News of Wednesday, 1st April 2026
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર
બજરંગબલીના ભકતોનો પાર નથી, પણ લાયક કેટલા?: ભકત હોવાની ફેશન અને ફિશિયારી વધી ગયાઃ અડિયલ, અવગુણી, અજ્ઞાની ભકત હોય જ ન શકે
હનુમાનજી એટલે જ્ઞાન, ગુણ અને અપાર શક્તિનો અદભૂત સમન્વય. હનુમાન જયંતીના પવિત્ર અવસરે ચારેબાજુ ‘જય હનુમાન' ના નાદ ગુંજે છે. ગલીએ ગલીએ કેસરી ધજાઓ લહેરાય છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. આ ભીડમાં સાચા ભક્તો કેટલા અને ભક્તિના નામે ફેશન કરનારા કેટલા એ એક ગંભીર પ્રશ્ન છે. હનુમાન‘જ્ઞાન ગુણ સાગર' છે. શું આપણે તેમના સાગર માંથી એક પણ ટીપું જ્ઞાન કે ગુણ આપણા જીવનમાં ઉતાર્યા છે ખરા?
આજના સમયમાં હનુમાન ભક્તિ જાણે દેખાડો કરવાનો વિષય બની ગઈ હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા અને મોટી મોટી વાતો કરીને ફિશિયારી મારનારા લોકોની કોઈ કમી નથી. હનુમાનજી વિનમ્રતાના પ્રતીક છે. તેમની પાસે ‘અતુલિત બલ' હતું, છતાં તેમણે કયારેય છાકટાવેળા કર્યા નથી. તેઓ હંમેશા રામના ચરણોમાં વિનમ્ર સેવક બનીને રહ્યા. જ્યારે આજની પેઢી પાસે થોડી શક્તિ કે સત્તા આવે છે ત્યારે તેઓ બ્રેક વગરની ગાડી જેવા અડિયલ બની જાય છે.
હનુમાનજી વિવિધ કલાઓ, ચોસઠ વિદ્યાઓ અને આઠેય સિદ્ધિઓના જ્ઞાતા હતા. તેઓ વાણીના વિવેકથી લંકામાં વિભીષણનું દિલ જીતી શકતા હતા અને પોતાની તાકાતથી રાક્ષસોનો સંહાર પણ કરી શકતા હતા. વર્તમાન ભારતને આવી ગુણવાન પેઢીની જરૂર છે. કમનસીબે, અત્યારે સોશિયલ મીડિયા પર ‘વાંદરાવેળા' કરનારી એક મોટી જમાત ઉભી થઈ છે. ધર્મના નામે ધતિંગ કરનારા અને અસભ્ય વર્તન કરનારા લોકો દેશના નૈતિક મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ભક્ત હોવાનો ડોળ કરવો અને ખરેખર ભક્ત હોવું એમાં આભ-જમીનનો તફાવત છે. હનુમાનજીએ સમુદ્ર ઓળંગ્યો ત્યારે તેમને થાક નહોતો લાગ્યો, કારણ કે તેમની પાસે નિરંતર રામ નામનું અને કર્તવ્યનું બળ હતું. આપણે તો સામાન્ય મુશ્કેલીમાં ડગમગી જઈએ છીએ. આવી ફિશિયારી મારનારા લોકો બજરંગબલીને ગમતા હશે?
આપણે ખરેખર હનુમાન જયંતી ઉજવવા માંગતા હોઈએ, તો આપણે તેમના સંયમ અને સમર્પણને સમજવા પડશે. યુવા પેઢીએ શક્તિનો ઉપયોગ રચનાત્મક કાર્યોમાં કરવો જોઈએ, નહીં કે રસ્તા પર હુલ્લડ કે ઓનલાઇન અરાજકતા ફેલાવવામાં. હનુમાનજીના આદર્શોને માત્ર મૂર્તિમાં નહીં, પણ આપણા આચરણમાં ઉતારવાની તાતી જરૂર છે. જ્યારે આપણે જ્ઞાની અને શક્તિશાળી હોવા છતાં વિનમ્ર બનીશું, ત્યારે જ આપણે સાચા અર્થમાં હનુમાનજીના લાયક ભક્ત ગણાઈશું.
વિચિત્રતા એ છે કે અમુક સંપ્રદાયો પોતાના હનુમાનજીને મોટા દેખાડવા બ્રાન્ડિંગ કરે છે. હનુમાન ભક્તિના નામે શેરી-ગલીઓમાં ઘોંઘાટની સ્પર્ધા જેવો માહોલ બની ગયો છે. ઘણાં ભક્તિના નામે પ્રસિદ્ધિ-પૈસા મેળવવામાં વ્યસ્ત છે. યાદ રાખજો, હનુમાનજી અજર-અમર દેવ છે. સદેહે આપણી વચ્ચે છે. તેઓ બધું જોઈ રહ્યા છે. મહાશક્તિશાળી રાવણની લંકા ભડકે બાળવામાં તેને વાર લાગી ન હતી. આ સામે આપણે કેટલા પાણીમાં છીએ તે સમજી લેજો. જય શ્રી રામ...
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
