News of Monday, 20th April 2026
ઘી-દૂધ નકલીઃ દારૂ અસલી!
રાજકોટ-સોૈરાષ્ટ્રની આ રિયલ સ્થિતિ છેઃ મેટ્રો સિટીના વચનો, વિકાસના પ્રવચનો અને માર્ગ બરબાદીનોઃમતદારોની સમજશકિત પર મોટો મદાર
સૌરાષ્ટ્રની ધરતી પર અત્યારે એક અજીબ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. અહીં ભગવાનને ધરાવવાનું ઘી નકલી છે. બાળકને પાવાનું દૂધ ઝેરી છે. પરંતુ જે વસ્તુ પર કાયદેસરનો પ્રતિબંધ છે, તે દારૂ એકદમ ‘ઓરિજિનલ'મળે છે! આ કોઈ જોક નથી, પણ રાજકોટ અને સૌરાષ્ટ્રની વરવી વાસ્તવિકતા છે. તંત્રની રહેમનજર હેઠળ ભેળસેળિયાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમે છે. ગઈકાલે રાજકોટમાં ૪૦૦ લીટર નકલી દૂધ પકડાયું. સુરેન્દ્રનગરમાંથી નકલી ઘીનો મોટો જથ્થો મળ્યો. આ તો માત્ર જે પકડાયું તે છે, બાકી જે જનતાના પેટમાં ગયું હશે તેનું શું?
ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે. વડાપ્રધાન બંગાળમાં જઈને ગુંડાઓને ચીમકી આપે છે કે ભાજપ આવશે એટલે તમારી ખેર નથી. પરંતુ ગુજરાતમાં તો ભાજપ દાયકાઓથી છે, છતાં અહીં ગુંડાઓ કે ભેળસેળિયાઓ પોલીસથી ધ્રૂજતા નથી. ઉલટાનું, અહીં પોલીસ અને નેતાઓ ગુંડાઓ સાથે સેટિંગ કરવામાં વ્યસ્ત જણાય છે. તંત્રની નિષ્ક્રિયતા એવી છે કે સામાન્ય માણસ હવે કંઈ પણ ખાતા પહેલા સો વાર વિચાર કરે છે. કાયદાઓ માત્ર કાગળ પર મજબૂત છે, અમલમાં સાવ ઢીલા છે.
નેતાઓ મંચ પરથી ‘મેટ્રો સિટી'ના સપના વેચે છે. વિકાસના લાંબા-લચક પ્રવચનો થાય છે. પરંતુ જમીની હકીકત એ છે કે રાજકોટ જેવા શહેરોને સુવિધાના નામે મોટા ગામડા બનાવી દીધા છે. રસ્તાઓની હાલત બરબાદ છે. ખાડાઓનું સામ્રાજ્ય છે. સ્માર્ટ સિટીના નામે માત્ર ટેક્સ વસૂલાય છે. એક બાજુ ઝેરી દૂધના નેટવર્ક ચાલે છે અને બીજી બાજુ 'પહેલી ધાર'નો દેશી દારૂ ગામેગામ હોમ ડિલિવરીમાં મળે છે. વિદેશી દારૂના દરિયા ઘૂઘવે છે, જાણે પ્રોહિબિશન જેવું કંઈ હોય જ નહીં!
આ શરમજનક સ્થિતિ હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. તેમને ખબર છે કે જનતા વચનોમાં ભોળવાઈ જશે. પરંતુ હવે સમય પાકી ગયો છે. મતદારોએ પોતાની સમજશક્તિ વાપરવી પડશે. જો ઝેરી દૂધ અને નકલી ઘીમાંથી મુક્તિ જોઈતી હોય, તો હવે પ્રવચનો નહીં પણ પરિણામ માંગવાનો સમય છે. વિકાસ રસ્તા પર દેખાવો જોઈએ, માત્ર નેતાઓના ભાષણોમાં નહીં. શું જનતા આ વખતે જાગશે? તેનો બધો જ મદાર મતદારોની બુદ્ધિ પર છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
