News of Thursday, 2nd April 2026
કસોટી નેતાઓની નહિ,લોકોની
૨૬મીએ એપ્રિલફૂલની ઉજવણી થઇ ન જાય તેનો ખ્યાલ રાખજોઃ મોટી-મોટી વાતો કરનારા સામે બેધડક સવાલો ઉઠાવજોઃ નબળા નેતાને ફગાવજો
૨૬ એપ્રિલે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું મતદાન છે. જાહેરાત પહેલી એપ્રિલે થઈ, એટલે કે એપ્રિલફૂલના દિને! નેતાઓ આપણને ૨૬મીએ ‘મામા' બનાવવા મથશે. સામાન્ય રીતે ચૂંટણી નેતાઓની કસોટી ગણાય છે. વાસ્તવમાં, આ ચૂંટણી ગુજરાતના મતદારોની બુદ્ધિની કસોટી છે. ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. મોદીજી દિલ્હી ગયા પછી ગુજરાતનો વહીવટ કથળ્યો છે.
સત્તા એવા લોકોના હાથમાં છે જેમને પ્રજાની પડી નથી. આજે વિકાસના બણગાં ફૂંકાય છે, પણ સુખાકારી શૂન્ય છે. શાસન વ્યવસ્થા સાવ બેજવાબદાર બની ગઈ છે. ઉપર મોવડી મંડળની તાનાશાહી છે, નીચે અધિકારીઓ બેફામ છે. શાસક નેતાઓનું કંઇ ઉપજતું નથી. આખું તંત્ર અરાજક બની ગયું છે. જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રાહીમામ છે. નબળા નેતાઓ પોતાની તાકાત બતાવવા વિરોધ પક્ષના માણસો તોડે છે. આ બહાદુરી નથી, નબળાઈ છે.
દરેક ચૂંટણી વખતે નવા ‘ગતકડાં' બહાર આવે છે. કયારેક જ્ઞાતિવાદ, કયારેક રાષ્ટ્રવાદ તો કયારેક હિન્દુત્વ. લોકોની ભાવનાઓ ઉશ્કેરીને મતોની ખેતી કરવામાં આવે છે. મતદાન પત્યું એટલે નેતાઓ માટે જ્ઞાતિ કે હિન્દુ ગૌણ બની જાય છે. એ પછી શરૂ થાય છે નેતાઓનું અટ્ટહાસ્ય અને પ્રજાનું શોષણ. મત મેળવ્યા પછી નેતાઓ માત્ર પોતાની મોજમાં રાચે છે.
આ વખતે મતદારે જાગવાનું છે. નેતાઓ પ્રચારમાં આવે ત્યારે નમ્ર બનવાને બદલે સવાલો પૂછજો. તમારા ગજવા, તમારા બાળકોનું શિક્ષણ અને આરોગ્ય વિશે તથા સલામતી અંગે પૂછજો. ભાવનાત્મક વાતોમાં વહી જશો તો ફરી પાંચ વર્ષ પસ્તાવું પડશે. જો તમે ૨૬મીએ છેતરાયા, તો શાસકોના તાંડવ સામે તમારે ધ્રુજવું પડશે.
આ ચૂંટણી એ નક્કી કરશે કે ગુજરાતનો મતદાર જાગળત છે કે માત્ર ટોળું? નેતાઓને તેમની હેસિયત બતાવવાની આ છેલ્લી તક છે. યાદ રાખજો, જે પ્રજા સવાલ નથી પૂછતી, તે ગુલામીને લાયક બને છે. લોકશાહીમાં રાજા તમે છો, નેતા માત્ર સેવક હોવો જોઈએ. મામા બનવાનું છોડો અને માલિક બનવાનું શીખો. તમારી એક ભૂલ પાંચ વર્ષનું જોખમ છે. સચોટ મતદાન એ જ સાચો જવાબ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
