<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ટેસ્‍ટિંગ એજન્‍સીનું ઉઠમણું ગોઠવો...

માત્ર નીટ જ નહિ, સમગ્ર સિસ્‍ટમ્‍સ રદ્‌ કરોઃ સતત વિવાદો અને શંકાસ્‍પદ પ્રવૃત્તિઃ ફરી પરીક્ષા એ ગોૈરવ નથી, શરમ છે...

 આધુનિક યુગમાં આપણે પ્રગતિની ગમે તેટલી ગુલબાંગો હાંકીએ, પણ શિક્ષણ ક્ષેત્રે હલકી વળત્તિનું તાંડવ જોઈને આઘાત લાગે છે. નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી જેવી સંસ્‍થાઓ હવે માત્ર વિવાદોનું કેન્‍દ્ર બની ગઈ છે. નીટ જેવી મહત્‍વની પરીક્ષાઓમાં જે પ્રકારે ગરબડો સામે આવી રહી છે, તે જોતા હવે માત્ર સુધારાની નહીં પણ આ ટેસ્‍ટિંગ એજન્‍સીનું ઉઠમણું ગોઠવવાની જરૂર છે. માત્ર એક પરીક્ષા રદ્દ કરવાથી ઉકેલ નહીં આવે, સમગ્ર સડેલી સિસ્‍ટમ્‍સ ને જ જડમૂળથી રદ્દ કરવી જોઈએ.

પરીક્ષા રદ્દ થવાના કારણે સરકારી તિજોરી પર ૫૦૦ કરોડનો જંગી ખર્ચ થાય છે. આ ખર્ચ અંતે તો સામાન્‍ય જનતાના ખિસ્‍સામાંથી જ જાય છે. તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે દેશના ૨૩ લાખ વિદ્યાર્થીઓને અકારણ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ એવા તેજસ્‍વી તારલાઓ છે જેમણે ડોક્‍ટર બનવા માટે દિવસ-રાત એક કર્યા છે. સિસ્‍ટમ્‍સની નાકામીને કારણે તેમના ભાવિ સાથે ક્રૂર ખીલવાડ કરવામાં આવ્‍યો છે. સતત પેપર લીકની ઘટનાઓ છતાં તંત્ર સખત પગલાં લેવામાં નિષ્‍ફળ રહ્યું છે. ગુનેગારોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી, જે અત્‍યંત દુર્ભાગ્‍યપૂર્ણ બાબત છે.

સૌથી મોટા પ્રશ્ન એ છે કે સરકારને આટલી બદનામી પછી પણ શરમ કેમ આવતી નથી? સત્તાના નશામાં ચૂર શાસકો માત્ર આશ્વાસનો આપે છે. બીજી તરફ, વિપક્ષ પણ પોતાની નૈતિક ફરજ નિભાવવામાં નિષ્‍ફળ રહ્યો છે. વિપક્ષી નેતાઓ માત્ર કરવા ખાતર વિરોધ પ્રદર્શિત કરે છે, પરંતુ તાર્કિક અંત સુધી લડતા નથી. આખી સિસ્‍ટમ્‍સ જ ફેલ ગણાય તેવી સ્‍થિતિ નિર્માણ થઈ છે. જવાબદારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવાને બદલે સિસ્‍ટમ્‍સનું જ ફિંડલું વાળી દેવું જોઈએ જેથી કોઈ નવો ભ્રષ્ટાચાર જન્‍મી ન શકે.

સમસ્‍યાના મૂળ સુધી જવાની તસ્‍દી કોઈ લેતું નથી. દરેક કૌભાંડમાં શંકાની સોય સરકારી મોટા માથાંઓ તરફ જાય છે. આ માથાઓને બચાવવા માટે આખી મશીનરી કામે લગાડવામાં આવે છે તેવી આશંકા પ્રબળ બની રહી છે. વારંવાર પરીક્ષાઓ મોકૂફ રાખવી અથવા ફરીથી લેવી એ કોઈ ગૌરવની વાત નથી, પરંતુ આ દેશ માટે શરમની વાત છે. લાખો પરિવારોના સપનાઓ રોળાયા છે. હવે જનતાનો આક્રોશ ફાટી નીકળે તે પહેલાં આ ભ્રષ્ટ માળખાને તોડી પાડીને પારદર્શક વ્‍યવસ્‍થા ઊભી કરવી અનિવાર્ય છે. શંકાસ્‍પદ પ્રવળત્તિઓ બંધ કરી, શિક્ષણનું પવિત્ર ગૌરવ જળવાય તે માટે કડક કાયદાકીય ક્રાંતિની જરૂર છે. (૩.૨)

(2:39 PM IST)