News of Wednesday, 22nd April 2026
ખડગેઃ ભાજપને અનુકુળ નેતા!
કોંગ્રેસના અધ્યક્ષ ખડગે અને યુવરાજ રાહુલ બંને કોંગ્રેસને નુકસાન કરવામાં અગ્રેસરઃ ખરા સમયે બોલીને બાફી નાખવામાં માસ્ટરી
રાજકારણમાં વિપક્ષની ભૂમિકા નિર્ણાયક હોય છે, પરંતુ વર્તમાનમાં કોંગ્રેસની સ્થિતિ કંઈક અલગ જ દેખાય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના નિવેદનો ભાજપ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં ખડગેએ વડાપ્રધાન મોદી સામે કરેલી ટિપ્પણીએ નવો વિવાદ છેડ્યો છે. તેમણે મોદીજીને ‘આતંકી' કહીને સંબોધ્યા હતા. વિવાદ વધતા ખુલાસા કરવામાં આવ્યા, પણ ત્યાં સુધીમાં તો વટાણા વેરાઈ ગયા હતા. ભાજપ આ તકનો પૂરો લાભ ઉઠાવે છે.
કોંગ્રેસના આ બંને શીર્ષ નેતાઓ અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને ભાજપ માટે અનુકૂળ માહોલ તૈયાર કરી આપે છે. રાજકારણમાં શબ્દોનું ચયન ખૂબ મહત્વનું હોય છે. જ્યારે તમે કોઈ રાષ્ટ્રીય નેતા કે વડાપ્રધાન પર વ્યક્તિગત હુમલો કરો છો, ત્યારે જનતામાં તેની નકારાત્મક અસર પડે છે. ખડગે અને રાહુલ ગાંધી જાણે અજાણે પક્ષની રણનીતિને નબળી પાડે છે. તેમની પાસે કોઈ સ્પષ્ટ દિશાનો અભાવ દેખાય છે. મનફાવે તેવા મુદ્દાઓ ઉછાળવાથી પક્ષની વિશ્વસનીયતા ઘટે છે અને મૂળ મુદ્દાઓ ભટકી જાય છે.
કોંગ્રેસ પતનના આરે આવી ગઈ હોવા છતાં કેન્દ્રીય નેતળત્વમાં ગંભીરતાનો અભાવ દેખાય છે. રાહુલ ગાંધીને હજુ પણ સામાન્ય રાજકીય ગણિત સમજાતું નથી તેવી ચર્ચાઓ હવે સામાન્ય બની છે. ગુજરાત જેવા રાજ્યોમાં પ્રદેશ નેતાઓ અને કાર્યકરો સખત મહેનત કરે છે. તેઓ પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે અને સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે દિલ્હીથી કોઈ હાઈપ્રોફાઈલ નેતા આવીને વિવાદાસ્પદ નિવેદન આપે છે, ત્યારે પાયાની તમામ મહેનત પર પાણી ફરી વળે છે. પક્ષના મોભીઓ જ પક્ષને પછાડી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસ માટે હજુ પણ તક છે. લોકો પરિવર્તન ઈચ્છતા હોય તો પણ વિપક્ષી નેતળત્વની ભૂલો જનતાને મજબૂર કરી દે છે. જો રાહુલ ગાંધી અને ખડગે જેવા નેતાઓ વિવાદાસ્પદ મુદ્દાઓ પર મૌન રહે અને સંયમ જાળવે, તો જ પક્ષ કંઇક નક્કર પરિણામ લાવી શકે તેમ છે. વારંવારની નિવેદનબાજી અને ભાષાની મર્યાદા ચૂકવી એ પક્ષ માટે આત્મઘાતી સાબિત થઈ રહી છે. કોંગ્રેસે હવે વ્યક્તિગત આક્ષેપો છોડીને જનતાના પાયાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અન્યથા, આ નેતાઓની ‘બાફવાની' માસ્ટરી પક્ષને સંપૂર્ણ પતન તરફ લઈ જશે.
અસંખ્ય મુદ્દા એવા છે કે ભાજપને બરાબરનો ભીડવી શકાય તેમ છે. લોકો પણ ઇચ્છે છે કે ભાજપી નેતાઓ થોડા જવાબદારી પૂર્વક વર્તન કરે. કોંગ્રેસ આવા મુદ્દાઓ લઈને આયોજનબદ્ધ ઝૂંબેશ આદરે તો લોકોનો સહયોગ અચૂક મળે તેમ છે. આવું કરવાને બદલે કોંગ્રેસનું શિર્ષ નેતૃત્વ સતત બફાટ કરતું રહે છે. બાદમાં માફી માંગે કે ખુલાસા કરે ત્યાં સ્માર્ટ ભાજપીઓએ તે મુદ્દાનો લાભ લઈ લીધો હોય છે. છેલ્લા ૧૫ વર્ષથી આ સિસ્ટમ ચાલે છે. ભાજપના સૌથી મોટા સહયોગી રાહુલ,ખડગે બની ગયા હોય તેમ નથી લાગતું? (
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
