News of Wednesday, 8th April 2026
વિચિત્ર મોતિયોઃ દેશી દેખાતો નથી
રાજકોટમાંથી ડ્રગ્સ, વિદેશી દારૂ, ગાંજો પકડાય છે, પણ દેશી રગડા બેફામઃ કડક અધિકારીઓ તથા શાસક, વિપક્ષને દેશી દેખાતો નથીઃ ખડગેના નિવેદનને બદલે લોકો દેશીને મુદ્ો બનાવવો જોઇએ
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ગેરકાયદે નશાનો કારોબાર રક્તબીજની જેમ ફેલાઈ રહ્યો છે. રાજકોટમાંથી ફરી એકવાર ડ્રગ્સના જથ્થા સાથે શખ્સો ઝડપાયા છે. જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે તંત્ર અચાનક હરકતમાં આવી જાય છે. શહેરમાં કડક પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. દરોડા પાડીને વિદેશી દારૂ, હાઈ- પ્રોફાઈલ ડ્રગ્સ અને ગાંજો પકડવાના સમાચાર અખબારોની હેડલાઈન બને છે. પરંતુ આ આંકડાબાજીની પાછળ એક વરવી વાસ્તવિકતા છુપાયેલી છે. તંત્રને જાણે ‘વિચિત્ર મોતિયો' આવ્યો હોય તેમ તેને ગલીએ ગલીએ ધૂમ મચાવતો દેશી દારૂ દેખાતો નથી.
રાજકોટના અનેક વિસ્તારોમાં દેશી દારૂના હાટડા ખુલ્લેઆમ ચાલે છે. વિદેશી દારૂ પકડાય ત્યારે તંત્રની થાબડવામાં આવે છે, પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બરબાદ કરતો દેશી દારૂ તંત્રની નજર બહાર કેમ છે? આ એક ગંભીર પ્રશ્ન છે. અધિકારીઓ કડક હોવાનો દાવો કરે છે, છતાં દેશી દારૂની રમઝટ અટકતી નથી. શું આ તંત્રની નિષ્ફળતા છે કે પછી જાણીજોઈને કરવામાં આવતી આંખ આડા કાનની નીતિ?
નશાના આ ભયાનક ભરડાથી સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સૌથી દુઃખદ બાબત એ છે કે, આ જીવલેણ મુદ્દે ન તો શાસક પક્ષને રસ છે, ન તો વિપક્ષને. રાજકીય નેતાઓ એકબીજા પર ખડગે જેવા તીક્ષ્ણ નિવેદનો ફેંકવામાં મશગૂલ છે. ચૂંટણી ટાણે મોટા મોટા વાયદાઓ થાય છે, પણ યુવાધનને ખોખલું કરતા નશાબંધીના અમલ અંગે કોઈ ઠોસ આયોજન દેખાતું નથી.
સમાજની બરબાદી પર ફોકસ કરવાનો હવે સમય આવી ગયો છે. રાજકીય પક્ષોના નિવેદનોથી પેટ ભરાવાનું નથી કે ઘર બચવાનું નથી. જ્યારે દેશી દારૂના રવાડે ચઢનારાનો આખો પરિવાર રઝળી પડે છે. લોકોએ હવે જાગળત થવાની જરૂર છે. નેતાઓના ખોટા આશ્વાસનોને બદલે જનતાએ પોતે જ ‘નશામુક્ત સમાજ' ને આગામી ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવવો જોઈએ. જ્યાં સુધી દેશી દારૂના આ તાંડવ સામે સામાજિક આક્રોશ નહીં જન્મે, ત્યાં સુધી તંત્રનો આ ‘મોતિયો' ઉતરવાનો નથી. જો રાજકોટને ખરેખર નશામુક્ત બનાવવું હોય, તો માત્ર ડ્રગ્સ જ નહીં, પણ ગલીએ ગલીએ ઉકળતા દેશીના રગડાઓને પણ જડમૂળથી ઉખેડી ફેંકવા પડશે.
સત્તાની ખુરશી પર બેસીને મલ્લિકાર્જુન ખડગેના નિવેદનો સામે બહાદુરી દેખાડનારા નેતાઓ દેશી દારૂ જેવા મુદ્દે મિયાની મીંદડી કેમ બની જાય છે ? વિપક્ષને પણ આ મુદ્દે રસ પડતો નથી એ દર્શાવે છે કે દરેકને લોકોના મતમાં રસ છે, લોકોની સુખાકારીમાં નહિ. લોકોએ દેશી દારૂ અને કાયદો વ્યવસ્થાને મુદ્દો બનાવીને નેતા-નેતી સામે આકરા સવાલો ઉઠાવવા જરૂરી છે. ખડગેના નિવેદન કરતા દેશી જેવા મુદ્દા મહત્વના છે, એ ન ભૂલતા
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
