News of Monday, 6th April 2026
નેતા નેતીની ગુજરી બજાર
નેતા- નેતી- કાર્યકરોની મનોરંજક કુદાકુદઃ રાજનીતિનું માર્કેટ અત્યારે ફૂલ તેજીમાં: મતદાન બાદ કોઇ ભાવ નહિ પૂછે...
ગુજરાતના રાજકીય ચોકમાં જાણે ‘ગુજરી બજાર' ભરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક પક્ષ માંથી બીજા પક્ષમાં જવાની હોડ લાગી છે. નૈતિક્તા શબ્દ હવે રાજનીતિના ડિક્શનરીમાંથી ગુમ થઈ ગયો છે. નેતાઓ પક્ષ પલટો કરવામાં જરાય ખચકાટ અનુભવતા નથી. વિચારધારા જેવું હવે કંઈ રહ્યું નથી, માત્ર સત્તાનો લોભ જ સર્વોપરી છે.
આજના સમયમાં નેતા અને નેતીઓની હાલત બજારના માલ જેવી થઈ ગઈ છે. પક્ષો પણ દૂકાન ખોલીને બેસી ગયા છે. જે નેતાનું વજન જેટલું વધારે, તેનો ભાવ એટલો જ મોટો. કાર્યકરો પણ બિચારા મૂંઝવણમાં છે. ગઈકાલ સુધી જેને ગાળો આપતા હતા, આજે તેના જ ગળામાં હાર પહેરાવવો પડે છે. આ દ્રશ્યો મનોરંજન પૂરૂં પાડે છે, પણ લોકશાહી માટે ઘાતક છે. રાજકારણીઓ માટે પક્ષ બદલવો એ કપડાં બદલવા જેટલું સહજ બની ગયું છે.
ગુજરાતની રાજનીતિમાં પહેલાં મૂલ્યોની વાત થતી હતી. આજે માત્ર ‘સેટિંગ'ની વાત થાય છે. કોઈને જનતાની સેવા કરવામાં રસ નથી. દરેકને પોતાની ખુરશી સલામત રાખવી છે. પક્ષો પણ સિદ્ધાંતો નેવે મૂકીને ગમે તેને આવકારવા તૈયાર છે. પક્ષમાં આવતા-જતા નેતાઓને જોઈને એવું લાગે છે કે આ કોઈ ગંભીર પ્રક્રિયા નથી, પણ એક મનોરંજક કુદાકુદ છે.
નેતાઓએ યાદ રાખવું જોઈએ કે આ તેજી માત્ર મતદાન સુધી જ છે. જેવી ચૂંટણી પૂરી થશે અને પરિણામ આવશે, પછી કોઈ ભાવ પૂછનારૂ નહીં હોય. અત્યારે પક્ષો જે લાલચ આપી રહ્યા છે, તે માત્ર મતોના સમીકરણ બેસાડવા માટે છે. એકવાર સત્તા મળી જાય પછી નેતાઓ અને કાર્યકરો બંને હાંસિયામાં ધકેલાઈ જાય છે. બજારનો નિયમ છે કે માંગ ઘટે એટલે ભાવ પણ ઘટી જાય.
જનતાએ આ તમાશો ગંભીરતાથી જોવાની જરૂર છે. જે નેતા પોતાની વિચારધારા પ્રત્યે વફાદાર નથી, તે જનતા પ્રત્યે શું વફાદાર રહેશે? આ રાજકીય ખેલને મનોરંજન તરીકે ન જોતા, લોકશાહીના પતન તરીકે જોવો જોઈએ. મતદારે પક્ષ પલટુ નેતાઓને પાઠ ભણાવવો જોઈએ. જો જનતા જાગળત થશે તો જ આ‘ગુજરી બજાર' બંધ થશે. નૈતિક્તા વગરની રાજનીતિ સમાજને ખોખલો કરી નાખે છે. હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
