News of Tuesday, 14th April 2026
તોડફોડ- ભાગાભાગી... નબળાઇનો જંગ
કોંગ્રેસ પાસે પોતાનાને સાચવવાની ત્રેવડ નથીઃ ભાજપ વિશ્વનો સોૈથી મોટો પક્ષ છતા પોતાના બળે જીતવાને બદલે હરીફને તોડવા મજબૂરઃ લોકો સામે નબળા જ વિકલ્પ
ગુજરાતનું રાજકારણ અત્યારે જે સ્તર પર પહોંચ્યું છે તે જોઈને લોકશાહીના મૂલ્યો ્પ્રત્યે ગ્લાનિ થવી સ્વાભાવિક છે. ખાસ કરીને સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ જે પ્રકારે તોડફોડ અને ભાગાભાગી શરૂ થઈ છે, તે જનતાની કમનસીબીની પરાકાષ્ઠા છે. રાજકોટ જેવા શહેરોમાં રાજકીય શતરંજની એવી બિછાત બિછાવાઈ છે જેમાં જનતાના પ્રશ્નો નહીં, પરંતુ માત્ર સત્તાની ભૂખ અને નૈતિકતાનો અભાવ જ મુખ્ય કેન્દ્રમાં છે. અહીં લડાઈ વિકાસની નથી, પરંતુ કોણ કેટલું નબળું છે તે સાબિત કરવાની છે.
કોંગ્રેસની દશા અત્યારે અત્યંત દયનીય છે. જે પક્ષ પાસે પોતાના ઉમેદવારોને સાચવવાની કે તેમનામાં વિશ્વાસ જગાડવાની ત્રેવડ નથી, તે પક્ષ મહાનગરોને સાચવવાના સપના કેવી રીતે જોઈ શકે? ચૂંટણી જીતતા પહેલા જ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ‘કેદ' કરી દેવા એ પક્ષની આંતરિક પોકળતાના દર્શન કરાવે છે. ભાજપ તોડવા પ્રયાસ કરે છે તેવો આક્ષેપ કરીને કોંગ્રેસ પોતાની જ નબળાઈ સ્વીકારી રહી છે. જો તમારા સૈનિકો જ વેચાવા તૈયાર હોય, તો સેનાપતિની ક્ષમતા પર સવાલ ઉઠવો અનિવાર્ય છે. પક્ષ પ્રત્યેની વફાદારીનો જ્યાં આટલો મોટો અભાવ હોય, ત્યાં જનતા તે પક્ષ પાસેથી મજબૂત વહીવટની આશા કઈ રીતે રાખી શકે?
બીજી તરફ ભાજપની રણનીતિ પણ આヘર્ય પમાડે તેવી છે. ભાજપ પોતાને વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન તરીકે ઓળખાવે છે. તેમની પાસે પેજ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય સ્તરનું વિશાળ નેટવર્ક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદી જેવી વૈશ્વિક બ્રાન્ડ છે અને રણનીતિ ઘડનારા મહારથીઓની આખી ફોજ છે. છતાં, સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે પણ તેમને સામા પક્ષના કચરાને વીણવાની જરૂર કેમ પડે છે? શું વિશ્વના સૌથી મોટા પક્ષને પોતાના કાર્યકરો પર ભરોસો નથી? કે પછી સત્તાના મદમાં તેઓ એ ભૂલી ગયા છે કે વિપક્ષને પરાસ્ત કરવો અને વિપક્ષને તોડવો એ બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. હરીફને તોડવાની આ મજબૂરી ભાજપની અતિ નબળી સ્થાનિક નેતાગીરીનો પુરાવો છે.
ગુજરાતની જનતા માટે અત્યારે કોઈ ત્રીજો સક્ષમ માર્ગ દેખાતો નથી. શાસક પક્ષ અહંકારમાં છે અને વિપક્ષ લાચારીમાં મતદારોની હાલત ‘સૂડી વચ્ચે સોપારી' જેવી થઈ છે. એક તરફ એવો પક્ષ છે જે પોતાના ઘરને સુરક્ષિત નથી રાખી શકતો, અને બીજી તરફ એવો પક્ષ છે જે બીજાના ઘર સળગાવીને પોતાનો મહેલ બનાવવા માંગે છે. રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતા માટે આ સ્થિતિ લોકશાહીના ચીરહરણ સમાન છે. જ્યારે શાસક અતિ નબળો અને વિપક્ષ નબળો હોય, ત્યારે જનતાએ માત્ર મજબૂરીમાં જ મત આપવો પડે છે. આ એક એવો જંગ છે જ્યાં લોકશાહી જીતે કે ન જીતે, પણ મૂલ્યોની હાર ચોક્કસ છે. જનતા સામે અત્યારે માત્ર નબળા જ વિકલ્પો છે, જે આગામી સમય માટે જોખમી સંકેત છે.
આヘર્ય તો એ છે કે ભાજપના ધુરંધરો આમ આદમી પાર્ટીના ટાબરિયા જેવા નેતા-નેતીને તોડીને જાણે મીર માર્યો હોય તેવો દેખાવ કરે છે. આવા દ્રશ્યો ભાજપી નેતાઓને રાજકીય કાર્ટૂન જેવા સાબિત કરે છે, પણ ગુજરાતના મીડિયા આવા કાર્ટૂનોને સાવજ હોય તેમ રજૂ કરે છે. વિચિત્ર અને રમૂજી સ્થિતિ બની ગઇ છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
