News of Friday, 10th April 2026
ભારે મતદાન શુભ સંકેત
મતદાનની ટકાવારી ઉંચી જવી એ લોકશાહીની મજબૂતી ગણાય, પણ મતદારનો દ્રષ્ટિકોણ ટૂંકો હોય તો લોકશાહી કુંઠિત થાયઃ ગુજરાતમાં તો...
લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં જ્યારે જનતા ઉત્સાહભેર ભાગ લે છે, ત્યારે તે તંત્રની સફળતા અને રાષ્ટ્રની મજબૂતીનું પ્રતીક બને છે. તાજેતરમાં આસામ, પુડુચેરી અને કેરળમાં થયેલું વિધાનસભાનું મતદાન આ વાતની સાક્ષી પૂરે છે. આસામમાં ૮૪.૪૨%, પુડુચેરીમાં ૮૬.૯૨%અને કેરળમાં ૭૫.૦૧% જેટલું જે ભારે મતદાન નોંધાયું છે, તે લોકશાહી માટે અત્યંત શુભ સંકેત છે.
મતદાન એ માત્ર હક નથી, પણ લોકશાહીનો પ્રાણ છે. સામાન્ય નાગરિક માટે મતાધિકાર એ' બ્રહ્માસ્ત્ર' સમાન છે, જેનો ઉપયોગ કરીને તે પોતાની ઈચ્છા મુજબનું શાસન પસંદ કરી શકે છે. અગાઉના સમયમાં મતદાનની ટકાવારી ૪૦ થી ૬૦ ટકાની આસપાસ મર્યાદિત રહેતી હતી. પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવી છે. લોકો સમજતા થયા છે કે રજા ગાળવાને બદલે મતદાન મથક સુધી પહોંચવું એ રાષ્ટ્રહિતનું કાર્ય છે. ત્રણ રાજ્યોમાં ૮૦ ટકાની આસપાસ પહોંચેલો આ આંકડો સૂચવે છે કે મતદાર હવે પોતાની શકિત ઓળખતો થયો છે.
સંખ્યાત્મક જાગૃતિ વધી છે પણ ગુણાત્મક જાગૃતિમાં હજુ ક્યાંક કચાશ જણાય છે. આજે પણ મોટાભાગે મતદાન વખતે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંંતવાદ કે વ્યકિતગત સ્વાર્થના સમીકરણો કામ કરતા જોવા મળે છે. મતદાર જ્યારે ક્ષુલ્લક સ્વાર્થને આધીન થઈને બટન દબાવે છે, ત્યારે લોકશાહીની ગરિમા જોખમાય છે. રાષ્ટ્ર કે રાજ્યના વ્યાપક અને લાંબાગાળાના હિતમાં નિષ્પક્ષ મતદાન થાય તે અનિવાર્ય છે. વિકાસ, સુરક્ષા અને શિક્ષણ જેવા પાયાના મુદ્દાઓ પર મતદાન થવું જોઈએ.
ગુજરાતમાં પણ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ગુજરાતની જનતાએ આ ત્રણ રાજ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ. આપણે ત્યાં પણ ૯૦ ટકા સુધી મતદાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ. એક-એક મતનું મૂલ્ય અકલ્પનીય છે. તે સરકાર બનાવી પણ શકે છે અને પાડી પણ શકે છે.
લોકશાહીને જીવંત રાખવા માટે માત્ર મતદાન કરવું પૂરતું નથી, પણ 'સભાન મતદાન' કરવું જરૃરી છે. જ્યારે જનતા જ્ઞાતિ-જાતિના વાડાઓ છોડીને માત્ર રાષ્ટ્રહિતનો વિચાર કરીને મતદાન કરશે, ત્યારે જ સાચા અર્થમાં લોકશાહીનું પુષ્પ ખીલી ઉઠશે. ભારે મતદાન એ પરિવર્તન અને જાગૃતિની નિશાની છે, જે ઉજ્જવળ ભવિષ્ય તરફ ઈશારો કરે છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
