<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

રાજકીય મેક-અપઃ મહિલા અનામત

મોદી સરકારનો ખેલ હોવાની સમીક્ષકોને આશંકાઃ વિપક્ષને કોૈરવ તરીકે રજૂ કરવો આસાન બનશેઃ ખરડો પાસ કરવા નક્કર રણનીતિ જ ન હતી

                 

   ભારતીય રાજનીતિમાં મહિલા અનામત બિલ એક એવું હથિયાર બની ગયું છે જેનો ઉપયોગ સત્તા અને વિપક્ષ બંને પોતપોતાની રીતે કરે છે. તાજેતરમાં મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું મહિલા અનામત બિલ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢ્યું છે. રાજકીય સમીક્ષકોમાં એવી પ્રબળ આશંકા છે કે આ બિલ પાસ કરાવવા પાછળ સરકારનો ઈરાદો કાયદો બનાવવાનો ઓછો અને રાજકીય ખેલ ખેલવાનો વધુ હતો. સરકારે ખૂબ જ ચાલાકીપૂર્વક વિપક્ષને એક એવા વળાંક પર લાવીને ઊભો કરી દીધો છે જ્યાંથી પાછા વળવું વિપક્ષ માટે મુશ્કેલ છે.

ભાજપ અને એનડીએ ગઠબંધન આ મુદ્દે પોતાની છબી 'મહિલા હિતૈષી' તરીકે રજૂ કરી રહ્યા છે. જે રીતે પૌરાણિક કથાઓમાં ન્યાય અને અન્યાયની લડાઈ હતી, તેવી જ રીતે ભાજપ હવે વિપક્ષને 'કૌરવ' તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે. સરકારનો દાવો છે કે તેઓ મહિલાઓને તેમનો હક આપવા માંગે છે, પરંતુ વિપક્ષ તેમાં અવરોધ ઊભો કરી રહ્યો છે. આ રણનીતિ પાછળનું મુખ્ય કારણ દેશની ૫૦ ટકા મહિલા વસ્તીને પોતાની તરફ આકર્ષવાનું છે. મહિલા મતદારો આજે નિર્ણાયક ભૂમિકામાં છે અને સરકાર આ મતોને અંકે કરવા માટે કોઈપણ તક છોડવા માંગતી નથી.

જોકે, આ સમગ્ર પ્રક્રિયામાં એક મોટો પ્ર્શ્ન એ ઊભો થાય  છે કે શું સરકાર પાસે આ ખરડો પાસ કરાવવાની ખરેખર કોઈ નક્કર રણનીતિ હતી? ઘણાં જાણકારો માને છે કે બિલ પસાર ન થવું એ સરકારની યોજનાનો જ એક ભાગ હોઈ શકે. જો સરકાર ખરેખર ગંભીર હોત તો ગૃહમાં બહુમતી સાધવા માટે પૂરતી તૈયારી કરી હોત. રણનીતિના અભાવે બિલ અટકી પડ્યું, પરંતુ તેનાથી સરકારને મોટો ફાયદો એ થયો કે તેઓ હવે જનતા વચ્ચે જઈને વિપક્ષને મહિલા વિરોધી સાબિત કરી શકશે. ભાજપે તો દેશભરમાં વિપક્ષ વિરોધી પ્રદર્શનોનું એલાન પણ કરી દીધું છે.

વિપક્ષ માટે આ એક 'ચેકમેટ' જેવી સ્થિતિ  બની ગઈ છે. જો વિપક્ષ બિલને ટેકો આપે તો તેની તમામ ક્રેડિટ મોદી સરકાર લઈ જાય અને જો વિરોધ કરે તો જનતાની નજરમાં તેઓ ગુનેગાર ઠરે. આ રમતમાં ભલે ગૃહમાં બિલ પસાર ન થયું હોય, પરંતુ રાજકીય રીતે સરકાર જીતી ગઈ હોય તેવું દેખાય છે. વિપક્ષને વિલન સાબિત કરીને સરકાર પોતાની પીઠ થાબડી રહી છે. સમીક્ષકો મુજબ આ માત્ર એક રાજકીય મેક-અપ છે જેની પાછળ આગામી ચૂંટણીની ગણતરીઓ છુપાયેલી છે. સરકારનો આ  દાવ વિપક્ષને ફસાવવામાં સફળ રહ્યો હોય તેમ અત્યારે તો ચોક્કસ જણાય છે.

(11:09 AM IST)