News of Saturday, 11th April 2026
સાથે કે સામે... આંતરિક ઘુઘવાટ
રાજકોટમાં ભાજપે મોટામાથા કાપ્યાઃ ન સહેવાય ન રહેવાય તેવી દશાઃ સાથે રહીને પક્ષને પાઠ ભણાવે તે મોટું જોખમઃ ભાજપે ક્રાંતિ કરી, પણ...
રાજકોટના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પક્ષે ટિકિટ વિતરણમાં ધડાકો કર્યો છે, તેણે અનેક સ્થાપિત હિતોના પાયા હચમચાવી દીધા છે. પક્ષે રાજકોટમાં એકસાથે ૪૮ જેટલા જૂના અને જાણીતા ચહેરાઓની ટિકિટ કાપી નાખી છે. આ કોઈ સામાન્ય ફેરબદલ નથી, પરંતુ એક રાજકીય ક્રાંતિ સમાન છે. વર્ષોથી સત્તાના પદો પર ચીપકી રહેલી અને જેનો કોઈ ખાસ પ્રભાવ નહોતો તેવી લોકલ નેતાગીરીનો પક્ષે એક ઝાટકે સફાયો કરી દીધો છે. નવા અને તેજસ્વી ચહેરાઓને તક આપીને ભાજપે સંગઠનમાં નવી ઊર્જા ફૂંકવાનો સાહસિક પ્રયાસ કર્યો છે.
આ આકરા નિર્ણયને કારણે કપાયેલા નેતાઓની હાલત અત્યારે 'ન સહેવાય, ન રહેવાય' જેવી અત્યંત કફોડી થઈ ગઈ છે. જે નેતાઓ ગઈકાલ સુધી આખા શહેરના વહીવટમાં આદેશ આપતા હતા, તેઓ આજે એકાએક હાંસિયામાં ધકેલાઈ ગયા છે. પક્ષના આ કડક વલણથી પાયાના કાર્યકરોમાં કદાચ ઉત્સાહ હોય, પણ સ્થાપિત નેતાઓમાં અંદરખાને ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આ આંતરિક ઘુઘવાટ ગમે ત્યારે સપાટી પર આવવા માટે મથી રહ્યો છે. જોકે, ભાજપની લોખંડી શિસ્ત અને કેન્દ્રીય નેતાગીરીની મજબૂત પકડને કારણે હાલમાં કોઈ ખુલ્લેઆમ મેદાનમાં આવીને પક્ષની સામે પડવાની હિંમત કરી શકતું નથી. સામી છાતીએ લડવા માટે જે રાજકીય મનોબળ અને જનસમર્થન જોઈએ, તેનો અત્યારે આ પૂર્વ નેતાઓમાં સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે.
પક્ષ માટે સૌથી મોટું જોખમ એ લોકો નથી જેઓ 'સામે' પડીને બળવો કરે છે, કારણ કે સામે લડનારાઓને તો મેનેજ કરવા કે હરાવવા પક્ષ માટે સરળ હોય છે. પરંતુ ખરૂ જોખમ એ છે જે ''સાથે રહીને'' રહીને પક્ષને અંદરથી જ પાઠ ભણાવવાની પેરવીમા ં હોય. આ પ્રચ્છન્ન બળવાખોરો પક્ષની પથારી ફેરવી શકે છે. ચૂંટણીના સમયે સંગઠનમાં રહીને, મંચ પર સાથે બેસીને જ જડમૂળથી પક્ષને નબળો પાડવો એ ભાજપ સામેનો સૌથી મોટો આંતરિક પડકાર છે. જે નેતાઓ અસંતુષ્ટ છે તેઓ જો નિષ્ક્રિય થઈ જાય અથવા અંદરખાને વિરોધ પક્ષને મદદ કરે, તો તે ભાજપ માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.
હકીકત એ પણ છે કે રાજકોટની મોટાભાગની નેતાગીરી દમ વગરની સાબિત થઈ હતી. આમાંના ઘણા નેતાઓ પોતાના વ્યકિતગત બળ પર કે લોકપ્રિયતાના જોરે ચૂંટણી જીતવાની લેશમાત્ર ક્ષમતા ધરાવતા નથી. તેઓ માત્ર પક્ષના ભગવા પ્રતીક અને નરેન્દ્રભાઇના નામે જ અત્યાર સુધી તરતા રહ્યા છે. હવે જ્યારે પક્ષે મોટું ઓપરેશન કરીને લોકલ નેતાગીરીમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે, ત્યારે આગામી જંગ વધુ રસપ્રદ અને પડકારજનક બન્યો છે. ગુજરાતમાં ભાજપી નેતાગીરીએ ફરીથી લોકોનો વિશ્વાસ જીતવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. પક્ષમાં થયેલી આ ક્રાંતિ સફળ થશે કે આ આંતરિક ઘુઘવાટ પક્ષને ડૂબાડશે, તે જોવું જંગમાં ઉત્તેજના જગાવનારૂ રહેશે. ક્રાંતિના આ માર્ગ પર પક્ષે ખૂબ જ ફૂંકી ફૂંકીને ડગલાં ભરવા પડશે.
રાજકોટમાં ચાવીરૂપ પદ પર ગોઠવાઈને ખેલ નાખનારાને પક્ષે હાંસિયામાં ધકેલ્યા છે, પણ આ માત્ર રાજકોટની જ સમસ્યા નથી.ગુજરાતમાં પણ મોટા પદ પર ગોઠવાયેલા મોટાભાગના બબૂચકોના કારણે ગુજરાતમાં ભાજપની પથારી ફરી શકે છે.પક્ષને પ્રદેશસ્તરે નક્કર નેતાગીરીની જરૂર છે, નહિ તો વર્તમાન ક્રાન્તિ ભ્રાંન્તિ જેવી હાસ્યાસ્પદ બનશે. હાલમાં વિપક્ષ મજબૂત હોત તો ...
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
