News of Monday, 13th April 2026
મોવડી વિવરીંગઃ લોકલ સેન્ડવીચ!
જાહેર થયેલા નામો બદલવાનો ખેલ ઘણું કહી જાય છેઃ માઇક્રો પ્લાનિંગ મતદારોનું થાય છે, પણ નેતા- કાર્યકરોની લાગણીનું કોઇ પ્લાનિંગ નહિઃ મોટાભા ગણાતા નેતાઓ માત્ર હા-જી-હા કરવામાં માસ્ટર!
ભાજપ ચૂંટણી જીતવા માટ ેનો સૌથી મજબૂત પક્ષ ગણાય છે. તેનું માઈક્રો પ્લાનિંગ હંમેશા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય રહે છે. ઉમેદવારોની પસંદગીમાં અનેક દ્રષ્ટિકોણથી ખૂબ ઝીણું કાંત્યા બાદ નિર્ણય લેવાય છે. ગુજરાત હાલમાં રાષ્ટ્રીય ભાજપનું અસલી પાવરહાઉસ છે. રાષ્ટ્રીય સ્તરે પક્ષમાં ગુજરાતના નેતાઓનો ડંકો વાગે છે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી જીતવી ભાજપ માટે ચપટીનો ખેલ ગણાય તેવી તાકાત છે. આ શક્તિશાળી, શિસ્તબદ્ધ અને રણનીતિનો માસ્ટર ગણાતો પક્ષ હાલમાં ગુજરાતમાં ‘વિવરિંગ' દશામાં દેખાઈ રહ્યો છે.
શિસ્તની વાતો વચ્ચે જે રીતે જાહેર થયેલા નામો છેલ્લી ઘડીએ બદલવા પડે છે, તે પક્ષની આંતરિક નબળાઈ અને કચવાટ સૂચવે છે. જ્યારે ઉમેદવારોના નામ જાહેર થાય ત્યારે સમર્થકોના ટોળા કાર્યાલયે ઉમટે છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે. આ દ્રશ્યો ભાજપની કથિત શિસ્ત અને કેડર-બેઝડ પાર્ટીની છબી સામે મોટા સવાલો ઉભા કરે છે. સૌથી વિચિત્ર અને આઘાતજનક સ્થિતિ પાયાના કાર્યકરોની છે. દાયકાઓ સુધી પક્ષ માટે પાયામાં રહીને મજૂરી કરનારા કાર્યકરો બાજુ પર રહી જાય છે. બીજી તરફ, હરીફ પક્ષમાંથી આવેલા નેતાઓને રાતોરાત કેસરી ખેસ પહેરાવી ટિકિટ આપી દેવામાં આવે છે.
નારાજ થયેલા નેતાઓને મનાવવા માટે હવે પ્રદેશ પ્રમુખે પોતે દોડવું પડે છે. પાયાના કાર્યકરની વફાદારી અને આયાતી નેતાનું વર્ચસ્વ પક્ષમાં આંતરિક ઘર્ષણ પેદા કરી રહ્યું છે. આ આખી પ્રક્રિયામાં શહેર પ્રમુખની હાલત ‘લોકલ સેન્ડવીચ' જેવી થઈ ગઈ છે. તેમની પાસે કોઈ નિર્ણય લેવાની સત્તા હોય તેવું લાગતું નથી. ઉપરથી મળતા આદેશો અને નીચે કાર્યકરોનો ઉગ્ર રોષ - આ બંને વચ્ચે તેઓ ખરાબ રીતે પીસાઈ રહ્યા છે. ઉપર-નીચે માત્ર ‘હા જી હા'કરવાની મજબૂરીએ સ્થાનિક નેતાગીરીને બિચારી બનાવી દીધી છે.
વિપક્ષમાં અત્યારે કોઈ દમ નથી, તે ભાજપ માટે સૌથી મોટું જમા પાસું છે. લોકો પાસે કોઈ સબળ વિકલ્પનો અભાવ છે. રાજકોટથી માંડીને ગાંધીનગર સુધી સંગઠનમાં નિર્ણયશક્તિ ધરાવતા બાહોશ નેતાઓને બદલે હવે માત્ર આદેશોનું પાલન કરતા ‘બાઘા' વધારે ગોઠવાઈ ગયા છે. આ સ્થિતિ જોતા મત આપતી વખતે જનતાએ પણ હવે બહુ આશા રાખવા જેવી નથી. પક્ષમાં અત્યારે વિવરિંગ-સેન્ડવીચોના ટોળા મોટા નેતા રૂપે ઘૂમી રહ્યા છે, જે લોકશાહી અને સંગઠન બંને માટે ચિંતાનો વિષય છે. પક્ષની આ દશા આંતરિક વિખવાદ અને સત્તાના અતિશય કેન્દ્રીકરણનો પુરાવો આપે છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
