત્વ આપે છે. ગુજરાતમાં તેનો કારણ વગર વિરોધ કરીને મતના ઢગલા થઇ જ ન શકે.
સ્થાનિક ચૂંટણીમાં માત્ર ને માત્ર સ્થાનિક મુદ્દાઓ જ પ્રભાવી હોય છે. રસ્તા, પાણી, ગટર અને સરકારી તંત્રની લાપરવાહી જનતાને સ્પર્શે છે. આવા સમયે રાહુલ ગાંધીના અપ્રસ્તુત નિવેદનો સ્થાનિક નેતાઓની મહેનત પર પાણી ફેરવી દે છે. ભાજપ ચતુર છે, તે તરત જ ચર્ચાને રાષ્ટ્રવાદ તરફ વાળી દ ે છે. પરિણામે સ્થાનિક ભ્રષ્ટાચારના પાવરફૂલ મુદ્દાઓ ગૌણ બની જાય છે.
રાહુલ ગાંધી લાંબા સમયથી હિન્દુત્વમાં ફાટા પડાવવાનું કામ કરે છે. આ માટે સતત પછાત વર્ગના મુદ્દા ઉઠાવે છે. તેમની રણનીતિ કોઈએ સ્વીકારી નથી. વિચારધારામાં ભાજપ પાવરફૂલ છે. તેનાથી કોંગ્રેસે દૂર જ રહેવું જરૂરી છે. રાહુલ કાયમ ભાજપને અનુકુળ માહોલ બનાવી આપે છે.
જો આશા જીવંત રાખવી હોય, તો ગુજરાત કોંગ્રેસે પ્રાદેશિક રણનીતિ અપનાવવી પડશે. દિલ્હીના હાઈકમાન્ડને બદલે સ્થાનિક નેતળત્વને આગળ કરવું જરૂરી છે. રાહુલ ગાંધીના ‘રાષ્ટ્રીય અખતરા' ગુજરાતમાં કયારેય સફળ થયા નથી. કોંગ્રેસે માત્ર ભાજપના પાપની યાદી લઈને પ્રજા વચ્ચે જવું જોઈએ. ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો જ કોંગ્રેસને જીવાડી શકે છે. રાષ્ટ્રીય નેતાઓના હસ્તક્ષેપ વગરની લડાઈ જ વિપક્ષને મજબૂત બનાવશે. રાહુલ ગાંધી કોંગ્રેસ માટે નડતરરૂપ રાહુ સાબિત થઈ રહ્યા છે, તેનો ઇલાજ અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
